Abhayam News
AbhayamNews

સુરતના તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ પછી પણ આરોપીઓ સામે ચાર્જફ્રેમ થયો નથી…

સુરતના સૌથી ચર્ચાસ્પદ તક્ષશિલા અગ્નિકાંડને આજે બે વર્ષ પૂરા થશે. ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કહ્યું કે, આ કેસની ટ્રાયલ તો ઠીક પણ બે વર્ષ થવા છતા આરોપીઓ સામે ચાર્જફ્રેમ પણ થયો નથી. અત્યાર સુધી આ કેસમાં સંડોવાયેલા 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી 9ને તો જામીન મળી ગયા છે અને તેઓ પોતપોતાની ફરજ પર હાજર થઇ ગયા છે. જ્યારે પાંચ આરોપી હજુ પણ જેલમાં છે. બિલ્ડરોની પત્નીને આરોપી બનાવવી કે નહીં તે અંગે કોર્ટમાં લડત ચાલી રહી છે.

આ તમામ પરીસ્થિતિ વચ્ચે બાળકો ગુમાવનારા વાલીઓ ઘટનાના દિવસે જ્યાં ઉભા હતા આજે પણ ત્યાં જ ઉભા હોવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચાર્જફ્રેમ નહીં થવાના કારણો પણ ગળે ઉતરી શકે તેવા ન‌થી. ચાર્જફ્રેમ નહીં થવા પાછળ કહેવાય છે કે આરોપીઓએ જુદા જુદા તબક્કે કેસમાંથી મુક્ત થવા ડિસ્ચાર્જ અરજી કરી હતી. આ ઉપરાંત કેટલીક વખત તમામ આરોપીઓને એકસાથે કોર્ટમાં હાજર રાખવા માટે પૂરતો પોલીસ જાપ્તો મળ્યો ન હતો અને સૌથી મોટું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો નથી. જોકે આ જ કોરોના કાળ દરમિયાન સેશન્સ કોર્ટમાં તક્ષશિલા સિવાયના અન્ય 20 જેટલા કેસમાં ચાર્જફ્રેમ થયા હતા.

કયા આરોપી જામીન પર મુક્ત

  • અતુલ ગોરસાવાલા
  • હિમાંશુ ગજ્જર
  • પરાગ મુન્શી
  • વિનુ પરમાર
  • દિપક નાયક
  • જીજ્ઞેશ પાઘડાલ
  • કીર્તી મોડ
  • સંજય આચાર્ય
  • જયેશ સોલંકી

જેલમાં બંધ આરોપી

  • ભાર્ગવ બુટાણી
  • રવિ કહાર
  • હરસુખ વેકરિયા
  • દિનેશ વેકરિયા
  • સવજી પાઘડાલ


આરોપીઓ જુદા-જુદા તબક્કે પકડાયા હતા. આથી જેમ પકડાયા તેમ ચાર્જશીટ થઇ. ત્યારબાદ આરોપીઓએ સમગ્ર ગુનામાથી છટકવા માટે ડિસ્ચાર્જ અરજી કરી. આરોપીઓ હાઇકોર્ટ ગયા અને ત્યાં પણ અરજી નામંજૂર થઈ. આ પ્રક્રિયામાં ચાર મહિનાનો સમય વીતી ગયો.

ચાર્જફ્રેમનો સ્ટેજ પુરો થયા પછી સર તપાસ, ઉલટ તપાસનો દૌર શરૂ થશે. જેમાં 226 સાક્ષી ચકાસાશે. ચાર્જફ્રેમની પ્રોસિઝરમાં કોર્ટ આરોપીઓને પુછતી હોય છે કે આ ગુના કબૂલ છે. તો આરોપીઓ ના પાડતા હોય છે પછી જે તે રજિસ્ટરમાં સહિ કરતા હોય છે અને પછી ટ્રાયલ શરૂ થતી હોય છે

એક પણ આરોપી ગેરહાજર રહે તો ચાર્જફ્રેમ અટકી જાય છે. આ કેસમાં એવું ત્રણવાર બન્યુ કે ચાર્જફ્રેમની તમામ તૈયારીઓ થઈ ગઈ. જામીન મુક્ત આરોપી કોર્ટમાં પણ આવ્યા પરંતુ પોલીસ જાપ્તો જ ન મળતા આરોપીઓ લાજપોર સેન્ટ્રલ જેલથી સુરત કોર્ટ સુધી ન આવી શક્યા.

 27મી ફેબ્રુઆરી, 2020ના રોજ આ કેસ નીચલી કોર્ટમાંથી સેશન્સ કમિટ થયો હતો. ત્યારબાદ કોરોનાની સ્થિતિએ ભરડો લીધો હતો અને દિવાળી સુધી કોર્ટ બંધ રહી હતી. તમામ કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ થયું. અને ટુંક જ સમયમાં કોરોનાની બીજી લહેર ઉઠતાં ફરી કોર્ટમાં ઓનલાઇન પ્રોસિઝર થઈ.

અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ જજ રહી ચૂકેલાં નિવૃત્ત જસ્ટીસ ડો. જયોત્સના યાજ્ઞિકના જણાવ્યા અનુસાર ચાર્જફ્રેમ બાકી હોય તો તે હવે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ થઈ શકે છે. જેલમાંથી વીડિયો કોન્ફરન્સ મારફત આરોપીઓ હાજર રહે અને તેમને ચાર્જ સંભળાવી શકાય. અગાઉ બોમ્બ બ્લાસ્ટના કેસમાં આવુ થયુ છે. આ ઉપરાંત જેલમાં પણ એક કોર્ટ ઉભી કરી શકાય અને જે તે જજ ત્યાં જઇને બાકીની પ્રોસિઝર પુરી કરી શકે છે. આ માટે સરકારી વકીલ, ફરિયાદ પક્ષ કે સાક્ષ પણ એક અરજી જે તે કોર્ટમાં આપી શકે છે.


તક્ષશીલા કાંડમાં એક યુવક એવો પણ હતો કે જેણે 15 બાળકોના જીવ બચાવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના વતની ભરતના નાકરાણીએ જણાવ્યું હતું કે મારા દીકરા જતીને એક એંગલને પકડી રાખ્યો હતો. તેના હાથ પર એક યુવતીનો પગ પડતા જતીનના હાથમાંથી એંગલ છુટી ગયો હતો. તેથી તે નીચે પટડકાયો હતો.તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી. સુરત અને અમદાવાદમાં અલગ-અલગ ડોક્ટરો પાસે સારવાર કરાવી છે. અત્યાર સુધી ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.હાલમાં દર મહિને ૫૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ડોક્ટરો આશ્વાસન આપે છે કે જતીન સંપુર્ણ સ્વસ્થ થઈ જશે પરંતુ તે ક્યારે સ્વસ્થ થશે તે બાબતે કાંઈ કહેતા નથી.


તક્ષશીલા અગ્નિકાંડમાં અઢી વર્ષથી માંડી 22 વર્ષના નિર્દોષ કિશોરનો ભોગ મોટા અને ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીથી લેવાયો હતો. ઘટનાના દિવસે સરકાર સંવેદનશિલ બની અને ઘટનામાં સંડોવાયેલા જવાબદારને છોડવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી. અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવ્યા છે. પાલિકાના એક મોટા જવાબદાર અધિકારીની તો માત્ર ટ્રાન્સફર કરાઇ હતી. જેલ ભેગા કરાયેલા અધિકારીઓ ફરજ પર પાછા આવી ગયા છે. અત્યાર સુધી વાલીઓએ સુપ્રિમ કોર્ટમાં 10 વખત, હાઇકોર્ટમાં 100થી વધુ વખત અને સેશન્સ કોર્ટમાં અસંખ્ય વખત ન્યાય માટે ધક્કા ખાધા છે. સરકાર સંવેદનશીલ હોય તો આ કેસમાં હસ્તક્ષેપ કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવે. અમે તો અમારા વ્હાલસોયા કાળજાના કટકા સમાન રત્નોને ખોયા છે, એટલે અમે ન્યાય નહી મળે ત્યાં સુધી લડીશું. તક્ષશીલાની રાખ તો થંડી થઈ ગઈ છે પણ અમારા કલેજાની આગ નથી બુજાય. આનાથી વિશેષ મારે હવે કહેવાનું કાઈ રહેતું નથી. -જયસુખભાઈ ગજેરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

આજે આઇપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી

Vivek Radadiya

ક્રેડિટ કાર્ડનું દેવુ વધી રહ્યું છે? તો અહીં જાણીલો તેનાથી બચવાના ઉપાય

Vivek Radadiya

થર્ટી ફર્સ્ટ પહેલા 45 લાખનો દારુ ભરેલી ટ્રક ઝડપાઈ

Vivek Radadiya