ચંદીગઢ નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને તે જાણીને તમે ચોંકી જશો. આ ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ વિજયનો ધ્વજ લહેરાવી દીધો છે. આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે.

તો ભાજપ બીજા નંબરે આવી છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે એ દ્રષ્ટિએ ચંદીગઢ નગર પાલિકાની ચૂંટણી બેહદ ખાસ માનવામાં આવતી હતી. ચંદીગઢ નગર પાલિકાના કુ 35 વોર્ડમાં 203 ઉમેદવારો માટે 24 ડિસેમ્બરે મતદાન થયું હતું, જેના પરિણામો આજે જાહેર થયા હતા.

ચંદીગઢ નગર પાલિકાની ચૂંટણીના પરિણામ પછી આપ નેતા અરવિંદ કેજરીવાલે ટવીટ કરીને કહ્યું હતું કે ચંદીગઢ નગર પાલિકામાં આમ આદમી પાર્ટીની આ જીત પંજાબમાં આવનારા બદલાવનો સંકેત છે. ચંદીગઢની પ્રજાએ ભ્રષ્ટ રાજનીતિને નકારીને આપની ઇમાનદાર રાજનીતીને પસંદ કરી છે.
ચંદીગઢ નગરપાલિકાની ચૂંટણીના ફાયનલ પરિણામો સોમવારે જાહેર થયા, જેમાં આપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી જયારે ભાજપ અને કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. ભાજપ બીજા નંબરે અને કોંગ્રેસ ત્રીજા નંબર પર હતી.
ભાજપથી અલગ થઇને ચૂંટણી લડનારા અકાલી દળને માત્ર 1 સીટ મળી હતી. ચંદીગઢ નગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 14 સીટ, ભાજપને 12, કોંગ્રેસને 8 અને અકાલી દળને 1 સીટ મળી હતી.
ચંદીગઢ નગર પાલિકાના જાહેર થયેલાં પરિણામોને લીધે આમ આદમી પાર્ટી ઉત્સાહમાં છે. પરિણામો જોઇને દિલ્હીના ડેપ્યૂટી CM અને આપ નેતા મનીષ સિસોદીયા બપોરે ચંદીગઢ પહોંચ્યા હતા અને ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.

જો કે ચંદીગઢ નગર પાલિકાની ચૂંટણીમાં વોટ શેરમાં કોંગ્રેસ મેદાન મારી ગઇ છે. આ ચૂંટણીમાં આપનો વોટ શેર 27.26 ટકા, ભાજપનો 28.96 ટકા જયારે કોંગ્રેસનો વોટ શેર 29.98 ટકા રહ્યો છે.
કોંગ્રેસ માટે બીજી મહત્ત્વની વાત એ છે કે વર્ષ 2016માં નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 4 સીટ મળી હતી, તેની સામે 2021માં 8 સીટ મળી છે. જો કે વર્ષ 2016માં ચંદીગઢ નગર પાલિકાની કુલ સીટ 26 હતી.