એક તરફ સુરત મહાનગરપાલિકાના શાસકો એવું કહી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે પરંતુ શાસકો પોતાની સુવિધા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. આ કહેવાનું કારણ એ છે સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલ દ્વારા પ્રજાના પૈસે iphoneની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે કરોડો રૂપિયાના ખર્ચે સુરતના ઉધના મગદલ્લા રોડ પર ભટાર ચાર રસ્તા નજીક બ્રેડલાઈનર સર્કલ પાસે નિર્માણાધીન મેયરના બંગલાનું કામ પૂર્ણ થયું છે.

મેયરનો બંગલો તૈયાર થઈ જતા મેયરને હવે સત્તાવાર રીતે પોતાનું નિવાસ સ્થાન મળ્યું છે. લાંબા સમયથી સુરતના મેયરનું સત્તાવાર નિવાસસ્થાન બનાવવા માટે હલચલ થઈ રહી હતી અને આખરે ઓક્ટોબર 2017માં સ્થાયી સમિતિએ ઠરાવ કરીને શહેરના બંગલાના નિર્માણને મંજૂરી આપી હતી. બંગલાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ વર્તમાન મેયર હેમાલી બોઘાવાલાએ વૈશાખ સુદ એકમના દિવસે બંગલાનું શુભ મુહૂર્ત એટલે કે કુંભ ઘડો મૂક્યો હતો. કુંભ ઘડાના પ્રસંગે ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને શાસક પક્ષના નેતા અમિત રાજપૂત હાજર રહ્યા હતા.
મેયરનો બંગલો 5986 ચોરસ મીટર એટલે કે 64377 ચોરસ ફૂટમાં 6 બેડરૂમ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. મેયરના વૈભવી બંગલામાં સુવિધાની વાત કરવામાં આવે તો ફોર્મલ લિવિંગ રૂમ, ફોર્મલ ડાઇનિંગ રૂમ, મેડીટેશન રૂમ, એક માસ્ટર બેડરૂમ, કિચન, સ્ટોર રૂમ, સ્ટડી રૂમ, ફેમિલી ડાયનિંગ, ફેમિલી સીટીંગ એરિયા, પૂજા રૂમ, બેડરૂમ, સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાટર્સ, વેટિંગ એરિયા, ગેસ્ટ રૂમ, ઓફિસ અને પહેલા માળ પર 3 બેડરૂમ અને 1 માસ્ટર બેડરૂમનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે લોકો જેમ તેમ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેવામાં સુરત મહાનગરપાલિકાના મેયર હવે પ્રજાના પૈસા તૈયાર કરાયેલા પાંચ કરોડના બંગલામાં સુખ સુવિધાઓ સાથે આરામથી રહેશે.

મહત્વની વાત છે કે 4.83 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેયરના બંગલાનું આયોજન બે ભાગમાં કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પબ્લિક એક્ટિવિટી ઝોન અને પ્રાઇવેટ એક્ટિવિટી તૈયાર કરવામાં આવ્યા છે અને પહેલા માળે પ્રાઇવેટ રેસીડન્ટ ઝોન તૈયાર કરાયો છે. પહેલા માળ પર 3 બેડરૂમ અને 2 માસ્ટર બેડરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જોકે હવે આ બંગલાની ચાવી વર્તમાન મેયર હેમાલી બોઘાવાલા પાસે આવી છે. સુરતના મેયરને હવે રહેવા માટે વૈભવી બંગલો બન્યો છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે