ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર GIFT City Liquor News : ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટસિટીમાં દારૂની છૂટ નહીં મળે. વિઝિટર પરમિટધારકો ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે તો ટૂરિસ્ટ પરમિટધારકો પણ ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે. આ તરફ ગિફ્ટસિટીના કર્મીઓને અધિકૃત અધિકારી જ પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર
ગિફ્ટસિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી દારૂની મંજૂરી મળશે. આ સાથે કંપનીના HR હેડ, જવાબદાર અધિકારીની ભલામણને આધારે મંજૂરી મળશે. મુલાકાતીઓ સાથે સંબંધિત કંપનીના લીકર એક્સેસ પરમિટધારક કર્મી રહેશે અને લાઈસન્સ હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.
આ સાથે FL3 લાઈસન્સધારક રાજ્યના અન્ય પરમિટધારકને દારૂ નહીં વેચી શકે. લાઈસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ દારૂ નહીં વેચી શકાય. આ તરફ દારૂનું સેવન કરનાર વ્યક્તિ દારૂ પીધા બાદ વાહન નહીં ચલાવી શકે અને 21 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને જ દારૂની પરમિશન મળશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.
દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ પર અસર
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા ઈન્કવાયરી વધી છે. આ તરફ દારૂ મુક્તિ મળતા ગિફ્ટ સિટી ક્લબમાં નવા સભ્યો પણ નોંધાયા છે. વિગતો ગાંધીનગર ગિફ્ટસિટી ક્લબમાં હાલ મેમ્બરશીપનો ભાવ 7 લાખ છે. રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી ક્લબમાં માત્ર 48 કલાકમાંજ 107 લોકોએ મેમ્બરશીપ મેળવી લીધી છે. વિગતો મુજબ ગિફ્ટસિટી ક્લબે મેમ્બરશીપ માં જ રૂ .7.49 કરોડની કમાણી કરી લીધી છે. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં ગિફ્ટસિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને 2300 સુધી પહોંચી ગઈ છે.
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.
કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે
આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.
હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી પરવાના મેળવી શકશે
GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે