ભારતની ધરતી પર આશરે 70 વર્ષો બાદ ચિત્તાનું આગમન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નામિબિયાથી આવેલું 8 ચિત્તાઓ સાથેનું વિશેષ પ્લેન ગ્વાલિયરની ધરતી પર લેન્ડ થયું હતું. ત્યાંથી ચિત્તાઓને મધ્ય પ્રદેશના કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) ખાતે છોડી દેવામાં આવ્યા છે
આમ, 70 વર્ષો બાદ ભારતમાંથી વિલુપ્ત થઈ ગયેલા ચિત્તાઓના પુનર્વસન માટે પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. જોકે ભારતમાં ચિત્તાઓના આગમન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એક ખાસ જોડાણ છે એમ કહી શકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા
ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં જ અજાણ્યા પાર્કમાં થોડા ભયભીત પણ જણાઈ રહ્યા હતા. પિંજરામાંથી બહાર આવતાં જ એમણે અહીં-તહીં નજર ફેરવી અને દોડવા લાગ્યા હતા. ચિત્તાઓના ચહેરા પર લાંબી યાત્રાનો થાક સ્પષ્ટ દેખાતો હતો.
નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પણ ભારતમાં ચિત્તાનું આગમન કરાવ્યું હતું. જોકે તે સમયે જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માટે 4 ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવ્યા હતા. તે સમયે 24 મે 2009ના રોજ નરેન્દ્ર મોદીએ સક્કરબાગ ઝૂ ખાતે 4 ચિત્તાઓને ખુલ્લા મુક્યા હતા. 2017ના વર્ષમાં તે પૈકીના છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું.
PMમોદીએ કરી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી::
ચિત્તા બહાર આવતાં જ મોદીએ તાળી પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા. મોદી 500 મીટર ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા. તેમણે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે પણ વાત કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ પણ છે.
સામાન્ય રીતે સિંહ, વાઘ કે દીપડાની નર-માદાની જોડી બનાવીને મુકવામાં આવે તો તેઓ જલ્દી મેટિંગ કરતા હોય છે પરંતુ ચિત્તા પ્રજાતિમાં માદા ખૂબ જ સિલેક્ટિવ હોય છે. તે જલ્દી કોઈ નર ચિત્તાને પસંદ પણ નથી કરતી અને આ કારણે તેમના સાથે પ્રજનન પણ નથી કરતી. માત્ર સક્કરબાગ ઝૂ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રાણી સંગ્રહાલયોમાં આ સ્થિતિ જોવા મળી છે.
માદા ચિત્તા ઓછામાં ઓછા 25-30 ચિત્તા હોય તેમાંથી એકને પસંદ કરે છે અને તે હીટમાં આવે તેની પણ જલ્દી ખબર નથી પડતી માટે તેનું બ્રિડિંગ કરવું મુશ્કેલ હોય છે. જો માદા ચિત્તાને એમ લાગે કે, તે જે વિસ્તારમાં છે તે વિસ્તાર તેના બાળકોના ઉછેર માટે સલામત નથી તો તે જલ્દી હીટમાં નથી આવતી અને મેટિંગ પણ નથી કરતી. માદા ચિત્તાને 10-12 હેક્ટરના વિશાળ વિસ્તારમાં છોડવામાં આવે અને તેને સલામતીનો અનુભવ થાય તો જ તે પ્રજનન દ્વારા બાળકને જન્મ આપવા તૈયાર થાય છે. આ કારણે સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ ચિત્તાની પ્રજોત્પતિ અંગેનો વૈજ્ઞાનિક આધાર ધરાવતો કોઈ ડેટા જ નથી. જોકે આફ્રિકા ચિત્તાનો ટુરિઝમના દૃષ્ટિકોણથી તૈયાર કરવામાં આવેલો ડેટા ધરાવે છે.