દેશમાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ઘણા રાજ્યોએ આ કારણસર મિની લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદ્યા છે. પરંતુ જેમ જેમ સ્થિતિઓ બગડતી જઈ રહી છે તેમ તેમ ફરી એક વાર રાષ્ટ્રીય લોકડાઉન થવાનું જોખમ ઉભું થવા લાગ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ચર્ચા અંગે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે હવે રાજ્યોના હાથમાં છૂટ આપી છે કે તેઓ નિયંત્રણો અંગેના નિર્ણય લે, રાજ્ય સરકારો પોતાના નિર્ણયો લઈ રહી છે.
એક મુલાકાતમાં અમિત શાહે કહ્યું કે, ‘છેલ્લા 3 મહિનાથી અમે રાજ્યો પર પ્રતિબંધો લગાવવાની સત્તા આપી છે, કારણ કે દરેક રાજ્યની પરિસ્થિતિ એક જેવી હોતી નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારોએ તેમના સંજોગો પ્રમાણે નિર્ણય લેવો પડશે.’
ત્યારે હાલમાં ગુજરાતમાં કોરોનાના વધતા કહેરને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ લોકડાઉન લાદીને કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતા છે. આ અંગે ગુજરાત સરકારે સમીક્ષા શરૂ કરી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ, જિલ્લા, શહેરોની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવાની સાથે વેપારી સંગઠનો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે, જેને આધારે કોર કમિટીની સાંજની બેઠકમાં લોકડાઉન અંગેનો આખરી નિર્ણય કરવામાં આવે એવી શક્યતા છે.
દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ વધતા લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉન લાદી કોરોના કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ શકે છે, ગુજરાતમાં લોકડાઉન લાદવા ડૉક્ટરનાં સંગઠનો, વેપારીઓ પણ સરકારને કહી ચૂક્યાં છે, ત્યારે હવે સરકાર લોકડાઉન અંગે ગંભીર બની એ દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વેપાર-ધંધા બંધ
અમદાવાદ શહેરમાં રોજ 3000થી વધુ કેસો આવી રહ્યાં છે ત્યારે હવે લોકડાઉનની માગ લોકોમાં ઊઠી છે. મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓએ પહેલાં હજારોની ભીડ ભેગી કરી હતી અને રેલીઓ કરી હતી; હવે આ જ નેતાઓ અને કોર્પોરેટરો સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓ પાસે જઈ રજૂઆત કરી બંધ રાખવા અપીલ કરી રહ્યા છે. શહેરના સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. જ્યારે વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા કરાઇ જાહેરાત છે.
સુરતમાં સ્વયંભૂ લોકડાઉનની અસર
સુરતમાં રોજના 2000થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે, ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવારના રોજ એમ બે દીવસ મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ બે દિવસ ઘર બહાર ન નીકળવા અપીલ કરી હતી. પરંતુ એની અસર શનિ-રવિ બાદ સોમવારના દિવસે પણ જોવા મળી રહી છે. સુરત શહેરની સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા એવી સ્થિતિમાં દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જેની અસર શહેરભરમાં દેખાઈ રહી છે. શહેરમાં લોકોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, જેથી લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો સ્વીકાર કર્યો હોય એવું લાગી રહ્યું છે.