જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારની મહિલાઓએ જેતપુર-નવાગઢ નગરપાલિકાના મહિલા સદસ્ય શારદાબેન વેગડાની આગેવાનીમાં જેતપુરના સ્ટેન્ડ ચોકમાંથી રેલી કાઢી જેતપુર-નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને લેખિત બાંહેધરી આપવા દબાણ કર્યુ હતું પરંતુ ચીફ ઓફિસરે લેખિત બાંહેધરી ન આપતા નગરપાલિકા કચેરી ખાતે ધરણા કર્યા હતા.
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારની મહિલાઓએ જેતપુર-નવાગઢ નગરપાલિકાના મહિલા સદસ્ય શારદાબેન વેગડાની આગેવાનીમાં જેતપુરના સ્ટેન્ડ ચોકમાંથી નરેન્દ્ર મોદી હાય-હાય”, “વિજય રૂપાણી હાય-હાય”, “જેતપુર-નવાગઢ નગરપાલિકા હાય-હાય”ના નારા સાથે રેલી કાઢી જેતપુર-નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આઠ દિવસ સુધીમાં રોડ-રસ્તા બનાવવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી આપી હતી પરંતુ ચીફ ઓફિસરે લેખિત બાંહેધરી ન આપતાં મહિલાઓ ધરણા પર બેસી ગયા હતા.
જેતપુર-નવાગઢ નગરપાલિકાના મહિલા સદસ્ય શારદાબેન વેગડાના જણાવ્યા અનુસાર આ રોડ, રસ્તા, સફાઈ અને પાણીના પ્રશ્નને લઈને અગાઉ ચાર વખત આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અને આ પાંચમી વખત આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ દરેક વખતે અમને પંદર દિવસના વાયદા આપવામાં આવે છે. હાલ ભારતીય જનતા પાર્ટીના સદસ્યોં દ્વારા સત્તાના જોરે પોતાના વિસ્તાર કે જે જેતપુરના પોશ વિસ્તારો કહી શકાય તેવા વિસ્તારના રસ્તાઓ સારી હાલતમાં હોવા છતાં પણ ખોદીને નવા બનાવવામાં આવી રહ્યા છે તો પછાત વિસ્તારોને વિકાસમાંથી બાકાત કેમ રાખવામાં આવે છે એવો બળાપો ઠાલવ્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આઠ દિવસમાં બનાવવાની બાંહેધરી આપવામાં ન આવતા મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે જ ધરણા પર બેસી ગઈ હતી.
જેતપુર-નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઇ ગઢવીના જણાવ્યા અનુસાર હાલ નગરપાલિકાની સામાન્ય સભામાં આ તમામ રસ્તાઓ મંજુર થઇ ચુક્યા છે અને આ કાર્ય માટે રાજકોટ સ્થિત આર.સી.એમ. ઓફિસેથી તાંત્રિક અને વહીવટી મંજુરી મેળવવાની રહે છે હાલ તાંત્રિક મંજુરી મળી ચુકી છે અને વહીવટી મંજૂરી માટે વહેલી તકે પ્રયાસો કરવામાં આવશે અને રસ્તાના પ્રશ્નોનું પંદરેક દીવસમાં સુખદ નિરાકરણ કરવામાં આવશે.
પરંતુ ચીફ ઓફિસર દ્વારા લેખિત બાંહેધરી ન આપવામાં આવતા મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસી ગઈ હતી અને જેતપુર-નવાગઢ નગરપાલિકા, મુખ્યમંત્રી અને વડાપ્રધાન વિરોધી સુત્રોચાર કર્યા હતા.
અજય જાદવ (જેતપુર)