સરકારી નોકરી કરવી એ હવે ધારો છો એટલી સરળ રહી નથી. સમય ખૂબ ખરાબ આવી ગયો છે. ખાસ કરીને જે સરકારી અધિકારીને પોતાનું શ્રેષ્ઠ આપવું છે અને નીતિમત્તાથી કામ કરવું છે એમને માટે હાલના સમયમાં સરકારી નોકરી કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે સરકારી ફરજમાં રૂકાવટ બદલ ફલાણા અધિકારીએ ફલાણાની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી. આવા કિસ્સાઓમાં મોટે ભાગે જેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવતી હોય છે, એ માણસ પોતાના અથવા કોઈ સ્નેહીજનના અટકેલાં સરકારી કામ સબબ કચેરીના ધક્કાઓ ખાઈ ખાઈને માનસિક થાકી ગયો હોય એ પછીની પ્રતિક્રિયાઓ આપવાનું પરિણામ હોય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ક્યારેય આપણે સંભાળ્યું છે કે કોઈ અધિકારીએ કોઈ ધારાસભ્ય કે સાંસદસભ્ય વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હોય ? આવું છાશવારે જ બનતું હોય છે. છાશવારે બનતા આવા કિસ્સાઓમાં પણ મોટેભાગે સત્તાધારી પક્ષના નેતા સામે પડવાની લગભગ કોઈ અધિકારી હિંમત કરતો નથી હોતો. મારા અનુભવે જણાવું તો એક સરકારી અધિકારીને આ સરકારમાં સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવતું નથી. તમે પણ સમજી શકો છો કે જે પક્ષમાં ચીફ મિનિસ્ટરને પણ નિર્ણયો લેવાની સ્વતંત્રતા નથી ત્યાં એક સરકારી અધિકારી સ્વતંત્ર રીતે કોઈના દાબ-દબાણમાં આવ્યા વગર માત્ર નિયમોનુસાર કામ કરે રાખે તો સરમુખત્યારશાહી શૈલીને અનુસરનારી સરકારને ક્યાથી ગમે ?.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️હાલની સત્તામાં રહેલી પાર્ટીના ઉચ્ચ કક્ષાએ બિરાજમાન નેતાઓએ ગામેગામ પોતાના પક્ષના આગેવાનોને પણ પોતાના જેવા જ બનાવી દીધા છે. એમનું ધાર્યું થાય નહીં તો અધિકારીનું આવી બન્યું સમજો. ઉદાહરણ તરીકે મારો એક અનુભવ જણાવું તો હળવદ મામલતદાર તરીકે મારે મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકની બે જગ્યાઓ ભરવાની હતી. ભરતી માટે મે છાપામાં જાહેરાત અપાવી. ઘણા ફોર્મ્સ આવ્યા. અમે સ્કૃટીની કરીને ઈંટરવ્યૂના દિવસે ભરતી સંદર્ભે લાયકાત ધરાવતા કેટલાક ઉમેદવારોને બોલાવ્યા. સરકારી પરિપત્ર મુજબ તેમાં દર્શાવેલી કેટેગરીવાઇઝ મધ્યાહન ભોજન સંચાલકોની ભરતી કરવાની થતી હોય છે. વિધવા અને ત્યક્તા બહેનો સહિત અપંગ ઉમેદવારોને અગ્રતા આપવાની હોય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઇન્ટરવ્યુને દિવસે સવારે મને આ વિસ્તારના સત્તાપક્ષે રહેલા એક નેતાજીનો ફોન આવે છે અને બે બહેનોના નામ નોંધાવીને કહે છે કે આ બંને બહેનોને મધ્યાહન ભોજનના કેન્દ્ર સંચાલક તરીકે પસંદ કરવાના રહેશે. મને નવાઈ લાગી એટ્લે મે કહ્યું કે હું જોઈ લઉં છું. મને એ નેતાજીનો રણકો ગમ્યો નહીં. એમણે એવું કહેવું જોઈતું હતું કે સાહેબ આ બે બહેનો જરૂરિયાતવાળા છે અને મારી અંગત ભલામણ છે. કોઈ અન્ય ઉમેદવાર યોગ્ય જણાય નહીં તો આમને તક આપજો…. તો અધિકારીનું પણ માન સમ્માન જળવાય અને અધિકારીને સામેવાળા પદાધિકારીએ પ્રત્યે માન ઉપજે. પરંતુ આ તો અધિકારીઓને પણ ડરાવી-ધમકાવીને કામ કરાવવાવાળી સરકારના નેતા હતા. ઇન્ટરવ્યુ શરૂ થયો એટ્લે સૌથી પહેલા હાજર તમામ ઉમેદવારો અને તેમના વાલીઓને મારી ચેમ્બરમાં બોલાવીને નેતાજીની ભલામણ વાળા બંને બહેનોને અલગ તારવીને જાહેરમાં જ કહ્યું કે આ બંને બહેનોએ નોકરી માટે મને પ્રેશર કરાવ્યુ છે એટલે એમના ઇન્ટરવ્યુ લીધા વગર જ એમને રિજેક્ટ કરું છું.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ત્યારબાદ મે એક પછી એક બાકીના ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા અને સરકારી પરિપત્ર મુજબ જરૂરિયાતવાળા બે વિધવા બહેનોને એ કેન્દ્રો ફાળવી આપ્યા. પરિણામ પણ બધાની હાજરીમાં સ્થળ પર જ જાહેર કરી આપ્યું. તદ્દન પારદર્શકતાથી ભરતી કરી. બંને બહેનોની આંખોમાં આસું આવી ગયા. સામે પક્ષે પેલા નેતાજીને ખૂબ ગુસ્સો આવ્યો. મને ફોન કરીને કહે કે આ તમે બરાબર નથી કર્યું. હું તમને જોઈ લઇશ. મે તદ્દન વિનમ્રતાથી કહ્યું કે મે માત્ર મારી ફરજ અદા કરી છે. આપના તાલુકાનો મામલતદાર આપની પ્રજા સાથે અન્યાય નહીં થવા દે. આપ નિશ્ચિંત રહો અને હવે આવી કોઈપણ પ્રકારની ભલામણ કરવાની મહેનત લેશો નહીં. પરંતુ આ તો નેતાની જાત એટ્લે એમ જલ્દી સમજે નહીં. એમણે ફરજમાં રૂકાવટ કરવાની કુટેવ શરૂ જ રાખી. રેતી ચોરી પકડવામાં પણ વાહનો પકડીએ એ ભેગા જ છોડી મૂકવાના ફોન કરતાં.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️એક જગ્યાએ ગામના સરપંચે કરેલ દબાણ દૂર કરવા દરમિયાન પણ આ નેતાજી અને તેમના પક્ષના મહામંત્રી સવારના પહોરમાં સ્થળ પર આવીને ઊભા રહી ગયા હતા. જેસીબીની આગળ આવીને દબાણ હટાવતા અમારા સ્ટાફને અને પોલીસ સ્ટાફને નડતરરૂપ થયા હતા. મે તરત જ મારા પ્રાંત અધિકારી સાહેબને ફોન કરીને કહ્યું કે સાહેબ મને છૂટ આપો તો આ બંનેની વિરુદ્ધમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ આપી દઉં. તો સાહેબ મને કહે કે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લ્યો. કલેક્ટર સાહેબની સાથે વાત કરી તો મને કહે કે સી.એમ. સાહેબની સૂચના છે કે થોડા સમયમાં જ ચૂંટણીઓ આવી રહી છે એટ્લે હમણાં દબાણ તોડવાનું બંધ અને ખનીજ ચોરી પકડવાનું બંધ. ફરિયાદ લખાવવાની વાત તો બાજુ પર રહી, મને દબાણ તોડતો અધૂરેથી અટકાવ્યો અને મારે પરત ફરવું પડ્યું. આ નેતાજીએ મને પછીથી પણ પરેશાન કરવાના ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ થોડા સમય બાદ એ સમજી ગયા કે આ નોખી માટીનો અધિકારી છે, એટ્લે ગાંધીનગર મહેસૂલ વિભાગમાં વારંવાર મારી બદલી માટેની માંગણીઓ કરવા લાગ્યા. આ ઘટના પછીના 15 દિવસ બાદ મારી વગર કારણે બદલી કરવામાં આવી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મોટે ભાગે પોલીસ બેડાને હાલતા ને ચાલતા રાજકીય ભલામણો અને રુકાવટનો સામનો કરવો પડતો હોય છે. નાની નાની બાબતોમાં નેતાઓના ફોન આવતા હોય છે. લોકલ ધારાસભ્યના માનીતા બનીને ન રહે તો બદલી માટે તૈયાર રહેવું પડે. કારણકે કોન્સટેબલથી લઈને પી.એસ.આઈ. સુધીનાની બદલીના પાવર્સ જિલ્લાકક્ષાએ પોલીસવડા પોતે ધરાવતા હોય છે. જે પૈકીનાં મોટાભાગના લોકલ ધારાસભ્યો એન સાંસદસભ્યના કહ્યાગરા હોય છે. મે તો જોયેલું છે કે સત્તાપક્ષનો તાલુકા લેવલ પરનો નાનો કાર્યકર્તા પણ ધારે એની ધરપકડ કરાવી શકે છે અને ધારે એને પોલીસ કસ્ટડીમાં પણ તમામ સવલતો પૂરી પડાવી શકે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સરકારી સિસ્ટમ અંગૂઠાછાપ નેતાઓની ગુલામ બનતી જાય છે. કેટલાક વિસ્તારોમાં તો મે રીતસરનું જોયું છે કે સાંસદસભ્ય કે ધારાસભ્ય કલેક્ટર કે એસ.પી. નો ઉધડો લઈ લેતા હોય છે. માન-સમ્માન ગીરવે મૂકીને અધિકારીઓને મે કામ કરતાં જોયા છે. ઉપલેટા કે ધોરાજી બાજુની એક મેટરમાં ત્યાના નાયબ કલેક્ટરને એ વિસ્તારના ધારાસભ્ય અસભ્ય ભાષામાં ગાળો આપતા એક વિડીયોમાં નજરે પડે છે. આ વિડીયો જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સો આવવાનું મુખ્ય કારણ હતું એ નાયબ કલેક્ટરનું ચૂપ રહીને ગાળો ખાઈ લેવાનું વલણ. સરકારી અધિકારીને ફરજ દરમિયાન ગાળો ભાંડતો વિડીયો પુરાવા સ્વરૂપે હોવા છ્ત્તા પણ ફરજમાં રુકાવટની ફરિયાદ દાખલ નહીં કરીને સરકારી તંત્રમાં કામ કરનારા નીચેની કેડરના અન્ય હજારો કર્મચારીઓનું પણ એ ઘટનાથી મોરલ ડાઉન થયું.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ અમરેલીના જ બાબરા તાલુકાની વાત કરું તો જ્યારે હું અહી મામલતદાર તરીકે ફરજ પર હતો ત્યારે મને રાત્રે 12:30 કલાકે તત્કાલિન કલેક્ટરશ્રીનો ફોન આવ્યો. સ્વાભાવિક છે કે આ સમયે હું સૂતો હતો. નીંદરમાથી મને ઉઠાડયો અને મને કહે કે તને નીંદર કેવી રીતે આવે છે. ફલાણા નેતાએ ઊભો કરેલો પ્રશ્ન આપણે કાલે ઉકેલવાનો છે. કેમ કરીશું? મે કહ્યું સાહેબ આપ નિરાંતે સૂઈ જાવ. હું મારી રીતે આવતીકાલે હેન્ડલ કરી લઇશ. મને કહે ધ્યાન રાખજે ભાઈ તારી રીતે હેન્ડલ કરવામાં હું કલેક્ટર તરીકે મુશ્કેલીમાં ન મુકાઇ જાવ. ખાલી એટલું ધ્યાન રાખજે કે નેતાજી નારાજ થાય નહીં. હું રહ્યો સ્પષ્ટ વક્તા… એટ્લે મે કહ્યું કે સાહેબ નેતાજી માટે નોકરી નથી કરતો. નિયમાનુસાર જે કાર્યવાહી કરવાની થશે એ આપણે કરીશું. નેતાજી કદાચ નારાજ થાય તો ભલે, પણ ખેડૂતોને નારાજ નહીં કરું અને તમને મુશ્કેલી પડે એવું પણ નહીં કરું… ટૂંકમાં કહેવાનું મારૂ એટલું જ છે કે આઈ.એ.એસ. કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકીય નેતાઓથી દબાયેલા છે. એક ગર્ભિત ડર નીચે અધિકારીઓ અત્યારે કામ કરી રહ્યા છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ ઘણી વખત એવું પણ બને છે કે વિરોધીદળના કોઈ રાજકીય વ્યક્તિનું સરકારી કામકાજ જે નિયમાનુસાર હોય એ કરી આપવામાં આવે તો પણ સત્તાધારી નેતાઓને પસંદ પડતું નથી. પોતાના વિરોધીઓ કે હરીફોના કે એમના ટેકેદારોના કેટલાક કામ બગાડવા માટે પણ અધિકારીઓને પ્રેશર કરવામાં આવતું હોય છે. ઘણા નવા ભરતી થયેલા અધિકારીઓને સિસ્ટમમાં આવ્યા બાદ સિસ્ટમની અસલિયત સમજાય છે. જેથી કરીને કેટલાક શરૂઆતમાં જ રાજીનામું આપીને જતાં રહે છે. કેટલાક નવો વિકલ્પ ઊભો ન થાય ત્યાં સુધી પોતાની અનિચ્છાએ પણ સરકારી નોકરી શરૂ રાખે છે. કેટલાક ગાડરિયા પ્રવાહમાં ભળી જતાં હોય છે. આ ગાડરિયા પ્રવાહમાં ભળી જનારા અધિકારીઓને લોકો હોંશિયાર અધિકારી તરીકે ઓળખે છે. મારી જેવા સામા પ્રવાહે તરનારા માટે નોકરી કરતાં આવડી નહીં એવું કહેતા મે લોકોને સાંભળ્યા છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️વર્ષ 2012 માં મહેસાણા મામલતદાર તરીકે હું ફરજ પર હતો ત્યારે મે એક ઇસમને કાળા બજાર કરતો રંગે હાથે પકડ્યો. છેલ્લા સાત દિવસથી મે એક જણાને એની પાછળ ફિલ્ડિંગ ભરવા લગાવ્યો હતો. એ બાતમીદારે મને માહિતી આપી કે સરકારી અનાજનો જથ્થો લઈને એ ભાઇ ખાનગી રિક્ષામાં નીકળો છે, એ ભેગો જ હું એની પાછળ મારી જીપ લઈને પડ્યો અને મે એને પકડી પાડ્યો. આ કાળાબજારીયાને છોડી મૂકવા અને વાતને અહી જ દાબી દેવા માટે મને હાલના એક ખૂબ મોટા નેતાનો ફોન આવેલો. મે એની પોલીસ ફરિયાદ કરવાનું તો ટાળ્યું પરંતુ મારો અંતરાત્મા માન્યો નહીં એટ્લે એને કોરેકોરો તો છોડયો જ નહીં. રૂપિયા નવ હજારનો નાણાકીય દંડ ઠોકીને પછી એને છોડયો. મારૂ આ કામ નેતાજીને ગમ્યું નહીં. થોડા સમય બાદ અહી મે મારી ટિમ સાથે સંપૂર્ણ તપાસ કરીને એક મોટું રેસ્ટોરન્ટ પણ સીલ મારેલું. જેને ખોલાવવા માટે પણ મને આ નેતાજીએ સતત ચાર દિવસ સુધી માનસિક તાણ આપેલ. પરંતુ હું ટસનો મસ થયો નહીં એટ્લે અંતે વગર કારણે મારી બદલી કરવામાં આવી. ફરજમાં રૂકાવટનું આનાથી વિશેષ ઉદાહરણ કયું હોય શકે ?.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️હમણાં વર્ષ 2018 ના અંત ભાગમાં જામખંભાળિયા ખાતે મામલતદાર તરીકે મે ફટાકડા લાયસન્સને મંજૂરી આપવાની ના કહી તો ત્યાના એક મોટા રાજકીય નેતાએ મને આદેશ કર્યો કે બે દિવસમાં લાયસન્સ ઇસ્યુ કરી આપો. મે એમના આદેશ મુજબ કામ કર્યું નહીં અને પ્રબળ કારણો દર્શાવીને લાયસન્સ રદ કરીને ઉપર મોકલી આપ્યા તો એમણે મારી પર અંગત અદાવત રાખીને પોતાના પાળેલા માણસો અને મૂર્ખ વેપારીઓ દ્વારા હુમલો કરાવ્યો. મને મારા જ વિભાગ તરફથી કે વિભાગમાં કામ કરતા ડરપોક અને સ્વાર્થી અધિકારીઓ તરફથી બિલકુલ સહકાર મળ્યો નહીં. પુરાવા તેમજ ઉચ્ચ અધિકારીઓનાં સહકારના અભાવે હું પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી શક્યો નહીં. દરેક બાબતોમાં કે દરેક ફાઇલ ઉપર જો રાજકીય નેતાઓને પૂછીપૂછીને જ મંજૂરીઓ આપવાની હોય કે નિર્ણયો લેવાના હોય તો પછી વિવિધ હોદ્દાઓની જરૂર જ શું છે ? સીધા જ એમ.એલ.એ. અને એમ.પી. જ બધી કચેરીઓના વડા તરીકે કાર્યભાર સંભાળી લે. ઉપર જણાવેલા અનુભવો જેવા જ કેટલાય અનુભવો મોટાભાગના સરકારી અધિકારીઓને વારંવાર થતા જ હોય છે. પરંતુ સરકારી બંધનમાં બંધાયેલા ગુલામ હોવાના કારણે તેઓ ખૂલીને પોતાની વ્યથાઓ આમ આદમી સુધી પહોચાડી શકતા નથી હોતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️કેટલાક સિનિયર અને કેટલાક નિવૃત્ત અધિકારીઓ પાસેથી મે સંભાળ્યું છે કે આજથી લગભગ 20 વર્ષ પહેલા પણ રાજકીય દખલગીરીઑ રહેતી હતી, પરંતુ વર્તમાન જેટલી નહીં. એ સમયે રાજકીય નેતાઓને અધિકારી કોઈ બાબતમાં નકાર ભણે તો તેઓ સમજી શકતા હતા. ખોટી ભલામણો કરાવનારને પણ તેઓ સમજાવી દેતા. અત્યારે તો એટલી હદે દાદાગીરી વધી ગઈ છે કે અમે કહીએ એટ્લે એ કામ થવું જ જોઈએ. જો ન કરો તો અધિકારીનું આવી બન્યું સમજો. એમા પણ જો જેની પાસેથી ચૂંટણી ફંડ કે પાર્ટી ફંડ મળી શકે એમ હોય તેવા વ્યક્તિનું કામ અધિકારીએ અટકાવ્યું કે ન કર્યું તો તો એ અધિકારીનું ધનોત-પનોત કાઢી નાંખે આ લોકો. એક નિવૃત્ત કલેક્ટરશ્રી મને વાત કરતા હતા કે, બેટા એક વખત એક ઉધોગપતિ મારી ફરિયાદ કરવા તત્કાલિન મુખ્યમંત્રી પાસે પહોચ્યા. ઉધોગપતિની વાત સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, “એ કલેક્ટર મારૂ પણ માને એમ નથી એટ્લે માફ કરશો હું આ કિસ્સામાં તમારી કઈ મદદ નહીં કરી શકું…” ક્યારેક અફસોસ થાય છે કે ખોટા સમયે અને ખોટી સરકારમાં હું અધિકારી બન્યો. મને આવા સમજુ અને અધિકારીની તરફેણ કરનારા મુખ્યમંત્રીશ્રી સાથે કામ કરવાનો મોકો મળ્યો નહીં. આશા રાખીએ કે વર્ષ 2022 માં પબ્લિક સમજી વિચારીને મતદાન કરે.
જય હિન્દ.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…