Abhayam News
AbhayamNews

સુરત : AAP ના 27 નગર સેવકોની કામગીરીથી ગાંધીનગરની ખુરશીના પાયા ડગમગવા લાગ્યા ! 2022 માં ભાજપ માટે સત્તા સ્વપ્ન બને તો નવાઈ નહિ !

સુરત માં મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના 27 નગર સેવકોની જીત થતાં જ પાટીલ ભાઉને છૂપો ડર સતાવવા લાગ્યો હતો.જે ડર ને તેમણે જાહેરમાં વ્યક્ત કરી તેમના ભાજપના 93 નગર સેવકો સહિત સમગ્ર ભાજપને ગર્ભિત ઈશારો કરી દીધો હતો કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે સત્તા ની સોનાની થાળીમાં અવરોધ રૂપી લોઢાનો હથોડો મારી શકે છે.જો કે પાટીલ ભાઉએ જાહેરમાં વ્યક્ત કરેલ આશંકા હવે ધીમે ધીમે હકિકતમાં પરિવર્તિત થઈ રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોએ જીતતાની સાથે જ પોતાની ઈમાનદાર પાર્ટીની છાપ લોકમાનસમાં અંકિત કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.AAP ના ચૂંટાયેલા નગર સેવકો જીત મળ્યા ના પ્રથમ દિવસથી જ લોકોની વચ્ચે જઈને મળતા હકો થી લોકોને વાકેફ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.જ્યારે ભાજપના નગરસેવકો ઊંઘતા રહ્યા ! માત્ર સત્તા જ સર્વોપરી માનનાર ભાજપને આમ આદમી પાર્ટીના 27 નગર સેવકોએ અહેસાસ કરાવી દીધો કે સત્તા એ સેવા માટે છે, નહિ કે માત્ર ભોગવવા.

મહાનગર પાલિકાની પ્રથમ સભાના દિવસે જ ભાજપના શાસકોની મેલી મુરાદ AAP ના કોર્પોરેટરો બહાર લાવ્યા અને માત્ર 27 નગરસેવકો  ભાજપના 93 માટે ભારે પડશે એ સાબિત કરી દીધું.જો કે મેયરની નિયુક્તિ થયા બાદ તરત જ આપ ના નગર સેવકોએ નગરજનોના મિલકતના વેરા માફ કરવા માટે ધારદાર રજૂઆત કરી.મેયર ભલે તે સમયે નનૈયો ભણ્યો પણ છેવટે થૂકેલું પાછું ગળવું પડ્યું અને ત્યાંથી જ ભાજપના નિર્ણયોના ‘કમ બેક’ ની શરૂઆત થઈ.

જો કે ભાજપના 93 નગર સેવકોમાં થી કોઈ નગર સેવક સત્તાની ખોટી નીતિઓ સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી શકે એમ નથી કારણ કે શિસ્તમાં માનનાર ભાજપમાં માત્ર 4 લોકો જ વહીવટ કરે એ અન્યએ માન્ય રાખી જરૂર જણાય ત્યાં માત્ર આંગળીઓ જ ઊંચી કરવાની હોય છે. એટલે ભાજપના કોઈ પણ નગર સેવક પાસે એ અપેક્ષા રાખવી કદાચ અતિશયોક્તિ જ ગણાશે કે કોઈ પાલિકાની ખોટી નીતિઓ સામે રજૂઆત સુધ્ધાં કરવાની હિંમત કરે ! કારણ કે જ્યારે આપ ના 27 નગર સેવકોએ મિલકત વેરાની માફીની રજૂઆત કરી ત્યારે ભાજપનો એક પણ નગર સેવક ત્યાં ફરકયો ન હતો.

સુરત મહાનગર પાલિકામાં ઈમાનદાર આમ આદમી પાર્ટીના 27 નગર સેવકોએ સમગ્ર નગર જનોને વેરા માફીમાં ફાયદો કરાવ્યો.આ માત્ર સુરતમાં આપ ના કારણે જ શક્ય બન્યું છે.ગુજરાતના એક પણ અન્ય મહાનગર પાલિકામાં વેરા માફીની જાહેરાત થઈ નથી.જો કે આપ ના 27 નગર સેવકોની કામગીરીના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે.જેને લઈ આપ ની લોકપ્રિયતા હવે દિવસે દિવસે વધવા લાગી છે.વધતી જતી આપ ની લોકપ્રિયતા 2022 માં ભાજપને સત્તા ની ખુરશી સુધી પહોંચવામાં અટકાવે તો નવાઈ નહિ !

Related posts

અરવિંદ કેજરીવાલને EDએ ફરી નોટીસ મોકલી

Vivek Radadiya

વૈશ્વિક દબાણ વચ્ચે સેન્સેક્સ નિફ્ટીનો ફ્લેટ કારોબાર, તમારે શું કરવું જોઈએ આજે?

Vivek Radadiya

હેકિંગ ઍલર્ટ મામલે Apple થી મોદી સરકારનો સીધો સવાલ

Vivek Radadiya