લગ્નની કંકોત્રી લખવાથી માંડીને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે. પરંતુ જયારે આ પરંપરાઓની સાથે સાથે પોતાની સામાજિક જવાબદારીને સમજી નવયુવાનો કંઈક અલગ કરે ત્યારે સમાજ આવા પ્રયત્નોને બિરદાવે છે. વાત છે ગીર સોમનાથ જીલ્લા ના તાલાળા ગીર હાલ સુરતના વતની આગામી ૧ ફેબ્રુઆરીના પ્રભુતામાં પગલાં માંડનાર કાર્તિક રાદડિયાએ વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતી લગ્ન કંકોત્રી તૈયાર કરી એક અનોખી પહેલ કરી છે.
પોતાની લગ્ન કંકોત્રી વિશે વધુ વાત કરતા કાર્તિક રાદડિયાએ જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ માટે અસંખ્ય યોજનાઓ અમલી છે પરંતુ નાના નાના ગામડાઓમાં અશિક્ષિત વર્ગ સુધી આવી યોજનાઓ કેટલાય કારણોસર પહોંચી શકતી નથી. અમારા માતા-પિતા સંપૂર્ણપણે અશિક્ષિત હોવાથી એમની તકલીફોથી સંપૂર્ણપણે વાકેફ છીએ. એમને પડતી મુશ્કેલીઓએ મને શિક્ષણ અને સમાજમાં કંઈક યોગદાન આપવાની પ્રેરણા આપી છે. મારી લગ્ન કંકોત્રી મારા મિત્રોએ ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા મારફતે શેર કરી હોવાથી આજે અસંખ્ય લોકો સુધી પહોંચી ચુકી છે. જો આ કંકોત્રી બધા લોકોમાંથી માત્ર 10% લોકોને કંઈ મદદરૂપ થશે તો હું મારા પ્રયત્નોને સફળ માનીશ.’
કાર્તિક રાદડિયાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવી સુરતથી,બી.બી.એ. અને એલ.એલ.બી. કર્યું છે અને અત્યારે સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રી માં એમ.એ. મેળવી રહ્યા છે.આ લગ્ન કંકોત્રીમાં કાર્તિક રાદડિયાએ માં અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના, શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, ભોજન બિલ સહાય, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટેની કોચિંગ સહાય અંગેની તમામ વિગતો આવરી લીધી છે
વધુમાં એમણે રોજિંદા જીવનમાં ઉપયોગી એવા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ જેવા તમામ કાર્ડ કઢાવવા માટે વિના મુલ્યે માહિતી અને મદદરૂપ થાય છે.
આ લગ્ન કંકોત્રીના બીજા પાનાં માં ખુબ જ ખાસ છે. કંકોત્રીમાં સરદાર વલ્લભ ભાઇ પટેલ, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝના ફોટો છાપી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ સિવાય હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂરા થયા હોય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કાર્તિક રાદડિયાની કંકોત્રીના બીજા પાનાં પર આઝાદી કા અમૃત મહોત્સવની ઝલક દેખાડી છે.