રાજ્યમાં પોલીસને લોકો સાથે ઘર્ષણ થયું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ક્યારેક માસ્કનો દંડ ન ભરવા માટે લોકો પોલીસની સાથે માથાકૂટ કરે છે, તો ક્યારેક લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ ન ભરવા માટે પોલીસની સાથે ઘર્ષણ કરે છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમા ક્રાઇમ બ્રાન્ચ સાથે એક પરિવારના સભ્યોને ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં પોલીસ દ્વારા એક મહિલાના લાફો મરવામાં આવતા તે જમીન પર પડી ગઈ હતી. આ ઘટના પછી પોલીસ દ્વારા 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, આ ઘટનામાં પહેલા આરોપીના પરિવારના સભ્યોએ ભેગા થઈને એક પોલીસકર્મીને માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીના પરિવારના સભ્યો સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, રાજકોટમાં એક પરિવારની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ ધરપકડના ડરથી અગાઉ કોર્ટમાંથી જામીન મેળવી લીધા હતા. આરોપીઓએ આગોતરા જામીન મેળવ્યા હોવાના કારણે પોલીસ દ્વારા આરોપીઓના ઘરે જઈને તેમના નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસકર્મી જ્યારે આરોપીઓના ઘરે પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યો પોલીસકર્મીને ઘરની અંદર એક રૂમમાં લઈ ગયા હતા. ત્યારબાદ તમામ સભ્યોએ સાથે મળીને પોલીસકર્મીને માર માર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસકર્મીએ ક્રાઇમ બ્રાન્ચને કરતાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
તેથી આરોપીઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ સાથે પણ ઘર્ષણ કરવામાં આવ્યું હતું. આ ઘર્ષણ દરમિયાન એક મહિલાએ પોલીસકર્મી સાથે ગેરવર્તન કર્યું હોવાના કારણે પોલીસકર્મીએ તમાચો મારવામાં આવ્યો હતો. તેથી મહિલા જમીન પર ઢળી પડી હતી. ત્યારબાદ, પોલીસ દ્વારા 15 જેટલા લોકોની અટકાયત કરીને તેમની સાથે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસ દરમિયાન જ સામે આવશે કે આરોપીઓના પરિવારના સભ્યોએ પોલીસકર્મીએ શા માટે માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર પોલીસકર્મી પર હુમલાઓ થતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલા થયા હોવાનું સામે આવે છે તો ક્યારેક આરોપીને સમન્સ બજાવવા ગયેલા પોલીસકર્મી પર હુમલા થયા હોવાનું સામે આવ્યું છે.