Abhayam News
Dr. Chintan VaishnavEditorials

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ !! (A Real Life Motivational Story) – ડો.ચિંતન વૈષ્ણવ

માણસની બોલી કેટલીક વખત બંદૂકની ગોલી કરતાં પણ વધારે નુકસાન કરી બેસતી હોય છે. ઘણી વખત કોઈકને કડવા વેણ કહેવાય જાય અને જો એ નબળા મનનો માણસ હોય તો ન ભરવાનું પગલું પણ ભરી બેસતા વાર નથી લાગતી. ક્યારેક કોઈ મજબૂત મનોબળનો માણસ ભટકાઈ જાય તો આવા બોલાયેલા કડવા શબ્દોથી એને એટલું તો દુ:ખ કે અપમાન લાગી આવતું હોય છે કે, પોતાના મનમાં આ કડવા વ્હેણને સંગ્રહીને એક ચેલેન્જ ઉપાડી લેતો હોય છે. ઘણી વખત એવા પરિણામો લાવી દેતો હોય છે કે, કડવા શબ્દો ઉચ્ચારનારને પોતાના શબ્દો પરત ખેંચવા માટે મજબૂર પણ થવું પડતું હોય છે.

એક અત્યંત ગરીબ એવા દલિત પરિવારમાં તા.18/9/1986 ના રોજ મુકેશનો જન્મ થાય છે. પોતાના જ દેશમાં અને પોતાના જ લોકો વચ્ચે પણ પોતે કોઈ અલગ ગ્રહ પરથી આવ્યો હોય એવી દુ:ખદ લાગણીઓ સહન કરતો મૂળ રાણપુર તા.ભેંસાણનો મુકેશનો પરિવાર ગુજરાન ચલાવવાના હેતુથી જૂનાગઢમાં વસવાટ કરતો હતો. આ પરિવારમાં મુકેશના પિતા મગનભાઇ અને તેના માતા નયનાબેન સહિત મુકેશથી નાની ચાર બહેનોનો સમાવેશ થતો હતો. વસતિની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં બીજા નંબરે નોંધાયેલ આપણો દેશ કે જ્યાં વસતિ નિયંત્રણ માટે અત્યારસુધીની સરકારે ક્યારેય કોઈ નક્કર કદમ ઉઠાવ્યા નથી ત્યાં અભણ પરિવારને તો પરિવાર મોટો હોવાના ગેરફાયદાઓ અને પરિવાર નિયોજન શું કહેવાય તેની ક્યાથી ખબર હોય ?

બે બાળકોને બધી જ સુવિધાઓ સાથે મોટા કરવામાં પણ નાનીમાં યાદ આવી જતાં હોય, એવા અનુભવો મને ખુદને થયા છે ત્યારે 5 બાળકોને અને એમાં પણ 4 દીકરીઓને ભવિષ્યમાં પરણાવવાની જવાબદારી સાથે મોટી કરવી એ તો કેટલી અઘરી અને ચેલેંજિંગ બાબત છે !? પરંતુ નયનાબેનમાં એ શક્તિ હતી કે તે આ જવાબદારી નિભાવી શકે. અત્યારે જ્યારે ભણેલ ગણેલ પરિવારમાં એક દીકરી જન્મવાની હોય છે તે બાબતની ગેરકાયદેસર તપાસ કરાવીને, જાણ થતાં તેની ભ્રૂણહત્યા કરી નાંખવામાં આવે છે ત્યારે આ અભણ પરિવારે ભગવાને આપેલ વરદાનરૂપી લક્ષ્મીઓની જવાબદારી ઉપાડી લીધેલ. ભગવાને એમને મદદ માટે મુકેશ જેવો મોટો દીકરો પણ આપેલ.

સમય પસાર થતો ગયો. સરકારી સ્કૂલોમાં મુકેશે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. ધોરણ 10 માં નાપાસ થવાથી મુકેશનું એક વર્ષ બગડયું પણ ખરા. તેણે બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાથી ઇતિહાસ વિષય સાથે વર્ષ 2008 માં બી.એ. પૂરું કર્યું. ત્યારબાદ ભણવાની હજુ પણ ઇચ્છા હોવાથી જૂનાગઢની સી.એલ. કોલેજમાથી એલ.એલ.બી. ની ડિગ્રી મેળવી. આ સમગ્ર સમયગાળા દરમિયાન મગનભાઇ અને નયનાબેન બંને જણાએ તનતોડ મજૂરી કામ કરીને મુકેશને ભણાવ્યો હતો. મુકેશ પોતે પણ કોલેજકાળ દરમિયાન લોકોની વાડીઓમાં પાણી વાળવા જતો અને બદલામાં તેને 1 વિઘા દીઠ 2 મણ ઘઉં મળતા. ક્યારેક બેલા ઉપાડવાની મજૂરીએ પણ જતો. તેના પિતા પણ ભાડે રાખેલી ઓટોરિક્ષા દિવસ-રાત ફેરવતા.

કોલેજ પૂરી થયા સુધી મુકેશની લાઇફનો કોઈ ગોલ ન હતો. આ ઉંમરે મોટાભાગના યુવાનો ઉપર ફિલ્મી કલાકારો અને ફિલ્મી સ્ટોરીઓની અસર વધારે હોય છે. મુકેશ પણ એક યુવતી સાથે પ્રેમમાં ગળાડૂબ હતો. કોલેજ દરમિયાન મુકેશને પોતાની જ જ્ઞાતિની કુંજબાળા નામની એક કન્યા સાથે એકતરફી પ્રેમ થયો હતો. કોલેજ પૂરી થવા સુધી પોતે આ બાબત તેને ક્યારેય જણાવી શક્યો નહિ. કોલેજનું ત્રીજું વર્ષ પૂરું થયા બાદ મુકેશે એલ.એલ.બી. માં પ્રવેશ મેળવ્યો અને કુંજબાળાએ એમ.એ. કરવાનું નક્કી કરીને બહાઉદ્દીન કોલેજમાં જ એડમિશન મેળવ્યું. આ સમયગાળા દરમિયાન મુકેશે હિંમત કરીને પોતાની લાગણી કુંજબાળા સામે મૂકી અને સામે પક્ષે પણ એનો સ્વીકાર થયો.

સમય પસાર થતો ગયો. મુકેશની ઇચ્છા વહેલી તકે લગ્ન કરી લેવાની હતી પરંતુ નોકરી વગર છોકરી આપે કોણ ? કુંજબાળા ભણવામાં હોંશિયાર અને દેખાવે સુંદર. તેનો પરિવાર મુકેશના પરિવારની સરખામણીમાં સદ્ધર. એટ્લે એ પણ વારંવાર મુકેશને કહેતી કે, “તું જલ્દીથી નોકરી મેળવ. નહિતર મારા મમ્મી-પપ્પા મારા લગ્ન બીજે કરી દેશે.” તેણી મુકેશને સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષા આપવા પર વધારે ભાર મૂકતી. મુકેશ કુંજબાળાની બધી જ વાતો ગંભીરતાથી લેતો હતો અને પોતે બેન્ક, તલાટી અને પોલીસમાં ભરતી થવા માટે પોતાની રીતે મથતો રહેતો. પરંતુ એ સમયે ભરતિઓનું પ્રમાણ પણ ખૂબ ઓછું હતું અને જુનાગઢ જીલ્લામાં આ બાબતે યુવાનોને માર્ગદર્શન આપનાર પણ ખાસ કોઈ હતું નહીં. ક્લાસીસમાં 1000-1500 રૂપિયા જેવી સામાન્ય ફી ભરીને અભ્યાસ કરવા માટેની પણ મુકેશની કોઈ કેપેસિટી હતી નહીં. યોગ્ય માર્ગદર્શનના અભાવે સમય અને પ્રેમની આ લડાઈમાં પ્રેમ હારી ગયો અને સમય જીતી ગયો. કુંજબાળાના લગ્ન તેના મમ્મી-પપ્પાએ બીજે કરી દીધા. કુંજબાળા સમજુ હતી એટ્લે તેણે આ બાબતનો પોતાની અનિચ્છાએ પણ સ્વીકાર કરી લીધો..

સરકારી નોકરી નહિ મળવાના કારણે તેના લગ્ન કુંજબાળા સાથે થઈ શક્યા ન હોવાથી મુકેશ ખૂબ જ દુખી થયો અને એવો નાસીપાસ થયો કે, એક દીવસ ઝેરી દવા પી ગયો. દવા પી અને પોતાના ખાસ અંગત મિત્ર સાદિયા ગૌતમ પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે, “કુંજબાળાના લગ્ન બીજે થયા હોવાથી પોતે આ પગલું ભર્યું છે. મારા મમ્મી પપ્પાને કહેજે કે મને માફ કરે…” ગૌતમ તરત જ સમયસૂચકતા વાપરીને મુકેશને દવાખાને લઈ ગયો. સમયસર સારવાર મળવાથી મુકેશ બચી ગયો.

મિત્ર એવો રાખવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ અને દુ:ખમાં આગળ હોય. આવો જ ઢાલ સરીખો મુકેશનો મિત્ર ગૌતમ તેને દુ:ખની ઘડીમાં મદદે આવ્યો. થોડા દિવસો બાદ મુકેશને તેણે સમજાવ્યો કે, “આવું ગાંડપણ કરાય નહીં. મમ્મી પપ્પાએ વર્ષો સુધી મજૂરી કરીને તને મોટો કર્યો, ભણાવ્યો. બહેનોના લગ્નની જવાબદારી નિભાવવાને બદલે તારે એમને આ દિવસો દેખાડવાના ?” મુકેશને પોતાની ભૂલનું ભાન થયું. હવે મુકેશ સતત એવું વિચારતો હતો કે, મારી પ્રેમિકા ઇચ્છતી હતી કે મને સરકારી નોકરી મળે. મારી પાસે સરકારી નોકરી ન હોવાથી હું તેને ખોઈ બેઠો છુ. હવે ગમે તેમ કરીને એનું સપનું પૂરું કરીશ અને સરકારી નોકરી મેળવીને જ જંપીશ.

હવે મુકેશ સીધો જ મારા સંપર્કમાં આવે છે. તેણે પોતાનો જીવ બચાવનાર ખાસ મિત્ર ગૌતમને પણ પોતાના રંગમાં રંગી નાંખ્યો હોય છે. સરકારી નોકરીની તૈયારીઓ કરતો કરી દીધો હોય છે. ગૌતમ પણ મારૂ માર્ગદર્શન મેળવવા આવવા લાગે છે. બંને સરકારી નોકરી મેળવવા માટે સખત મહેનત કરે છે. બંને મિત્રો દરરોજ આખી રાત સાથે બેસીને અભ્યાસ કરતાં. મુકેશ પાસે એ સમયે પુસ્તકો લેવાના પણ પૈસા હતા નહીં. આથી જ તેઓ બંને ભેગા મળીને પૈસા કાઢીને કોઈ પુસ્તક ખરીદતા અને અડધું અડધું કરીને વારાફરતી વાંચતાં. ઘણી વખત આપણે મહેનત તો પુષ્કળ કરતાં હોઈએ પરંતુ દિશાસૂચનના અભાવે પરિણામ આપણી તરફેણમાં આવતું નથી હોતું. કેટલાક કિસ્સાઓમાં એકાદ ટકામાં નસીબ પણ ભાગ ભજવતું હોય છે. મુકેશ હવે પોતાનો ભૂતકાળ ભૂલીને માત્ર પોતાના ગોલ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.

નવી જાહેર થયેલી પોલીસ ભરતીઓમાં પોતાની સખત મહેનત તેમજ અમારા તલસ્પર્શી માર્ગદર્શન અને પોતે કરેલા સ્માર્ટવર્કના કારણે મુકેશ પોલીસ સબ ઈન્સ્પેકટરની પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષામાં સફળ થયો અને ઇન્ટરવ્યુ માટેનો કોલલેટર પણ આવ્યો. પોતે આટલે સુધી પહોંચી ગયો હોવા પર તેને ખુદને ભરોસો બેસતો ન હતો. ઇન્ટરવ્યુની તૈયારીઓ પણ તેણે ખૂબ જ ખંત સાથે કરી હતી તેમ છ્ત્તા અંતિમ યાદીમાં જાહેર થયેલા સફળ ઉમેદવારોમાં મુકેશનું નામ ન હોવાથી તે ખૂબ નિરાશ થયો. મને રૂબરૂ મળ્યો અને પોતાની વ્યથા મારી પાસે ઠાલવી. આટઆટલી મહેનત કરવા છ્ત્તા પણ પોતે સફળ ન થયો તે બાબતે તેને ભારોભાર દુ:ખ હતું. આવા સંજોગોમાં તેણે ખાવાપીવાનું પણ મૂકી દીધું હતું. તેના પપ્પા પણ તેને સમજાવતા કે બધુ સારું થશે, તું વાંચવા મંડ.

આ ભરતી બાદ તલાટી અને કોન્સ્ટેબલની ભરતીઓમાં પણ મુકેશ થોડા થોડા માર્કસથી પસંદ થવામાં રહી જતો હતો. તે ઘણીવખત નિરાશ થતો ત્યારે મારી પાસે આવતો કે મને ફોન પણ કરતો અને હું તેની બેટરી ચાર્જ કરી આપતો. તેનો જુસ્સો અને પોતાની જાતમાં વિશ્વાસ હું વધારી આપતો. હું તેના વાલણને હકારાત્મક બનાવવા માટે કહેતો કે તું થોડા માર્કસથી રહી જાય છે એ સારી વાત છે કારણકે હવે તારે માત્ર થોડી જ વધારે મહેનતની જરૂર છે. હું તેને દર વખતે મોટીવેટ કરતો રહેતો. તેનો ખાસ મિત્ર ગૌતમ પણ યોગ્ય માર્ગદર્શનને કારણે રેવન્યુ ક્લાર્કની પરીક્ષા પાસ કરીને કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે નોકરી ઉપર લાગી જાય છે. ગૌતમને સરકારી નોકરી મળવા પાછળનું મુખ્ય કારણ મુકેશ હોય છે. પરંતુ હજુ સુધી તેનો પોતાનો કઈ મેળ પડ્યો હોતો નથી.

મને મુકેશની મહેનત ઉપર પૂરો ભરોસો હતો. મને ખાતરી હતી કે મુકેશ પણ તેના મિત્રની જેમ જ આવનારા સમયમાં એકાદ ભરતીમાં પાસ થશે જ. એક વખત તેના પડોશીએ તેને સંભળાવ્યું કે, “તને ક્યારેય સરકારી નોકરી નહીં મળે. મજૂરી કરો મજૂરી…” ત્યારે તેને ખૂબ ખોટું લાગી ગયું હતું. પણ હવે તે મારા સેમિનારો અને લેક્ચર્સ ભરીભરીને માનસિક મજબૂત બની ગયો હતો. પોતાની પ્રેમિકાના શબ્દો અને વર્તમાનમાં પાડોશીએ સાંભળવેલા શબ્દો, બંને તેને ઊંઘ આવવા દેતા ન હતા. થોડા સમયમાં નવી લોકરક્ષકદળની ભરતીનું પરિણામ બહાર પડે છે. “પરસેવાની શાહીથી જે લખે છે ઈરાદાઓ, એમના નસીબના પન્ના કોરા નથી હોતા”. મુકેશ તેનું લક્ષ્યવેધ કરવામાં આ વખતે સફળ થાય છે અને ગુજરાત પોલીસમાં કોન્સટેબલ બની જાય છે. આજનો દિવસ તેના અને તેના પરિવાર માટે ખૂબ જ ખુશીનો દિવસ બની જાય છે.

મુકેશ જ્યારે 12 માં ધોરણમાં હોય છે ત્યારે તેના તર્કશાસ્ત્ર વિષયના શિક્ષક આખા ક્લાસમાં મુકેશની મજાક ઉડાવતા રહેતા. અઠવાડિક પરીક્ષાનું પરિણામ આવે ત્યારે તે પહેલેથી જ એડવાન્સમાં એવું કહેતા કે, એક મુકેશ ફેલ થયો હશે, બાકી બધા પાસ થઈ ગયા હશે. કુદરતની કમાલ એ છે કે, આ 40 વિધાર્થિનીઓ અને 7 વિધાર્થીઓના ક્લાસમાથી અત્યારે એકમાત્ર મુકેશ જ સરકારી નોકરી કરી રહ્યો છે. આજે એ સાહેબ મુકેશ સાથે નજર મિલાવવાની હિંમત નથી કરી શકતા. ક્યારેય કોઈ શિક્ષકે કોઈ વિધાર્થીની મજાક ઉડાવવી જોઈએ નહીં. કારણકે એ વિધાર્થી મોટો થઈને શું બનશે એ તેમને ખબર નથી હોતી ? કોઈ વિધાર્થી શિક્ષણની બાબતમાં નબળો હોય તો હું એને વિધાર્થીની પોતાની નહીં પણ એના શિક્ષકની નબળાઇ ગણું છુ.

મુકેશને સરકારી નોકરી મળ્યા બાદ તેના પણ લગ્ન થાય છે. પરંતુ મુકેશના લગ્નજીવનમાં કોઈ કારણોસર ભંગાણ પડે છે અને તેઓ બંને પતિપત્ની છુટ્ટા પડે છે. થોડા સમય બાદ જ એકાએક તેનો પહેલો પ્રેમ કુંજબાળા તેનો સંપર્ક કરે છે. મુકેશને કુંજબાળા સાથે ફોન પર વાત કરવાથી ખ્યાલ આવે છે કે, કુંજબાળાના જીવનમાં પણ કેટલાક પ્રોબ્લેમ્સ હોવાથી તેના લગ્ન ઘણા સમય પહેલા જ તૂટી ગયા છે અને કુંજબાળા પોતે પણ પોલીસ ભરતીમાં પાસ થઈને જુનાગઢ ખાતે જ પોલીસ હેડક્વાર્ટરમા ફરજ બજાવે છે. મુકેશ પોતાની જાતને રોકી શકતો નથી અને કુંજબાળાને રૂબરૂ મળવા પોલીસ હેડક્વાર્ટર પહોચે છે. આ વખતે કુંજબાળા મુકેશને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે. બંને પોતાના ઘરમાં વડીલોને વાત કરે છે અને રાજીખુશી બંનેના લગ્ન કરવામાં આવે છે. આજે મુકેશ ખૂબ જ ખુશ છે અને પોતાની ફરજ ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યો છે.

પોતાની સફળતામાં પોતાના પપ્પાનું અને ડો.ચિંતન વૈષ્ણવ એટ્લે કે મારૂ યોગદાન રહેલું હોવાનું મુકેશ જણાવે છે. મુકેશ લાગણીવશ થઈને મને જણાવે છે કે, “તમે ન હોત તો હું આજે પણ મજૂરી જ કરતો હોત.” પણ હકીકતે કોઇની સફળતા પાછળ માત્ર કોઈ એક વ્યક્તિનો હાથ નથી હોતો. હું તો માત્ર નિમિત હતો, બાકી બધી ગોઠવણ ઈશ્વરની હોય છે. જ્યારે કોઈ લક્ષ્યની પ્રાપ્તિ માટે કોઈ વ્યક્તિની અંદરની આગ ભડકે છે ત્યારે ભગવાન એવા સંજોગો ઊભા કરતાં હોય છે કે, આપોઆપ મંજિલ સુધી પહોંચવાનો રસ્તો તૈયાર થવા લાગે છે. એક બૉલીવુડ મુવીનો બહુ સરસ ડાયલોગ છે, “કિસી ચીજ કો અગર સચ્ચે દિલસે ચાહો તો, પૂરી કાયનાત ભી તુમ્હે ઉસસે મિલાને મે લગ જાતી હૈ.”

ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો તે આપણી ઇચ્છાઓ પૂરી કરે જ છે. પરંતુ તેની લીલાઓ આપણે સમજી શકતા નથી હોતા. આ વાર્તા પરથી એટલું ખાસ યાદ રાખવું કે, ઈશ્વર જે કરે છે એ આપણાં સારા માટે જ હોય છે. આપણી ઇચ્છાઓ આપણાં સમયે અને આપણે ઈચ્છીએ એવી રીતે પૂર્ણ થતી હોતી નથી. કેટલીક બાબતો આપણને મોડી સમજાતી હોય છે. આજે મુકેશે તેની ત્રણ બહેનોના લગ્ન પણ કરાવ્યા છે. પોતાની જવાબદારી તેણે બખૂબી નિભાવી છે. આજે પણ મુકેશ યાદ કરે છે કે, તેને અમદાવાદ પરીક્ષા આપવા જવાના પ્રસંગો ઊભા થતાં ત્યારે તેના પિતા કોઈ જાણીતા પાસેથી ઉછીના પૈસા લઈને તેને ટિકિટ કરાવી આપતા.

એક વખત મનોબળ મજબૂત કરીને તમારો ગોલ પ્રાપ્ત કરવા કટિબદ્ધ થઈ જાવ, સફળતા તમને શોધતી આવશે. અભ્યાસની સાથોસાથ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ત્રીજા માળે બેલા ચડાવવાનું મજૂરી કામ કરનાર મુકેશ કે જેને બેલા દીઠ રૂપિયો મજૂરી મળતી હતી, એ અત્યારે પોતાના દમ ઉપર સરકારી નોકરી કરી રહ્યો છે અને ખૂબ સારો પગાર વેતન તરીકે મેળવી રહ્યો છે. એક સમયે મુકેશના પરિવારની સ્થિતિ એવી હતી કે તેઓ દિવાળીમાં ફટાકડા પણ ખરીદી શકતા નહીં અને દશેરામા મીઠાઇ પણ નસીબ થતી નહીં. આજે મુકેશ દરેક તહેવારોમાં ગરીબોની મદદ કરતાં સમયે પોતાના આ જૂના દિવસો યાદ કરે છે. મને ગર્વ છે મારા વિધાર્થી મુકેશ મકવાણા ઉપર.

સમય સમયની વાત છે. આજે તારો તો કાલે મારો. પણ મિત્રો.., સમય આવતો નથી, આપણે લાવવો પડતો હોય છે. એના માટે લાઈફમાં કોઈ લક્ષ્ય હોવું જરૂરી છે. આ લક્ષ્યનો વેધ કરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે. રાત-દિવસ અને સારા-નરસા પ્રસંગો ભૂલી જઈને ફતેહ કરવા માટે પોતાની જાત સાથે પણ યુદ્ધ કરવું પડે છે. જેનો રસ્તો સાચો હોય તેને ગુરુ પણ મળી જતા હોય છે. મકવાણા મુકેશની આ વાર્તા વાંચનાર દરેક પોતાનું લક્ષ્ય પામવા માટે ફાઇટર બનશે એની મને ખાતરી છે.

(ડો.ચિંતન વૈષ્ણવ લિખિત પુસ્તક ‘લક્ષ્યવેધ (ભાગ-1)’ માથી આ સત્યવાર્તા લેવામાં આવેલ છે. હાલ મુકેશ મકવાણા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે ફરજ બજાવે છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ડો.ચિંતન વૈષ્ણવ :: જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત,ભાગ-3

Abhayam

…તો આપણે મળીએ….(વાંચવા જેવો અદભૂત લેખ)

Abhayam

રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના શોખીનો માટે રેડએલર્ટ – ‘આજીનોમોટો’ (ધીમું ઝેર)

Abhayam