Abhayam News
AbhayamSocial Activity

સુરતઃ-માનવતા મહેકી! બ્રેઈનડેડ યુવકના અંગદાનથી છ લોકોને મળ્યું નવજીવન…

cટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. તેવામાં હ્રદયદાનની ચાલીસમી ઘટના સામે આવી છે. ઓરિસ્સાનાવતની અને સાયણમાં વણાટ ખાતામાં કામ કરતા બ્રેઈનડેડ સુશીલ રામચંદ્ર સાહુ પરિવારે હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૨૨૧ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. કિડની અને લિવર રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ અને રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી મોકલવામાં આવ્યું છે

ગુરુવાર, તા.૨૭ જાન્યુઆરીના રોજ બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટના ડોક્ટરોએ સુશીલને બ્રેનડેડ જાહેર કરતા બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટના ડૉ.મહેન્દ્ર રાવલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી સુશીલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સુશીલ જે વણાટખાતામાં કામ કરતો હતો તેના માલિક ભાવેશભાઈ માસ્ટર સાથે રહી સુશીલના ભાઈ સુનીલ અને અનિલકુમાર, સાળા નીલાંનચલ, બનેવી ઉમાકાંતને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અલાડી ગામનો રહેવાસી સુશીલ સાયણમાં આવેલ સાંઈ સિલ્ક નામના વણાટ ખાતામાં કામ કરતો હતો.

બુધવાર તા.૨૬ જાન્યુઆરીના રોજ બ્લડપ્રેસર વધી જવાને કારણે તે બેભાન થઇ જતા તાત્કાલિક સાયણ જનરલ હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટમાં ડૉ.મહેન્દ્ર રાવલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.

સુશીલના ભાઈઓએ જણાવ્યું કે ઓરિસ્સાના વતનીનું સુરતથી અંગદાન થયું હતું તે સમાચાર અમે ટીવી ઉપર જોયા હતા.

ત્યારે અમને થયું હતું કે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, આ એક ઈશ્વરીય કાર્ય છે. અમે વણાટખાતામાં કામ કરીને અમારા પરિવારનું ભરણ-પોષણ કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ-વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી.

અમારો ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ દાન કોઈ હોઈ જ ના શકે.

ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે હ્રદય પર પત્થર મુકીને તેઓએ પોતાના ભાઈના અંગદાન કરવા માટેની સંમતિ આપી. સલામ છે આ પરિવારને તેમના નિર્ણય બદલ…

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, NOTTO દ્વારા હૃદય ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલને, ફેફસાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ચાલીસ હૃદયના દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.

સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી બાવન અને ત્રેપન વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈના રહેવાસી ૪૭ વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

મુંબઈમાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ જે દર્દીમાં કરવાનું હતું તે દર્દીનો કોવીડનો RTPCRનો રીપોર્ટ પોઝીટીવ આવતા ફેફસાંનું દાન થઇ શક્યું ના હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

અંગદાતા સુશીલના માતા-પિતા ઓરિસ્સા રહે છે તેઓ પોતાના વ્હાલસોયા દીકરાના અંતિમ દર્શન કરી શકે તે માટે તેના પરિવારજનોએ તેના પાર્થિવ શરીરને તેના વતન ઓરિસ્સા લઈ જઈ ને અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ ડોનેટ લાઈફ દ્વારા અંગદાતા સુશીલના પાર્થિવ શરીરને એર કાર્ગો તેમજ  તેમના પરિવારજનોને વિમાન મારફત ઓરિસ્સા મોકલવામાં આવ્યા.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે…વંદન છે… સ્વ. સુશીલ રામચંદ્ર સાહુ અને તેમના સમગ્ર પરિવારજનોને તેમના આ નિર્ણય બદલ.

અંગદાતા સુશીલના પાર્થિવ શરીરને સુરત થી એર કાર્ગો મારફત ઓરિસ્સા મોકલવા માટે “ના વાંધા પ્રમાણપત્ર” (NOC) આપવા માટે ડેપ્યુટી પોલીસ કમિશ્નર કે.એફ.બલોલીયા અને ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.કે.પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:કાપડ માર્કેટ GST વધારાના વિરોધમાં સજ્જડ બંધ…

Abhayam

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, માર્કેટની મજા બગાડવામાં આ શેરનો મોટો હાથ, જાણો વિગત

Vivek Radadiya

સમગ્ર વિશ્વમાં ફરી કોરોના મચાવી રહ્યો છે હાહાકાર

Vivek Radadiya