ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં પોલીસ તરફથી માસ્ક સિવાય બીજા કોઈ દંડ વસુલ કરવામાં નહીં આવે. એવી સૂચના સરકાર તરફથી પોલીસને આપવામાં આવી છે. રાજ્યની કેબિનેટની મળેલી બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની સૂચના આપી છે. બેઠકમાં આ મુદ્દે કેટલાક મંત્રીઓએ સૂચના આપી હતી. માસ્ક સિવાય ટુ વ્હિલર્સમાં રૂ.3થી 4 હજાર અને ફોર વ્હીલર્સમાં રૂ.8થી 10 હજારનો આર્થિક દંડ વસુલ કરવામાં આવે છે.
આ ઉપરાંત જો વાહન ડિટેઈન થાય તો તેને છોડાવવા માટે એક સપ્તાહનો સમય વીતે છે. વાહન ડીટેઈન થતા લોકોને હોસ્પિટલ જવામાં મુશ્કેલી વેઠવી પડે છે. મંત્રીઓની આવી ફરિયાદથી મુખ્યમંત્રી રૂપાણીએ વાહન વ્યવહાર મંત્રી ફળદું અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સૂચના આપી છે. હાલના સમય પુરતુ માત્ર માસ્ક દંડ જ લેવામાં આવે.બીજો કોઈ અન્ય દંડ વાહન ચાલક પાસેથી વસુલ કરી શકાશે નહીં. એક બાજું કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. બીજી બાજું તંત્ર વાહનોને લઈને દંડ વસુલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં દરરોજના આશરે 200 જેટલા વાહનો ડિટેઈન થાય છે. જેને છોડાવવા માટે લોકો અમદાવાદની આર.ટી.ઓ કચેરીએ લાઈન લગાવે છે. જો કોઈ ડૉક્યુમેન્ટ ખુટે તો બીજા દિવસે વારો આવે છે એમાં પણ લાઈન હોય છે. મહામારીમાં ભીડ એકઠી ન કરવા તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે. પણ લોકો પોતાના જરૂરી વાહનને છોડાવવા માટે લાંબી યાતના વેઠી પ્રક્રિયા પૂરી કરે છે.
આર.ટી.ઓ કચેરી પર વાહન છોડાવવા માટે આવતા લોકોની લાઈન વધતી જાય છે. રીક્ષા ભાડું ખર્ચીને લોકો આર.ટી.ઓ ઓફિસ સુધી આવે છે. છેલ્લા ત્રણ દિવસથી આવો ટ્રાફિક જોવા મળ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બંધ છે. આવામાં વાહન ડિટેઈન થાય તો કેવી રીતે બહાર જવું એ મુશ્કેલી થાય છે. લોકો પોતાનું વાહન છોડાવવા માટે આવે છે અને ભીડ એકઠી કરે છે. કુલ 541 કેસમાં રૂ.19 લાખનો દંડ વસુલાયો છે. જોકે, અન્ય જિલ્લાઓમાંથી વાહન લઈને આવેલા દર્દીના સ્વજનના વાહન ડિટેઈન થાય તો વધારે હેરાનગતિ થાય છે. કારણ કે, વાહનને છોડાવવા બીજો અઠવાડિયાનો સમય વીતે છે. આવી હાડમારીમાંથી થોડી રાહત મુખ્યમંત્રીએ કરી આપી છે.