સુપ્રીમ કોર્ટમાં નોંધાઈ વધુ એક અરજી
– અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલુ હોવાથી નેશનલ સાયન્ટિફીક ફોર્સની બેઠક ન યોજાઈ
નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં કોવિડ સાથે સંબંધિત વિવિધ અરજીઓની સુનાવણી ચાલી રહી છે. આના અનુસંધાને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરાઈ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સિનેશન અભિયાનમાં ૩૨,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.
વકીલ દીપક આનંદ મસીહે આ અરજી દાખલ કરી છે. અરજીમાં કોરોનાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારની નીતિઓ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજીકર્તાના કહેવા પ્રમાણે પશ્ચિમી દેશોમાં કોરોના વેક્સિન તૈયાર કરી દેવામાં આવી પરંતુ તેની પડતર અને કિંમત ૧૫૦-૨૦૦ રૂપિયાથી વધુ નથી.
જ્યારે દેશમાં તે જ વેક્સિન સામાન્ય લોકોને ૬૦૦ રૂપિયા સુધીમાં મળી રહી છે. હવે જ્યારે ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપવાની છે તો તેની કિંમત પણ વધી ગઈ છે. એક અંદાજ પ્રમાણે હજુ ૮૦ કરોડ લોકોને વેક્સિન ડોઝ લેવાનો છે. આ સંજોગોમાં વેક્સિનની કિંમતનો હિસાબ લગાવવામાં આવે તો ૩૨,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવે છે.
અરજીકર્તાની ફરિયાદ પ્રમાણે વડાપ્રધાન મોદીએ દેશમાં નેશનલ સાયન્ટિફીક ફોર્સ તો બનાવી દીધી પરંતુ ફેબ્રુઆરી-માર્ચમાં તેની એક પણ બેઠક નથી થઈ કારણ કે, કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલુ હતી.