દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માગ કરી છે કે કેન્દ્ર સરકાર વેકસીન બનાવવાની ફોર્મૂલા જાહેર કરે અને અન્ય કંપનીઓને પણ વેકસીન બનાવવા માટે આદેશ કરે..
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ હવે ઘટી રહ્યા છે લોકોના સહયોગને કારણે લોકડાઉન સફળ રહ્યું. તેમણે કહ્યું કે જીટીબી હોસ્પિટલની સામે 500 બેડની આઇસીયૂ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. હવે દિલ્હીમાં આઇસીયૂ અને ઓકસીજન બેડસની અછત નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ડિજિટલ પ્રેસ બ્રિફિંગ કર્યું હતું. એ દરમ્યાન તેમણે કહ્યું કે 3 લાખ લોકોને અમે રોજ વેકસીન આપીશું. સાથે તેમણે કહ્યું હતું કે વેકસીન બનાવવાની ફોર્મૂલા જાહેર કરવામાં આવે અને તે બધી કંપનીઓને મળે. કેજરીવાલે કહ્યું કે ભારત સરકાર બીજી કંપનીઓને પણ વેકસીન બનાવવા માટે આદેશ આપે. દિલ્હી વેકસીનની અછત સામે ઝઝુમી રહ્યું છે
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અત્યારે માત્ર બે જ કંપનીઓ વેકસીનનું ઉત્પાદન કરે છે અને તેઓ એક મહિનાં માત્ર 6થી 7 કરોડ વેકસીનનું જ ઉત્પાદન કરી શકે છે. જો આવી રીતે, રસીકરણ થાય તો 2 વર્ષનો અધિક સમય નિકળી જશે ત્યાં સુધીમાં બીજી લહેર પણ આવી જશે. યુધ્ધ સ્તરે વેકસીનનું ઉત્પાદન વધારવું પડશે. જયાં સુધી બધા ભારતીયોને વેકસીન નહીં મુકવામાં આવે ત્યાં સુધી જંગ જીતી શકાશે નહીં.
તેમણે કહ્યું કે હમણાં રોજના 1.25 લાખ લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. ટુંક સમયમાં જ 3 લાખથી વધારે લોકોને રોજની વેકસીન શરૂ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે અમારું લક્ષ્ય છે કે આગામી 3 મહિનામાં દિલ્હીના બધા લોકોને વેકસીન મળી જાય.
કેજરીવાલે કહ્યું કે મારું એક સૂચન છે કે વેકસીન બનાવવમાં અનેક બીજી કંપનીઓને પણ જોડવામાં આવે. તો બીજી તરફ દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સતયેન્દ્ર જૈને કહ્યું કે રવિવારે કોરોનાના 66000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરરોજ 80,000 જેટલાં ટેસ્ટ કરવામાં આવે છે. બીજી લહેરની પીક હવે ધીમે ધીમે ઘટી રહી છે. દિલ્હીમાં કોરોનાના 28000 બેડ છે, જેમાંથી 3500 બેડસ અત્યારે ખાલી છે. તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં દિલ્હીનો પોઝિટિવિટી રેટ 26 ટકાથી ઘટીને 19 ટકા આવી ગયો છે. રોજના 28000 કેસ આવતા હતા હવે ઘટીને રોજના 12500ની આજુબાજુ આવી રહ્યા છે.