જૂનાગઢ આઝાદ ન થતા ગાંધીજીએ શું કહ્યું હતું? જૂનાગઢ તા.09 નવેમ્બર 1947 આઝાદ થયું હતું. ભારતની આઝાદી કરતા જૂનાગઢને મોડી આઝાદી મળી હતી. જૂનાગઢનાં નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ગાંધીજીનાં શબ્દો હતો, ‘જૂનાગઢમાંથી પાકિસ્તાન જવું જ જોઈએ!’.

જૂનાગઢ આઝાદ ન થતા ગાંધીજીએ શું કહ્યું હતું?
જૂનાગઢ: તારીખ 15 ઓગસ્ટ 1947ના (15th August 1947) રોજ આખો ભારત દેશ આઝાદીના ઉત્સવની તૈયારીઓમાં હતો. પરંતુ તમને ખબર છે કે, ત્યારે હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ જેવા રજવાડાઓનો ભારત સંઘ સાથે ન જોડાવાનો નિર્ણય દેશની અખંડતા માટે વિકટ પ્રશ્ન બન્યો હતો. આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે ન હતું. આખરે તા.09 નવેમ્બર, 1947 ના રોજ વિધિવત રીતે જૂનાગઢને ભારત સાથે જોડવામાં આવ્યું હતુ.

જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા કરેલા નિર્ણયએ જૂનાગઢની આઝાદી માટે એક અન્ય સંઘર્ષને આમંત્રણ આપ્યું હતું. એ સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના દ્રષ્ટાન્ત પરથી જૂનાગઢની આઝાદી માટે આરઝી હકૂમત ની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીના આ બાબત પરના શબ્દો કે, ‘જૂનાગઢમાંથી પાકિસ્તાન જવું જ જોઈએ!’ આરઝી હકૂમતને સંકલ્પ બળ પુરું પાડનારા બન્યાં હતાં.

જૂનાગઢ તા.09 નવેમ્બર 1947 આઝાદ થયું હતું
શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી અને અમૃતલાલ શેઠ જેવાં અગ્રણીઓએ લોક જાગૃતિ કેળવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તા.25 સપ્ટેમ્બર, 1947 ના રોજ મુંબઈ માધવબાગ ખાતે સભા મળી હતી
જેમાં નવાબે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યાનાં આધારે જૂનાગઢના પાકિસ્તાન સાથેનાં જોડાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. આરઝી હકૂમતે સૌથી પહેલું કામ લશ્કર અને શસ્ત્રો સાથેની સેના આઝાદ જૂનાગઢ ફૌજની રચનાનું કર્યું હતું. જે ‘લોકસેના’ તરીકે પણ ઓળખાતી હતી.

આરઝી હકૂમતે જૂનાગઢના 106 ગામો પર કબજો મેળવ્યો હતો.
આ દરમિયાન આરઝી હકૂમત અને લોકસેનાની જરૂરિયાતો તેમજ અન્ય આવશ્યકતા માટે સરદાર પટેલે સતત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સ્થાનિક આગેવાનોના સહકારથી આરઝી હકૂમતે જૂનાગઢના 106 ગામો પર કબજો મેળવ્યો હતો.

આ સાથે જૂનાગઢની આઝાદી વધુ સુનિશ્ચિત થતી જતી હતી. નવાબને હવે સંજોગો પોતાના પક્ષે ન લાગતાં તા.24 ઓક્ટોબર, 1947 ના રોજ પોતાનાં પરિવાર સાથે પાકિસ્તાન જવાં રવાના થયાં હતાં.

જ્યારે દીવાન શાહનવાઝ ભુટ્ટોને પણ પોતાના ઈરાદાઓ પર પાણી ફરતું જણાયું ત્યારે તેઓએ પણ ભારત સરકારની શરણાગતિ સ્વીકારી હતી. આખરે તા.09 નવેમ્બર, 1947 ના રોજ વિધિવત રીતે જૂનાગઢને ભારત સાથે જોડવામાં આવ્યું હતું. આપખુદ શાસન સામે લોકોનો સંઘર્ષ રંગ લાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે