ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રીયતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ ગુજરાતમાં વધી રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ શહેર અને ગામડાના લોકો અને સામાજિક અગ્રણીઓ AAPમાં જોડાઈ રહ્યા છે. ત્યારે રવિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીમાં સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરત AAP દ્વારા શહેરમાં મહેશ સવાણીનું સ્વાગત કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા હતા. બેનર લાગ્યાના ગણતરીના કલાકોમાં જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ બેનરો હટાવી દેવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, આ બેનરો નિયમ વિરુદ્ધ લગાવવામાં આવ્યા છે. મહેશ સવાણીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે તેવા બેનરો સુરતના પૂણા, વરાછા, સરથાણા, હીરાબાગ અને યોગીચોક વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા.

આ તમામ બેનરો SMC દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા. આ બાબતે આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે, સત્તા પક્ષ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરીને લોકોને હેરાન કરવાનું ષડ્યંત્ર યોજી રહ્યો છે.
આ બાબતે મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે અલગ-અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવામાં આવ્યા હતા. સવારે મને એવી માહિતી મળી હતી કે, મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફક્ત મારા બેનરો ઉતરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરો અને બેનર ગેરકાયદેસર રીતે લાગ્યા હોય તો ઉતરાવી લેવા જોઈએ તેમાં હું પણ સહમત છું. પણ જો કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કર્યા વગર આ બેનર લગાવવામાં આવ્યા હોય અને તેને ઉતરાવામાં આવે તો તે કેટલું વ્યાજબી કહેવાય. આ બાબતે હું વધુ કહેવા માગતો નથી લોકો સમય આવ્યે જવાબ આપી દેશે. મહેશ સવાણીએ એમ પણ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા કિન્નાખોરી રાખવામાં આવી રહી છે.

મહેશ સવાણી પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે. તેમના સેવા કાર્યની ચર્ચા ગુજરાતમાં ઠેર-ઠેર જગ્યા પર થઇ રહ્યા છે અને ગુજરાતમાં તેમને પપ્પાના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…