મોટા ભાગના શિક્ષકોને કામગીરી સોંપવામા આવી હોવાથી અસંતોષ
સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 3 મેથી 6 જુન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આ જાહેરાત સાથે સાથે એવી પણ જાહેરાત કરવામા આવી છે કે, જે શિક્ષકોને કોવિડની કામગીરી સોંપવામાં આવી છે તે શિક્ષકોને વેકેશનની રજા મળશે નહીં અને કોરોનાની કામગીરી કરવી પડશે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વેકેશન જાહેર કરવા સાથે જ શિક્ષકોમાં ખુશીનો માહોલ હતો પરંતુ તેમની આ ખુશી લાંબી ટકી ન હતી. વેકેશન તો જાહેર કરવામાં આવ્યું છે પરંતુ જે શિક્ષકોને કોરોનાની કામગીરી સોંપવામાં આવી છે તેઓએ આ કામગીરી પુરી કરવાની રહેશે તેમને વેકેશનનો લાભ મળશે નહીં. હાલમાં શિક્ષણ સમિતિના મોટા ભાગનો સ્ટાફ કોવિડની કામગીરીમા ંછે હાલમાં જ કેટલાક શિક્ષકોને રિઝલ્ટ બનાવવા તથા અન્ય કામગીરી માટે છુટા કરવામા આવ્યા છે. તે સિવાયના શિક્ષકોએ કોવિડની કામગીરી કરવાની રહેશે આ પ્રકારની સુચના બાદ શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.