કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે એવા કપરા સમયમાં સુરતની 52 સામાજિક સંસ્થાઓએ સાથે મળીને આરંભેલા અનોખા સેવા યજ્ઞની, હૈયાને ટાઢક થાય અને કાંઈક શીખવા મળે એવી એક પ્રેરક વાત આપ સૌ સાથે શેર કરવી છે. થોડી લાંબી પોસ્ટ છે પણ અચૂક વાંચજો અને બીજા મિત્રો સાથે શેર કરજો.
સૌરાષ્ટ્રમાંથી આવીને સુરત વસેલા કાઠિયાવાડીઓની કોઠાસૂઝ ગજબની છે. દુનિયાની રીતે ઓછું ભણેલા આ કાઠિયાવાડીઓ કોઈપણ આપત્તિનો આયોજનપૂર્વક સામનો કરવામાં માહેર છે. જ્યારે કોરોનાની બીજી લહેરે એપ્રિલના બીજા અઠવાડિયાથી પોતાનું ભયંકર રૂપ બતાવવાનું શરૂ કર્યું ત્યારે કોવિડનો ભોગ બનનાર લોકોના અમૂલ્ય જીવનને બચાવવા સુરતના શ્રેષ્ઠી શ્રી મહેશભાઈ સવાણીએ સુરતની જુદી જુદી 52 સામાજિક સંસ્થાઓને એક કરીને સંયુક્ત રીતે મહામારીનો સામનો કરવા આહવાન કર્યું. (મહેશભાઈ સવાણી એટલે જેમના પિતાનું અવસાન થયું હોય એવી કોઈપણ જ્ઞાતિ કે ધર્મની 3000 જેટલી દીકરીઓને સાથી દાતાઓની મદદથી ધામધૂમપૂર્વક લગ્ન કરીને સાસરિયે વળાવનાર અનેક દીકરીઓના પિતા)
સુરતની જુદી જુદી સામાજિક સંસ્થાઓના આગેવાનો જેમનો પડ્યો ઝીલે એવા શ્રી કાનજીભાઈ ભાલાળા, મહેશભાઈની સાથે જોડાયા અને આ બંને મિત્રોએ 52 સંસ્થાઓને ભેગી કરીને ‘સેવા’નામની સંસ્થા શરૂ કરી. ‘સેવા’ સંસ્થાએ જોત જોતામાં સુરતના જુદા જુદા વિસ્તારમાં 13 કોવિડ કેર સેન્ટર શરૂ કરી દીધા. હીરાના કે એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલા અને માંડમાંડ પરિવારનું ગુજરાન ચલાવતા સામાન્ય લોકોને કોરોના સામેની લડાઈમાં આર્થિક ફટકો ન પડે એટલે સારવાર, દવા અને ભોજન સહિતની તમામ પ્રકારની સેવા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર આપવાનું નક્કી થયું. નાના-મોટા દિલેર દાતાઓએ પણ પોતાની યથાશક્તિ દાન આપ્યું અને જુદા જુદા 13 કોવિડ કેર સેન્ટરમાં 600 કરતા વધુ દર્દીઓની સારવાર ચાલુ થઈ.
‘સેવા’ના સૂત્રધારોએ કોવિડ કેર સેન્ટર ચલાવવા જે માઈક્રો લેવલનું પ્લાનિંગ કર્યુ છે એના પર કેઇસ સ્ટડી તૈયાર થઈ શકે એમ છે જે આઇઆઇએમ જેવી મેનેજમેન્ટ સંસ્થાના અભ્યાસક્રમમાં સામેલ થઈ શકે તેમ છે. દર્દીઓને જરૂરી સારવાર કોઈપણ જાતના વિક્ષેપ વગર મળે એ માટે જુદી જુદી સમિતિઓની રચના કરીને કાર્ય વહેંચણી કરવામાં આવી. દરેક સમિતિએ માત્ર પોતાને સોંપાયેલા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું એને બીજે શુ ચાલે છે એનો કોઈ વિચાર કરવાનો નહીં.
મંડપ અને બેડ કમિટીએ દરેક સેન્ટરમાં જરૂરી બેડ, ગાદલા, મંડપ વગેરે વ્યવસ્થા સંભાળવાની. જે જગ્યાએ જેટલા બેડ તૈયાર કરવાની સૂચના મળે એ મુજબ તાત્કાલિક બેડ તૈયાર કરી દેવાની જવાબદારી આ કમિટીની. ડોક્ટર અને પેરા મેડીકલ સ્ટાફ કમિટીએ એ કામ કરવાનું હતું કે દરેક સેન્ટર પર જરૂરી ડોક્ટર અને પેરામેડીકલ સ્ટાફની વ્યવસ્થા કરવી. જો કોઈ ડોકટર કે સ્ટાફ સંક્રમિત થાય તો તેની અવેજીમાં બીજા રિઝર્વ સ્ટાફની વ્યવસ્થા સહિત ડોક્ટરની સેવાના વારા ગોઠવવાનું એવું મસ્ત આયોજન છે કે દરેક દર્દીની પર્સનલ કેર લેવાઈ રહી છે. ફાર્માસ્યુટિકલ કમિટીની જવાબદારી એ કે એમણે દરેક સેન્ટર પર જરૂરી તમામ દવાઓનો જથ્થો પૂરો પાડવો. કોઈ જગ્યાએ દવાની અછત થવી જોઈએ નહીં.
એક ઇન્જેક્શન કમિટી પણ બનાવવામાં આવી. અમુક પ્રકારના ઇન્જેક્શનની દર્દીને જરૂર પડે તો જયાંથી મળે અને જેવી રીતે મળે એવી રીતે મેળવવાની જવાબદારી આ કમિટીની છે. કેટલીકવાર તો આ કમિટીના કાર્યકર્તાઓ કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પણ જરૂરી ઇન્જેક્શન લાવ્યા છે. ઓક્સિજન ગેસના બાટલના મેનેજમેન્ટ માટે પણ એક કમિટી બનાવવામાં આવી છે જેની જવાબદારી એ છે કે ઓક્સીજનનો પુરવઠો ખૂટવો ન જોઈએ. ઓક્સિજનના અભાવે કોઈનો જીવ જવો ન જોઈએ. સૌરાષ્ટ્રના ગામડેથી ઓક્સિજન સાથે સારવાર માટે સુરત આવતા ત્યારે રસ્તામાં જ ઓક્સિજન ખૂટી જવાના કારણે જીવ ગુમાવવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ પામતી હતી. આવું ન થાય એટલે સૌરાષ્ટ્ર અને સુરતની મધ્યમાં આવેલા તારાપુર પાસે ઓક્સિજનના ભરેલા બાટલા મળી રહે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી જેથી કોઈનો બાટલો રસ્તામાં ખલાસ થયો હોય તો બદલી શકે અને ઓક્સિજનના અભાવે જીવ ન જાય. ભોજન સમિતિ તમામ દર્દીઓ એમના સંબંધી અને સ્વયંસેવક માટે ત્રણે ટાઈમ ગરમા-ગરમ ભોજનની વ્યવસ્થા સંભાળે. એસએમસી સંકલન સમિતિ પણ બનાવી છે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન સાધીને સરકારી મંજૂરીઓ મેળવવાનું અને વહીવટી પ્રશ્નોના નિરાકારણનું કામ કરે. મોટાભાગના કોવિડ કેર સેન્ટર એસએમસીના જુદા જુદા હોલમાં જ ઉભા કરવામાં આવ્યા છે.
આ સમિતિઓ ઉપરાંત પણ બીજી ઘણી જુદી જુદી કમીટીઓની રચના કરીને આ મહામોટુ કામ અનેક લોકો વચ્ચે વહેંચી દીધું જેથી કોઈને કામનો ભાર ન લાગે. દરેક કમિટીમાં જે તે કામમાં અનુભવી અને પારંગત હોય એવી વ્યક્તિઓને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી જેથી કટોકટીના સમયે જે તે કમિટી પોતાની રીતે જ નિર્ણય લઈને રસ્તો કાઢી શકે.
‘સેવા’ સંસ્થાના સૂત્રધારોએ એ બાબતને પણ ધ્યાનમાં લીધી કે આપણે ગુજરાતીઓ એકબીજાના હૂંફના આધારે જીવનારા લોકો છીએ. કોરોનાનો દર્દી એકલતા ન અનુભવે અને એને હૂંફ મળી રહે તો સારવારની વધુ સારી અસર થાય અને દર્દી જલ્દી સ્વસ્થ થાય. દર્દીઓને હૂંફ આપવા માટે યુવાન કાર્યકરોની એક ટીમ તૈયાર કરી જે દર્દીના ખાટલે ખાટલે જઈને એની સાથે વાત કરે અને એને એકલાપણુ ન લાગવા દે. જે કાર્યકરોને દર્દીના વધુ સંપર્કમાં રહેવાનું હતું એવા કાર્યકરોની પસંદગીમાં પણ એક માપદંડ નક્કી કર્યા હતો. જેને આ સેવામાં રહેવું હોય એ ઓછામાં ઓછા ત્રણ ભાઈ હોવા જોઈએ જેથી કદાચ સેવામાં રહેલી વ્યક્તિને કાંઈ થાય તો પરિવાર મુશ્કેલીમાં ન મુકાય. આવા કાર્યકરોને એમ જ કહેવામાં આવેલું કે ભગવાન કશું જ નહીં થવા દે પણ તમારે શહીદ થવાની તૈયારી સાથે જ આવવાનું છે.
‘સેવા’ના આ સેવા યજ્ઞમાં વિપુલભાઈ સાંચપરા, વિપુલભાઈ બુહા, ધાર્મિક માલવીયા અને અજય પટેલ જેવા અસંખ્ય કાર્યકરો પડદા પાછળ રહીને લોકોના જીવ બચાવવાના મહાયજ્ઞમાં દિવસ રાત જોયા વગર કામે લાગી ગયા છે. 13 કોવિડ કેર સેન્ટરમાંથી અનેક દર્દીઓ નૈયા પૈસાનો પણ ખર્ચ કર્યા વગર ખાનગી હોસ્પિટલને ટક્કર મારે એવી સારવાર અને સ્નેહ દ્વારા સાજા થઈને ઘરે ગયા છે.
મહેશભાઈ સવાણી અને કાનજીભાઈ ભાલાળા સહિતના સેવાના સૌ સ્વયંસેવકોને વંદન.