સુરતમાં સોલંકી પરિવારના સાત સભ્યોનો આપઘાત સુરતમાં ગઈકાલે એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. એક જ પરિવારના 7 સભ્યોના આપઘાત બાદ મૃતક મનીષ સોલંકીની સુસાઈડ નોટ મળી આવી છે. આ મામલે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું છે કે, મૃતકે આપઘાત કરતા પહેલા દોઢ પાનાની સુસાઈડ નોટ લખી હતી. જોકે, સુસાઈડ નોટમાં આપઘાત પાછળ કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુસાઈડ નોટમાં રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સુરતમાં સોલંકી પરિવારના સાત સભ્યોનો આપઘાત
‘મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે’
સુસાઈડ નોટ મામલે પોલીસ કમિશનર અજય કુમારે જણાવ્યું કે મૃતકે લખ્યું છે કે, ‘મેં લોકો સાથે સારું વર્તન કર્યું, હું લોકોને મદદરૂપ થતો હતો, પરંતુ લોકો મારી સાથે એવું પરત વર્તન કર્યું નથી. પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું, રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં, ઉપકારનો બદલો કોઈ પાછો આપતો નથી, મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી, રિટાબેન તારું ધ્યાન રાખજે. ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો.’
‘કુદરત પરચો આપશે’
સુસાઈડ નોટમાં લખેલું છે કે, ‘જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ’ રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પૈસાની લેતીદેતી મામલે અનેક સવાલો
સુસાઈડ નોટમાં આપઘાતના પાછળ કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુસાઈડ નોટ સામે આવ્યા બાદ પૈસાની લેતીદેતી મામલે અનેક સવાલો ઉભા થયા છે. મનીષ સોલંકી પાસેથી કોણે કેટલા પૈસા લીધા તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સામૂહિક આપઘાતની ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું, પરંતુ માતા-દિકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળુ દબાવવાથી થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસે બનાવી સ્પેશિયલ ટીમ
સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના કરી છે. આપઘાતના કેસની તપાસ DCP ઝોન 5, ACP, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે