દિવાળીના દિવસે કરવામાં આવે છે નુસખો શહેરોમાં દિવાળીના દિવસે લોકો પોત પોતાના ઘરોમાં દીવા પ્રજ્વલિત કરી દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે પણ ગામડાઓમાં જૂની પરંપરા મુજબ મેર મેરૈયાની વિધિ કર્યા બાદ જ ગામમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવે છે. શહેરોમાં આ પરંપરા વિસરાઈ રહી છે.
દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે નાનાઓથી લઈને મોટાઓમાં એક અલગ જ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. જેમાં જૂના વખતથી ચાલી આવતી એક પરંપરા મેરૈયા પણ છે. આ મેર મેરૈયાનો દિવાળીમાં અદ્ભુત મહિમા રહેલો છે. જે ધીમે ધીમે વિસરાઈ રહ્યો છે.
દિવાળીના દિવસે કરવામાં આવે છે નુસખો
એવું કહેવાય છે કે, પહેલાના સમયમાં ગામમાં કે ફળિયામાં વીજળીની સગવડ નહોતી અથવા નહીંવત હતી. ત્યારે ગામ કે ફળિયાના લોકો હાથમાં મશાલની જેમ ગાગ માગણી લઇ તેમાં તેલ પુરાવી ગામમાં ફરતા. આમ ગામમાં અજવાળું પથરાતું અને સૌ લોકો ભેગા મળી દિવાળીનો પર્વ ઉજવતા.
કથાકાર અશ્વિનભાઈ શુક્લા જણાવ્યું હતું કે, મેર મેરૈયા જેને લોકો કાક માગણી, કાગ માગણી કે ગાગ માગણી પણ કહે છે. દિવાળીના દિવસે સંધ્યા ટાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દિવાળીના દિવસે મેર મેરૈયા ઉજવવાનો મહિમા અનોખો છે. જેમાં ખીજડાના વૃક્ષની લાકડીના એક છેડે કપડું મૂકી એને માટીથી લીંપવામાં આવે છે.
જ્યારે સાંજ પડે અને અંધારું થાય ત્યારે તેમાં તેલ પૂરી વાટ સળગાવી લોકો ઘરે ઘરે ફરીને, સાથે મેર મેરૈયા તેલ પુરાવો, આજ દિવાળી કાલ દિવાળી, તેલ પૂરાવે તેને તેર દીકરા વગેરેનો સાદ પાડતા. આમ લોકો તેલ પુરાવી દીવાને અજવાળે અજવાળે રાતના અંધારામાં ગામમાં ફરતા. છેલ્લે ગામના પાદરે જઈ રેતમાં લાકડી રોપ્યા બાદ બાળકો આનંદ સાથે ફટાકડા ફોડતા.
આ દીવો ઢોર-ઢાંખરને બતાવવામાં આવે તો ઢોર માંદા પડતા નથી
એવી માન્યતા છે કે, મેરૈયામાં તેલ પુરાવી ગામના પાદરે કે મંદિરે મૂકવાથી ગામમાં કોઈ સંકટ, આફત, રોગચાળો કે અન્ય કોઈ મુશ્કેલી આવતી નથી. આ સાથે જો દીવો ઢોર-ઢાંખરને બતાવવામાં આવે તો ઢોર માંદા પડતા નથી, તંદુરસ્ત રહે છે અને તેમની પ્રજાતિમાં વધારો થાય છે.
રામ ચરિત માનસ અનુસાર ભગવાન રામ જ્યારે લંકા પર વિજય પ્રાપ્ત કરી અયોધ્યા પરત આવે છે, ત્યારથી દિવાળી મનાવવામાં આવે છે. ભગવાન રામ જ્યારે અયોધ્યા આવવાના સમાચાર ગામવાસીઓને મળે છે. ત્યારે લોકોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળે છે. લોકો ઘરે ઘરે દીવડા પ્રગટાવે છે.
સાથે સાથે ગામમાં અંધકાર દૂર થાય અને ઉજાસ પથરાય તે માટે ગામના લોકો ઘરે ઘરે ફરી દીવામાં તેલ પુરાવે છે. આમ ત્યારથી લઈને આજદિન સુધી આ પરંપરા ચાલતી આવી છે. હજી પણ કેટલાક ગામડાઓમાં મેર મેરૈયામાં તેલ પુરાવવા માટે લોકો ઘરે ઘરે ફરે છે. પરંતુ શહેરીજીવનમાં આ પરંપરા વિસરાઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે