Abhayam News
AbhayamDr. Chintan VaishnavEditorials

ડો.ચિંતન વૈષ્ણવ ::હેડ ક્લાર્ક પેપર લીક મામલો : ઇંકલાબ ઝીંદાબાદ,ભાગ-1

▪️સમજાતું નથી કે સરકાર શું કરવા બેઠી છે ? છેલ્લા અમુક વર્ષોમાં સરકારી ભરતી પરીક્ષાઓનું આ લગભગ દશમું પેપર ફૂટયું છે. નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે આ સમાચાર કાળજું કંપાવી મૂકે એવા હતા. મુખ્ય કારણ એ કે હજુ બિનસચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા કે જેનું પેપર લીક થતા ઉમેદવારોના ધાડે ધાડા ગાંધીનગરની સડકો ઉપર ઉતરી આવ્યા હતા. એ ભરતી પરીક્ષા આ ઘટનાને 3 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છ્ત્તા આજદિન સુધી લેવામાં આવેલ નથી. વધારામાં કોરોનાએ ઉમેદવારોના 2 વર્ષ બગાડી નાંખ્યા. કઈક આશાનું કિરણ દેખાયું હેડક્લાર્ક ભરતી પરીક્ષા સ્વરૂપે તો એમાં પણ પેપર લીક થયાના સમાચારો સાંભળીને બિચારા યુવા ઉમેદવારોનું મોરલ તો તૂટી જ ગયું પણ સાથોસાથ સરકારી તંત્ર પરથી વિશ્વાસ પણ ઊડી ગયો. ઉમેદવારોની સ્થિતિ રીંગણી ઉપર હિમ પડ્યા જેવી થઈ.

▪️એક ઉમેદવારે મને મેસેજ કર્યો અને લખ્યું કે સાહેબ અમારે આવી બોગસ સિસ્ટમમાં જ કામ કરવાનું હોય તો પછી સરકારી ભરતી પરીક્ષાઓ આપવામાં અને તેની તૈયારીઓ કરવામાં શા માટે સમય વેડફ્વો જોઈએ ? મારી પાસે આ પ્રશ્નનો કોઈ નક્કર જવાબ હતો નહીં પરંતુ મે તેને એટલું માત્ર કહ્યું કે જો તમારી જેવા સુધારાવાદી વલણ ધરાવતા અને હકારાત્મક દ્રષ્ટિકોણથી કામ કરવા ઇચ્છતા યુવાનો સરકારી વહીવટી ક્ષેત્રમાં નહીં જોડાય તો આ સિસ્ટમ ક્યારેય નહીં સુધરે. ટૂંકમાં ઉમેદવારો આ વખતે ખૂબ નાસીપાસ થયા છે. સરકારી ભરતી પરીક્ષાઓની આખેઆખી પધ્ધતિ ઉપરથી યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષશ્રી પણ આ બાબતને ખાસ ગંભીરતાથી લેતા ન હોય એવું જણાય છે. એમના અધ્યક્ષપણા હેઠળ લગભગ આ ચોથું પેપર લીક થયું છ્ત્તા સરકાર દ્વારા એમનો કારણદર્શક ખુલાસો પૂછવાની કે એમની ઉપર પગલાઓ લેવા બાબતની કોઈ જ કાર્યવાહી આ લેખ લખાઈ છે ત્યાં સુધીમાં કરવામા આવેલ નથી. ઊલટાનું થોડા સમય પહેલા જ તેમને અધ્યક્ષ તરીકે પૂન: નિયુક્ત કરવામાં આવ્યા છે.

▪️એક તરફ જુઓ તો સરકાર પોતે ભ્રષ્ટાચાર નાથવાના અને તંત્રને મજબૂત બનાવવાના પોકળ દાવાઓ કરતી નજરે પડે છે ત્યારે છેલ્લા 10 વર્ષોમાં 10-10 વખત પેપરો ફૂટે એ કેટલે અંશે વ્યાજબી કહેવાય ? આ કોઈ એસ.એસ.સી. કે કોલેજના સેમેસ્ટર પરિક્ષાના પેપરો નથી ફૂટયા. આ તો એક એવી ભરતી પરિક્ષાના પેપર ફૂટયા છે કે જેના આધારે યુવાનોને સરકારી નોકરી મળવાની છે. યુવાનોની કારકિર્દી જેના આધારે નક્કી થવાની છે. એમનું સામાજિક ભવિષ્ય આખું જે નોકરી ઉપર આધારીત છે એવી ખૂબ જ અગત્યની પરીક્ષાનું પેપર લીક થયું છે. ગૌણ સેવા પસંદગી મંડળ, તેના અધ્યક્ષ અને ખુદ મુખ્યમંત્રીની અંગત જવાબદારી થાય છે આ બાબતે. એમની ચેનલ અને ગોઠવેલી વ્યવસ્થા એટલી બધી નબળી અને નિષ્ફળ ગણાય કે વારંવાર પેપરો લીક થવાના બનાવો બને છે.

▪️હકીકતે જો ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવામા આવે અને સરકાર ધારે તો પેપર તો શું એક પ્રશ્ન પણ લીક થાય નહીં. પણ તેમનામા આવું કરવાની ઈચ્છાશક્તિનો અભાવ જણાય છે. એકાદ ચર્ચામાં તો મે એવું પણ સંભાળ્યું કે સરકાર પોતે જ પડદા પાછળ રહીને આ બધુ કરાવી રહી છે. જેથી આગામી ચૂંટણીઓ સંદર્ભે તેઓને ચૂંટણી ખર્ચ માટેનું ભંડોળ મળી રહે. અગાઉ પણ જ્યારે તલાટી ભરતી કૌભાંડ થયેલું ત્યારે કોઈ કલ્યાણસિંહ ચમ્પાવત કરીને વ્યક્તિએ કોઈ મીડિયા ચેનલ સમક્ષ હાજર થઈને કહેલું કે મારા જીવને ખતરો છે. મારી પાસે કેટલાક મોટા નેતાઓએ તલાટી ભરતીનું કૌભાંડ કરાવ્યુ છે. તેણે એવું પણ કહ્યું કે આનાથી પણ મોટું કૌભાંડ જી.પી.એસ.સી. ક્લાસ1/2 પરીક્ષામાં ઇન્ટરવ્યુ વખતે થયેલું પરંતુ એ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટનાને આજે ઘણા વર્ષો થયા છે છ્ત્તા હજુ સુધી આ કૌભાંડના માસ્ટર માઇન્ડ પકડાયા હોવાના કોઈ સમાચારો નથી. કલ્યાણસિંહના પણ કોઈ સમાચાર નથી. આ ઘટનામાં જવાબદાર અધિકારી સુખેથી નિવૃત્ત પણ થઈ ગયા અને નવાઈ ની વાત તો એ છે કે, એ નિવૃત્ત અધિકારી હાલ નિવૃત્તિ પછી પણ સરકારમાં ફરીથી ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. ગુજરાતની પબ્લિક અને ખાસ કરીને યુવાનો માટે આટલો ઈશારો બસ છે મારી દ્રષ્ટિએ.

▪️ભરતી પરીક્ષાઓમાં થતા વારંવારના પેપર લીક થવાના બનાવોના કારણે યુવાનો નાસીપાસ થાય છે એની સાથોસાથ સરકારી કલાકોનો પણ ખૂબ બગાડ થાય છે. સરકારી નાણાનો બગાડ થાય છે. વધુમાં લાંબા સમય સુધી સરકારમાં ખાલી રહેલી જગ્યાઓ ભરાતી નથી, જેના કારણે અરજદારોના કામ સમયસર થતાં નથી અને કચેરીઓના ધક્કા ખાઈખાઈને દુ:ખી થાય. વિચારવાનું એટલું છે કે શા માટે સ્ટાફ સિલેકશન કમિશન, યુ.પી.એસ.સી. કે આઈ.બી.પી.એસ. જેવી અન્ય કેન્દ્રિય ભરતી બોર્ડ સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓના પેપરો લીક થતાં નથી ? આપણે બહાર ક્યાય શીખવા જવાની જરૂર નથી. જી.પી.એસ.સી. ના નવા ચેરમેન તેમજ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પાસેથી પણ પરીક્ષા મેનેજમેંટ શીખી શકાય એમ છે. પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું કે તરત જ એ ભરતી રદ જાહેર કરીને માત્ર એક મહિનાના સમયગાળામાં જ બીજી વખત પરીક્ષા લેવામાં આવી. આ એક ઉત્તમ ઉદાહરણ છે. સામે પક્ષે ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીકને 3-3 વર્ષ થવા છ્ત્તા હજુ સુધી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લઈ શક્યું નથી.

▪️આ વિષય ઉપર હજુ ઘણું લખી શકાય એમ છે. કેટલીક બાબતો ઉપર આગામી લેખાંકમાં વાત કરીશું. ખાસ તો પેપર લીક ન થાય એ માટેની ફૂલપ્રૂફ વ્યવસ્થા શું કરી શકાય એ બાબતે પણ હું આગામી લેખમાં મારા વિચારો આપ સૌ સુધી પહોચાડીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દિલ્હીમાં સતત હવા પ્રદૂષણ વધી રહ્યો છે

Vivek Radadiya

ગુજરાતની મોદી સરકારમાં 10 વર્ષ મંત્રી રહેલા મંગુભાઈ પટેલ MPના રાજ્યપાલ બન્યા

Abhayam

ભજનલાલ શર્મા બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી

Vivek Radadiya

1 comment

Comments are closed.