Abhayam News
AbhayamNews

શા માટે કોંગ્રેસ બનાવવા જઈ રહી છે પાટીદાર પ્રદેશ પ્રમુખ? KHAM નેતાઓનો અસ્ત જ ભાજપનું ગ્રહણ દુર કરશે

ગુજરાતના ચૂંટણી પરિણામો જોતા ગુજરાતમાં અગામી પાંચ વર્ષમાં ‘કોંગ્રેસ હતી’ થઇ જશે તે નક્કી છે. પાટીદાર આંદોલન બાદ 2015માં મજબુત થયેલી કોંગ્રેસે ત્યારની તુલનામાં 2021 માં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે ઘણું ગુમાવ્યું છે. આનું મુખ્ય કારણ ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર સમાજ અને અન્ય સવર્ણ જાતિનો ઓછો હિસ્સો છે.

બધા ગુજરાતીઓ જાણે છે કે ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા, મધુસુદન મિસ્ત્રી જેવા KHAM થીયરીની આડ પેદાશ સમાન નેતાઓ છેલ્લાં 20 વર્ષથી કોંગ્રેસમાં શાસન કરી રહ્યા છે અને ભાજપની સરકાર બનાવડાવવાની પુરેપુરી મહેનત કોંગ્રેસમાં બેઠા બેઠા કરે છે. ચૂંટણીઓ સિવાયના સમયમાં ભરતસિંહ સોલંકી અમેરિકામાં જ રહે છે અને ૨૦૧૭ બાદ મામાના દીકરા અમિત ચાવડા નામનું રબર સ્ટેમ્પ મુકીને કોંગ્રેસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

ભરત સોલંકી હજીપણ પડદા પાછળ ગુજરાત કોંગ્રેસ ચલાવી રહ્યા છે. જેઓ હંમેશાં પાટીદાર સમાજના હિતશત્રુ રહ્યા છે. તેણે હંમેશાં જાતિવાદી રાજકારણમાંથી કોંગ્રેસમાંથી સમયાંતરે પાટીદારોને દૂર કર્યા છે. છેલ્લા ૨૫ વર્ષમાં એક પણ  પાટીદારને રાજ્યસભામાં નથી મોકલાયો, અને છેલ્લા દશકા ઉપરના સમયથી પ્રદેશ પ્રમુખ નથી બનવા દેવાયા. ૨૦૧૭ માં મળેલી સૌથી વધુ વિધાનસભા સીટનો શ્રેય પાટીદારોને મળવો જોઈએ છતાં કોંગ્રેસના KHAM નેતાઓને પાટીદારો પ્રત્યે જે ઘૃણા છે તે ગુજરાતીઓએ નજરે જોયું છે.

KHAM નેતાઓના આવા અક્કડ વલણને કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે 2015 માં, જે પાટીદારોએ ગુજરાતની 31 જિલ્લા પંચાયતમાંથી 27 પર કોંગ્રેસનો વિજય અપાવ્યો હતો. હવે તે પાટીદારોનો રોષ કોંગ્રેસના વિરોધમાં જોવા મળ્યો અને હવે ગુજરાતમાં કોંગ્રેસના નામે સમ ખાવા પુરતી એક પણ જીલ્લા પંચાયત વધી નથી. પાટીદારોએ કોંગ્રેસથી મોહભંગ કરીને ભાજપ તરફ ફરીથી પ્રયાણ કર્યું છે અને જયારે સૌરાષ્ટ્ર અને સુરતના મોટાભાગના પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. જેના વલણો ચૂંટણીના પરિણામો માં જોવા મળ્યા.

અગાઉના ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીદાર હતા અને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ પાટીદાર આવ્યા છે. જો આ વખતે કોંગ્રેસ હાઈકમાંડ હાલના KHAM નેતાઓના અક્કડ વલણને બદલશે નહીં, તો 2022 માં કોંગ્રેસ માટે 10 ધારાસભ્યો જીતવા મુશ્કેલ બનશે કારણ કે ક્યાય પણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા બે આંકડા સુધી પહોંચી નથી. જો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પાટીદાર સમુદાયના હોય તો આપની ગુજરાત એન્ટ્રી પર બ્રેક લાગી શકે છે.

જે રીતે ગુજરાત કોંગ્રેસની સમર્પિત વોટબેંક મુસ્લિમ પણ ભાજપ અને ઓવૈસીની પાર્ટી તરફ આગળ વધી રહી છે અને કોંગ્રેસ પ્રત્યે નારાજ થઇ રહી છે, તે સાથે ઓબીસી સમાજના લોકોની પણ પ્રથમ પસંદગી ભાજપ બની રહી છે. કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા, કેબીનેટ મીનીસ્ટર જવાહર ચાવડા સહિતના નેતાઓએ આ KHAM નેતાઓના કારણે જ કોંગ્રેસ છોડી દીધી હતી.

ગુજરાતમાં પાટીદાર સમુદાયના મતના ભાગમાં 13% હિસ્સો છે, અને આ નિર્ણાયક મતદારો છે. આ ઉપરાંત પટેલ સમાજ મોટા ભાગે ગ્રામ્ય અને ખેતીવાડી ક્ષેત્રમાથી આવે છે અને આજે તે દિશામા વધુ કામ કરવાની જરુર છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં 52 બેઠકો છે. 2017માં કોંગ્રેસએ 28 બેઠક પર જીત મેળવી જ્યારે ભાજપ 23 બેઠક પર સીમિત હતું. ગુજરાતમાં સૌથી ધનિક સમુદાયમાંનું એક પાટીદાર સમાજ હવે ભાજપથી વિમુખ છે. અને જો કોંગ્રેસે પાટીદાર સમાજને મુખ્ય ચહેરો બનાવે તો પાટીદારો ફરીથી કોંગ્રેસ સાથે આવી શકે છે.

હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવ્યા ત્યારથી જ વરિષ્ઠ નેતાઓએ પાટીદારોને કોઈ જવાબદારી ન આપીને તેની અવગણના કરી છે. જેના કારણે હાર્દિક પટેલ પણ નારાજ છે. અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી આ માટે જવાબદાર છે. પહેલાં અહેમદ પટેલનો બંને પર હાથ હતો, હવે અહેમદ પટેલ નથી રહ્યા, જેના કારણે તે બંને અનિયંત્રિતપણે પોતાની મનમાનીથી કોંગ્રેસ ચલાવી રહ્યા છે.

હાલમાં કોંગ્રેસ પાસે 2 સૌથી મોટા પાટીદાર નેતાઓ છે. જેમાં સિદ્ધાર્થ પટેલ અને મનહર પટેલનો સમાવેશ થાય છે. સિદ્ધાર્થ પટેલ પણ તેમના કાર્યકાળમાં નિષ્ફળ ગયા છે. અને બે વખત વિધાનસભા હાર્યા છે. જ્યારે બીજા નેતા છે મનહર પટેલ. કોંગ્રેસ પાસે હાલમાં બે વિકલ્પો છે મનહર પટેલ અથવા લલિત કગથરા. હાલમાં કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હોવાથી લલિત કગથરા જાતિગત સમીકરણો પાસ કરી શકે તેમ નથી. જેથી કોંગ્રેસના નેતાઓ મનહર પટેલની તરફદારી કરે તો નવાઈ નહી. મનહર પટેલ સૌરાષ્ટ્રમાં ખેતી સાથે સંકળાયેલા નેતા છે. અને સુરતમાં હીરા ઉદ્યોગપતિઓ સાથે ધરોબો ધરાવે છે. જેથી કોંગ્રેસને ચૂંટણી માટે જરૂરી નાણાબળ પણ પૂરું પડી શકે છે.

જાણીતા રાજનૈતિક વિશ્લેષક પત્રકાર દિલીપ પટેલ પોતાના બ્લોગમાં લખેક છે કે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકો તરીકે વર્ષોથી સ્ટાર પ્રચારકોની ફોટો કોપી મૂકી દેવામાં આવી હોય એવા નેતાઓ હોય છે. આ ચૂંટણીમાં અર્જુંન મોઢવાડિયાને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવી દેવાયા હતા. પક્ષે આ યાદીમાં નવા નેતાઓના નામો રજૂ કર્યા ન હતા. જયરાજસિંહ પરમાર અને હાર્દિક પટેલ જેવા નેતાઓ પ્રચારમાં જતાં હતા. તેઓ 70થી 100 સભાઓ શહેરોમાં કરી ચૂક્યા હતા. જયારે ભરત સોલંકીને પ્રચાર સભામાં કોઈ બોલાવતું ન હતું. તેઓ જવા પણ માંગતા ન હતા. તેમણે બે મહાનગરોમાં બે ચાર સભા કરી હતી. જેમાં ગણ્યા ગાંઠ્યા લોકો માંડ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં 18 વોર્ડમાં ઠાકોર ઉમેદવારો ભરત સોલંકીએ મૂક્યા હતા. અમદાવાદમાં ખરેખર તો બે વોર્ડમાં તેમની બહુમતી છે. છતાં સોલંકી પોતે ઠાકોર હોવાથી ઉમેદવારો પોતાની જ્ઞાતિના મૂકી દીધા. કારણ કે વિરોધ પક્ષના નેતા તરીકે પોતાનો માણસ આવે. ભરત સોલંકી હાર્ડકોર જ્ઞાતિવાદી છે તે આ એક જ નિર્ણયથી તેમણે પ્રસ્થાપિત કરી આપ્યું છે. માધવસિંહ સોલંકીની જેમ. જે બાબત પ્રમુખ અમિત ચાવડાને પસંદ ન હતી. તેમ છતાં તેઓ કંઈ બોલી શકતા ન હતા.

કોંગ્રેસના પીઢ નેતાઓ છેલ્લાં 20 વર્ષથી કબજો જમાવીને બેસી ગયા છે. 1987થી કોંગ્રેસ સતત હારતી આવી છે. બીજી હરોળના નેતાઓને અહેમદ પટેલ અને બીજાઓએ ઊભા થવા દીધા નથી. નવી નેતાગીરીની તંગી કોંગ્રેસમાં છે. જે 12 બાવાઓ કોંગ્રેસને બાવા બનાવી રહ્યાં છે તે વર્ષોથી ચીટકી રહ્યા છે. મનહર પટેલ, જયરાજસિંહ પરમાર જેવા સેંકડો કાર્યકરો પક્ષનું નેતૃત્વ કરી શકે તેમ છે. તેમ છતાં તેમને આગળ આવવા દીધા નથી. તેથી બીજી હરોળ તૈયાર કરી નથી. ભરત સોલંકીને સંગીત ખુરસી રમવી છે. તેથી યુવાનોને આગળ આવવા દેતા નથી. એના એજ ચહેરા આવે છે. નીતિ વિષયક નિર્ણય લેવામાં બીજા કોઈને સ્થાન નથી.

Related posts

વેપારીઓ માં આક્રોશ કલાકો લાઇનમાં ઉભા રહેવા છતાં રસી મળતી નથી.

Abhayam

દેશની 8 બેંકે વ્યાજદરમાં કર્યો ફેરફાર

Vivek Radadiya

દિલ્હીમાં CNG કાર ઉપર પણ લાગશે પ્રતિબંધ

Vivek Radadiya