એશિય કપ વચ્ચે આગામી સમયમાં રમાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ થઇ રહી છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે આ વીકમાં ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ શકે છે. જોકે, ટીમ ઇન્ડિયાને લઇને નવી અપડેટ્સ સામે આવી રહી છે. અમુક ખેલાડી ઇજામાંથી ઉભરી ગયા છે તો ક્યાંક નિરાશા કરતાં સમાચાર પણ છે.
ઇજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. તેમને આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરી શકાય છે. બીજી બાજુ, ટીમ માટે નિરાશ કરતાં સમાચાર છે કે ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે.
વિન્દ્ર જાડેજા હાલમાં જ ટીમ ઈન્ડિયા સાથે UAE માં હતો, જ્યાં તે એશિયા કપ 2022 માં રમી રહ્યો હતો. જાડેજાએ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન અને હોંગકોંગ સામે પ્રથમ બે મેચ રમી હતી. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં જાડેજાએ 35 રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી, જ્યારે બીજી મેચમાં તેણે આર્થિક બોલિંગ કરતા મોટી વિકેટ પણ મેળવી હતી. આવી સ્થિતિમાં સ્ટાર ઓલરાઉન્ડરની ગેરહાજરી રોહિત શર્માની ટીમ માટે મોટો ઝટકો હશે.
જાડેજાને મોટી સર્જરીની જરૂર
અહેવાલમાં બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જાડેજાની ઈજા ખૂબ જ ગંભીર છે અને હાલ તેના વાપસી માટે કોઈ સમય નક્કી કરી શકાય તેમ નથી. બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જાડેજાના જમણા પગમાં ઘૂંટણની ઈજા ખૂબ ગંભીર છે. તેને મોટી સર્જરી કરાવવી પડશે અને તે અનિશ્ચિત સમય માટે ક્રિકેટમાંથી બહાર થઈ જશે. આ સમયે, જો નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ની મેડિકલ ટીમનું મૂલ્યાંકન જોવામાં આવે તો, આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વાપસી માટે કોઈ સમય મર્યાદા આપી શકાતી નથી.
તાજેતરમાં જ જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી અને પોતાની સફળ સર્જરીની જાણકારી આપી હતી. જાડેજાએ કહ્યું હતું કે, તે વહેલી તકે ગ્રાઉન્ડ પર વાપસીની કોશિશ કરશે. જાડેજાએ ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે, સર્જરી સફળ રહી. ઘણા લોકોએ સપોર્ટ કર્યો, જેના માટે ધન્યવાદ. બીસીસીઆઇ, મારા ટીમમેટ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડોક્ટર અને ફેન્સ સામેલ છે. હું ટૂંકમાં જ રિહેબ શરૂ કરીશ અને બને તેટલું વહેલું ક્રિકેટ ફીલ્ડ પર પરત ફરવાની કોશિશ કરીશ. શુભેચ્છાઓ માટે તમારો આભાર.
જાડેજા છેલ્લા ઘણા સમયથી ઘૂંટણને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એશિયા કપ પહેલા આઇપીએલ 2022 દરમિયાન પણ જાડેજાને ઇજા પહોંચી હતી. જેના લીધે તેને કેટલીક મેચોમાંથી બહાર થવું પડ્યું હતું. બાદ જાડેજાએ ઇંગ્લેન્ડ પ્રવાસથી કમબેક કર્યું હતું. અને થયા થી સતત સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવામાં તેનું ટીમની બહાર રહેવું ટીમ ઇન્ડિયા માટે એક મોટો આંચકો છે.