પરિવાર સંક્રમિત થતો હોવાથી ઘરે ન જઈ હોટલમાં આઈસોલેશન સુવિધા આપવા માગ
યશ બલાલા (ઇન્ટર્ન ડોક્ટર આગેવાન, સ્મીમેર સુરત) એ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાઓથી ઇન્ટર્ન ડોક્ટરોની માગને ધ્યાન બહાર કરી કામ લેવાઈ રહ્યું છે. કોરોનાની માહામારીમાં કામ કરતા કેટલાક ઇન્ટર્ન ડોક્ટરો સંક્રમણમાં આવ્યા બાદ સાજા થયા છે. અમને ડર છે કે, અમે દર્દીઓની સેવા કહો કે, સારવાર બાદ ઘરે જઈએ ને પરિવાર સંક્રમણમાં આવે તો શું, જેને લઈ તમામ ઇન્ટર્ન ડોક્ટરોએ આઇસોલેશન સુવિધાની માગ કરી હતી. જોકે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી એટલે હડતાળનો રસ્તો અપનાવ્યો છે.
હાલ કોરોનાના કેસને લઈ તમામ માહિતગાર છે. કેસો વધી રહ્યા છે. સુરત શહેર સહિત જિલ્લાઓમાંથી પણ દર્દીઓ સ્મીમેરમાં દાખલ થઈ રહ્યા છે. અમે કોરોનાના દર્દીઓ માટે વિચારીને એક ડોક્ટરની ફરજ નિભાવી રહ્યા છે. પણ અમારા વિશે સ્મીમેર મેડિકલ કોલેજના સત્તાધીશો કશું પણ વિચારતા ન હોવાનું દેખાય રહ્યું છે. એટલે જ્યાં સુધી 200 જેટલા ઇન્ટર્ન તબીબો માટે હોટેલમાં આઇસોલેશન સુવિધા ન આપવામાં આવે ત્યાં સુધી તમામ ઇન્ટર્ન તબીબ કામથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાની માહામારી સામે આઇસોલેશન ફેસિલિટીને લઈ સ્મીમેર હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર જતાં રહ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે, અમે રાત-દિવસ કોરોના પોઝિટિવ દર્દી સાથે કામ કરી રહ્યા છીએ. અમે ઘરે જઈએ તો પરિવાર સંક્રમણમાં આવી શકે છે જેને લઈ ઇન્ટર્ન ડોક્ટરોએ હોટેલમાં આઇસોલેશન સુવિધાની માગ કરી હતી. જેને નજર અંદાજ કરી અમારી સાથે અન્યાય કરાઈ રહ્યો છે. જ્યા સુધી અમારી માગ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ ઇન્ટર્ન ડૉક્ટર કામે નહિ ચઢે એવો નિર્ણય કરી હડતાળ પર બેસી ગયા છે.