ગુજરાતમાં કોરોના પીક પર છે. કોરોનાના કેસો-મૃત્યુ આંક હજુય યથાવત રહ્યો છે. હવે કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે. અત્યારે રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે. એટલું જ નહીં,કેટલાંય શહેરો અને ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન છે તેમ છતાંય કોરોનાના કાબૂ બહાર છે. આ જોતાં હવે રાજ્ય સરકારે હવે ગુજરાતભરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની દિશામાં વિચારણા હાથ ધરી છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. અત્યારે એવી સ્થિતી છેકે, દર્દીઓને હોસ્પિટલમાં પથારી મળી રહી નથી. હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી રહ્યો છે જેના કારણે દર્દીઓને દાખલ કરાતાં નથી. ખાનગી હોસ્પિટલો જ નહીં, ૯૦૦ બેડની હોસ્પિટલ,એસવીપી,શારદાબેન અને એલજી હોસ્પિટલમાં ય નો-બેડના પાટિયા ઝુલી રહ્યાં છે. આ સ્થિતીને કારણે કેટલાંય દર્દીઓ ઘેર જ સારવાર લેવા મજબૂર બન્યાં છે. શહેરો જ નહીં, ગામડાઓમાં ય કોરોનાની સ્થિતી વધુ બગડી છે.
ગુજરાતમાં કોરોનાની મહામારી વધુને વધુ વકરી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ કેસોનો આંકડો ૬,૦૭,૪૨૨ સુધી પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાએ કુલ ૭૬૪૮ લોકોનો ભોગ લીધો છે. ૪,૫૨,૨૭૫ લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. હાલમાં ગુજરાતમાં ૧,૪૭,૪૯૯ એક્ટિવ કેસ છે.
ગામડાઓમાં કોવિડ કેર પણ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવી રહ્યાં છે. તા.૫મીએ રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે. સરકારે રાત્રિ કરફ્યૂની અવધિ લંબાવાવવાને બદલે સંપૂર્ણ લોકડાઉન કરે તેવી શક્યતા જોવાઇ રહી છે.
હવે ડૉક્ટરો,વેપારી ંસગઠનો,ધાર્મિક-સામાજીક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સામે ચાલીને ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન કરવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, ઓડિશા,રાજસ્થાન, હરિયાણા,મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તો સંપૂર્ણ લોકડાઉન લદાયુ છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં વિચારણા કરી છે.ે ટાસ્ક ફોર્સના એક સભ્યએ પણ જણાવ્યું કે,રાજ્ય સરકારને લેખિતમાં લોકડાઉન કરવા ભલામણ કરી છે. કેમકે, રાત્રિ કરફ્યૂ, સ્વયંભૂ લોકડાઉનના નિયંત્રણો લદાયા પછીય કોરોનાની સ્થિતીમાં કોઇ ફેર પડયો નથી.