- ગુજરાત મ્યુકોરમાઈકોસિસના વિસ્ફોટ પર બેઠું છે.
- મહામારી જાહેર કરવાથી કશું નહીં થાય.
- સરકાર દૈનિક બુલેટિન જાહેર કરે.
- ગુજરાતમાં કોરોના કરતા પણ ઘાતક બની રહ્યો છે મ્યુકોરમાઈકોસિસનો રોગ, ચાર મોટા શહેરોમાં જ 3000 કેસ હોવાની દહેશત
- ડાયાબિટિસ હોય ને કોરોના થાય તો વધુ જોખમ, છતાં ડાયાબિટિસ ન હોય તો પણ કોરોના પછી ફંગલ ઈન્ફેક્શન થઈ શકે
- રેમડેસિવિરની જેમ જ સરકારના પાપે એમ્ફોટેરેસીન-બી ઈન્જેક્શન લેવા દર્દીના સગાનો રઝળપાટ શરૂ, કાળાબજારીઓ સક્રિય.
કોરોના મહામારી અને તેમાં પણ બીજી લહેરમાં મુસ્તાક રહેવાની જે ભૂલ ગુજરાત સરકારે કરી તેનું જ પુનરાવર્તન હવે ફરી એક વાર થઈ રહ્યું છે. આ વખતે કોરોના નહીં પણ કોરોનાના ઈલાજમાંથી સાજા થયેલાને ચપેટમાં લેતા મ્યુકોરમાઈકોસિસના મહારોગનો વારો છે. ડાયાબિટીસ હોય અને કોરોના ઈન્ફેક્શન લાગે તેવા દર્દીઓને મોટાભાગે શિકાર બનાવતા આ ફંગલ ઈન્ફેક્શનને ગુજરાત સરકારે મહામારી ઘોષિત કરી છે.
રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના 3000 કેસ, એકલા અમદાવાદમાં જ 1000?
અમદાવાદના લોકો હજુ કોરોનાની મહામારીની વ્યથામાથી બહાર પણ નીકળ્યા નથી ત્યાં જ મ્યુકોરમાઇકોસિસ નામની બીજી મહામારીએ પગદંડો જમાવવા માંડયો છે. અમદાવાદ સિવિલમાં અત્યારે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે ઉભા કરાયેલા તમામ આઠ વોર્ડ લગભગ ફૂલ થવાના આરે છે. જેથી હવે તાત્કાલિક નવાં વોર્ડ ઉભા કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. કેન્દ્ર સરકારની યાદી અનુસાર ગુજરાતમાં અત્યારે 2281 કેસ છે પરંતુ રાજ્ય સરકારની સત્તાવાર યાદીની અનુપસ્થિતિમાં નિષ્ણાત તબીબોના મતે આ આંક 3000 અથવા તેથી પણ વધુ હોય તો નવાઈ નહીં. એકલા અમદાવાદમાં જ 1000થી વધુ કેસ હોવાનું ખુદ રાજ્યના એક આરોગ્ય ઉચ્ચાધિકારી જ નામ ન આપવાની શરતે કબૂલી ચૂક્યા છે.

રાજકોટના સિવિલ સર્જન આર એસ ત્રિવેદીએ Divya Bhaskarને જણાવ્યું હતું કે, મ્યુકરમાયકોસિસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. અહીં દરરોજ 30થી વધુ દર્દીઓ દાખલ થાય છે અને હાલ 492 દર્દી દાખલ છે. આ ઉપરાંત મ્યુકોરમાઈકોસિસના 19 દર્દીને સમરસમાં ખસેડાયા છે અને હજી 50 લઇ જવાશે. રાજકોટ સિવિલમાં કુલ પાંચ ઓપરેશન થિએટર કાર્યરત છે અનેહવે સમરસ હોસ્ટેલમાં કોરોનાને બદલે મ્યુકોરમાઈકોસિસના દર્દીને દાખલ કરાઈ રહ્યા છે. રાજકોટ સિવિલમાં અત્યારસુધીમાં મ્યુકોરમાઈકોસિસના 650થી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યાનો અંદાજ છે જ્યારે ખાનગીમાં બીજા 200 મળીને અત્યારસુધીમાં 850 કેસ આવ્યા છે. જો કે, ચેપી રોગના નિષ્ણાત એવા એક ખાનગી સર્જને તો ત્યાં સુધી કહ્યું હતું કે, રાજકોટમાં અત્યારસુધીમાં મ્યુકોરમાઈકોસિસના 1000થી વધુ કેસ આવી ચૂક્યા હોય તો પણ નવાઈ નહીં.
ફંગલ ઈન્ફેક્શન ક્યાંથી આવે, કોને થાય હજી પણ લોકોમાં જાગૃતિ નથી
મોટાભાગે લોકો એવું માને છે કે જેમને ડાયાબિટિસ હોય અને કોરોના થયો હોય એવા લોકોને જ મ્યુકોરમાઈકોસિસ થાય છે. પરંતુ એવું જરૂરી નથી, કારણ કે મોટાભાગે ડાયાબિટિસવાળા કોરોના પેશન્ટને પાછળથી ફંગલ ઈન્ફેક્શન લાગે છે તે સાચું પરંતુ નાન-ડાયાબિટિક પેશન્ટને પણ મ્યુકોરમાઈકોસિસ થઈ શકે છે. જો આવું ન હોત તો અમદાવાદમાં 16 વર્ષીય સગીર મ્યુકોરમાઇકોસિસનો શિકાર ન બન્યો હોત કારણ કે તે તો નોન-ડાયાબિટિક છે. કોઇ સગીર આવી રીતે સંક્રમિત થવાનો આ દેશનો સૌપ્રથમ કેસ છે. બીજીતરફ સુરતમાં ગઈકાલે બ્લેક ફંગલના કોઈ લક્ષણો ન હોવા છતાં 23 વર્ષીય યુવાનનું મ્યુકોરમાઈકોસિસથી મોત થયું છે. આવામાં આ રોગ અને તેના ઈન્ફેક્શન વિશે જાત-ભાતની થિયરીઓ ચાલી રહી છે અને સરકારે તેમાં સ્પષ્ટીકરણ કરવું ખૂબ જરૂરી બને છે.
મ્યુકોરમાઈકોસિસના દર્દીના કુટુંબીજનો હવે તેના એમ્ફોટેરેસિન-બી ઇન્જેક્શન મેળવવા દોડધામ કરી રહ્યા છે. આવામાં સરકાર અને અમદાવાદ મ્યુનિ.ના હેલ્થના અધિકારીઓ વારંવાર નિયમો અને સ્થળો બદલીને તેમની વધારી રહ્યા છે. ગઈકાલે પહેલાં ઇન્જેક્શન માટે SVPનું નામ જાહેર કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ તેને કેન્સલ કરીને L.G. હોસ્પિટલનું નામ જાહેર કર્યું છે. આ કારણે આખો દિવસ દર્દીના સગાઓનો પૈસા આપીને પણ ઈન્જેક્શન લેવા માટે આખો દિવસ રઝળપાટ રહ્યો હતો.
સુરતમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાગીની વર્માએ જણાવ્યું કે હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 4 વોર્ડ અલાયદા તૈયાર કરાયા છે. અહીં આંખ, કાન, નાક તથા ગળાના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ખડેપગે છે. અત્યારે 104 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમને તમામ પ્રકારની સારવાર નિષ્ણાત ડોકટરો દ્વારા આપવામાં આવી રહી છે. સુરતમાં મ્યુકોરમાઇકોસિસના અત્યારસુધીમાં 700 કરતાં વધારે કેસ નોંધાયા છે જેમાં 17નાં મોત સત્તાવાર રીતે નોંધાયા છે. બીજીતરફ વડોદરામાં ખાનગી હોસ્પિટલ સહિત મ્યુકોરમાઈકોસિસનાના 325 કેસો અત્યાર સુધી આવ્યા હોવાનું જણાવી સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને ઇએનટી વિભાગના વડા ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં દાખલ મ્યુકોરમાયકોસિસના દર્દીઓની સંખ્યા 168 ઉપર પહોંચી છે. જ્યારે ગોત્રી જનરલ હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, આ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસના કુલ દર્દીઓની સંખ્યા 57 ઉપર પહોંચી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે