રાજ્ય સરકાર દ્વારા 20 મે સુધી 36 શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું અને હવે આ મુદત પૂરી થઈ છે. આંશિક લોકડાઉન દરમિયાન માત્ર જીવનજરૂરિયાતની ચીજવસ્તુ મળતી દુકાનોને જ ખોલવાની છૂટ આપવામાં આવી હતી. ત્યારે હાલ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવતું હોવાના કારણે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આંશિક લોકડાઉનને 31 મે સુધી લંબાવવાની માગણી કરવામાં આવી છે પરંતુ, વેપારીઓ હવે દુકાનો બંધ રાખવાના મૂડમાં નથી અને વેપારીઓ લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા 25 દિવસનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ કારણે જ મોટાભાગના વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જો હવે 21 મેથી પણ સરકાર દુકાનો નહીં ખોલવા દે તો ભૂજ અને ગાંધીધામ વેપારી એસોસિયેશન દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવશે. ગોધરામાં પણ વેપારી એસોસિયેશન દ્વારા 21 મેથી દુકાનો ખોલી દેવાની ચીમકી સરકાર સામે ઉચ્ચારવામાં આવી છે. ગોધરામાં કાપડ, મોબાઈલ, વાસણ, સ્પેરપાર્ટ અને ઇલેક્ટ્રિક સહિતની દુકાનો ધરાવતા વેપારીઓએ બંધનો વિરોધ કર્યો છે.
તો બીજી તરફ, સુરતમાં પણ હોઝયરીના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને તેમની દુકાન ખોલવા દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે, નાના વેપારીઓ ખૂબ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને આ મહામારીના સમયમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. ધંધા-રોજગાર ચાલુ થાય તો કામદારોનું પણ ઘર ચાલશે. આ ઉપરાંત, બે દિવસ પહેલા સુરતના પોદાર આર્કેડમાં મોબાઈલની શોપ ધરાવતા વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
ગોધરામાં વેપારી એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, લોકડાઉનના કારણે શહેરી વિસ્તારના ધંધા પર અને રોજગાર પર ખૂબ મોટી અસર પડી છે. લોકડાઉનના કારણે શહેરી વિસ્તારના તમામ નાના-મોટા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. રાજ્ય સરકાર કોરોનાની ચેઇન તોડવાના બદલે વેપારીના વેપાર-ધંધાની ચેઇનને તોડી રહી છે.
તો બીજી તરફ આંશિક લોકડાઉનને લઈને સુરતમાં હોટેલ અને રેસ્ટોરન્ટની સ્થિતિ પણ ખૂબ જ કફોડી બની છે. કારણ કે, ગુજરાતમાં કોરોનાની મહામારી પહેલા દર મહિને 100 કરોડ રૂપિયાનો બિઝનેસ હોટેલ અને રેસ્ટોરન્ટના કારણે થતો હતો પરંતુ, હવે આ બિઝનેસ 5 કરોડ પર પહોંચ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટની સ્થિતિ પણ ખરાબ હોવાના કારણે રેસ્ટોરન્ટના માલિકોએ પણ સરકાર પાસે સહાય માગી છે. કોરોના દરમિયાન જો કોઈ કર્મચારીનું મોત થાય તો 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે