કોરોના વાયરસના કારણે ધો.10માં માસ પ્રમોશનનો નિર્ણય લીધા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના 6.83 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા (બોર્ડની પરીક્ષા) લેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ તરફથી લેવામાં આવતી ધો. 12ની પરીક્ષા રાબેતા મુજબ તા. 1 જુલાઈથી શરૂ થઈ જશે.
પરીક્ષા વખતે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઈઝર, થર્મલ ગન સહિતના સાધનો રહેશે. ગાઈડલાઈન્સનું પાલન થાય છે કે નહીં એ સુનિશ્ચિત કરાશે. બીજી તરફ કપરા કાળમાં દરેક વિદ્યાર્થીને એના ઘરથી નજીક પરીક્ષાકેન્દ્ર મળી રહે એવું આયોજન કરાયું છે. આ માટે પરીક્ષા કેન્દ્રો વધારવા નિર્ણય કરાયો છે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા હશે અને પરીક્ષા કેન્દ્ર નહીં હોય ત્યાં કેન્દ્ર શરૂ કરવામાં આવશે. બંને પ્રવાહની પરીક્ષામાં ખંડમાં કુલ 20 વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. પરીક્ષા કેન્દ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. જે વિદ્યાર્થીઓ કોરોનાને કારણે કે અનિવાર્ય સંજોગો અનુસાર કસોટી નહીં આપી શકે તો મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા ટાઈમટેબલ અનુસાર નવા પ્રશ્નપેપરના આધારે પરીક્ષા આપી શકશે. ધો.10ના રીપિટર્સ વિદ્યાર્થીઓની પણ આ પ્રમાણે કસોટી લેવાશે.
ગુરૂવારે પહેલું પેપર લેવાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધો. 12ની પરીક્ષા અંગે રાજ્યના મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે. હાલની પદ્ધતિથી જ બોર્ડની પરીક્ષા લેવાશે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. 1 જુલાઈના ગુરૂવારથી શરૂ થશે. જેમાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ આ કસોટી આપશે. 5.43 લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં છે. એટલે કે, આ વખતે બોર્ડની પરીક્ષામાં 6.83 લાખ વિદ્યાર્થીઓ બેસવાના છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની કારકિર્દીના ઘડતર હેતુ આ નિર્ણય મહત્ત્વનો છે. આ સમગ્ર પરીક્ષા કાર્યક્રમ કોવિડ 19ના પ્રોટોકોલ અનુસાર યોજાશે. નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહમાં ભાગ 1માં 50 માર્કના વિકલ્પોવાળા પ્રશ્નો હશે. જ્યારે ભાગ 2માં લેખિત સ્વરૂપની 50 માર્કની ત્રણ કલાકની કસોટી યોજાશે. કુલ 100 માર્કની વર્ણનાત્મક લેખિત રૂપની ત્રણ કલાકની પરીક્ષા યોજાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે