ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પોઝિટિવ દર્દીઓની સારવાર માટે રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ નામના ઇન્જેક્શન આપવામાં આવે છે. જેનાથી દર્દી ઝડપથી રિકવર થાય છે અને ઇન્જેક્શન મોટા ભાગે ગંભીર દર્દીઓને સારવાર માટે આપવામાં આવે છે. ત્યારે સુરત જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, કોરોનાની સામે ટોસિલીઝુમેબ ઇન્જેક્શન બિન ઉપયોગી હોવાના કારણે ડોક્ટરો દ્વારા પ્રિસ્ક્રાઈબ ન કરવા. મહત્ત્વની વાત છે કે, દર્દીના પરિવારજનો આ ઇન્જેક્શન મેળવવા માટે 60 હજારથી લાખ રૂપિયા પણ ખર્ચ કરતા હોય છે.
કોરોનાના ગંભીર દર્દીઓને ટોસિલીઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવે છે. તે કોરોનાની સારવારમાં બિન ઉપયોગી હોવાનું ક્લિનિકલ ટ્રાયલમાં પુરવાર થયું છે અને આ જ કારણે સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલ દ્વારા ઇન્જેક્શન બજારમાં મળતું ન હોવાના કારણે પ્રિસ્ક્રાઈબ ન કરવા માટે ડોક્ટરોને અનુરોધ કર્યો છે.
રાજ્યમાં એક તરફ ટોસિલીઝુમેબ ઇન્જેક્શનની અછત છે. બીજી તરફ કંપનીઓ પણ તે કોરોનાની સારવાર માટે બિનઉપયોગી હોવાનું જણાવી રહી છે. તેમ છતાં તબીબો દર્દીના સંબંધીઓને ઇન્જેક્શન પ્રિસ્ક્રાઈબ કરી રહ્યા છે અને જેના કારણે દર્દીના પરિવારજનો ઇન્જેક્શન મેળવવા માટે આમતેમ દોડધામ કરે છે. ઇન્જેક્શન મેળવવા માટે દર્દીના સગા સંબંધીઓએ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલે ડોક્ટરોને દર્દીઓને આ ઇન્જેક્શન પ્રિસ્ક્રાઈબ ન કરવાનું જણાવ્યું છે.
મહત્ત્વની વાત છે કે, વર્તમાન સ્થિતિમાં ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સુરતમાં એક પણ મેડિકલ સ્ટોરમાં મળી રહ્યું નથી અને જો આ પરિસ્થિતિમાં ડોક્ટર દર્દીના સગા સંબંધીઓને ઇન્જેક્શન લાવવાનું જણાવે તો તેઓ ઇન્જેક્શન શોધવા માટે કલાકો સુધી ભટકે છે અને દર્દીની આ પરિસ્થિતિનો લાભ લઇને કેટલાક મેડિકલ રિપ્રેઝેંટિવ દર્દીના સગા સંબંધીઓ પાસેથી ઇન્જેક્શનના એક લાખ રૂપિયા સુધીની રકમ પડાવી રહ્યા છે. આ ઇન્જેક્શન માત્ર 28 હજારનું આવે છે અને ઇન્જેક્શન ના બોક્સ પર આટલી જ MRP લખવામાં આવે છે. આ ઇન્જેક્શન જે કંપની બનાવતી હતી તે કંપનીએ છેલ્લા છ મહિનાથી તેનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આના કારણે છેલ્લા છ મહિનાથી માર્કેટમાં ઇન્જેક્શન ઉપલબ્ધ નથી છતાં પણ દર્દીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડૉક્ટરો દર્દીને ઇન્જેક્શન લખી આપે છે.
આ ઉપરાંત એવી પણ માગ ઉઠી છે કે, ટોસિલીઝુમેબ ઇન્જેક્શન માર્કેટમાં ઉપલબ્ધ ન હોવાના કારણે જે તબીબો ઇન્જેક્શન લખી આપે છે તેમની સામે પણ એપેડેમીક ડિસીઝ એક્ટ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ.