Abhayam News
Dr. Chintan VaishnavEditorials

ડો.ચિંતન વૈષ્ણવ :: સારા અને હોંશિયાર લોકો રાજકારણમાં શા માટે નથી આવતા ?

છેલ્લા લગભગ 2 વર્ષથી ઘણા મિત્રો મને સલાહ આપે છે કે મારે રાજકારણમાં જંપલાવવું જોઈએ. કેટલાકે તો રીતસરનો મારો ઉધડો જ લીધો કે તમને તંત્રને દોષ દેવાનો કોઈ અધિકાર જ નથી કારણકે તમારી જેવા સારા અને હોંશિયાર માણસો રાજકારણમાં આવવા નથી માંગતા તો પછી સુધારો ક્યાથી આવે ? ઘણાએ સોશિયલ મીડિયામાં મને એવી પણ કોમેંટ્સ આપી કે ગંદકીને સાફ કરવા માટે ગંદકીમાં ઊતરવું પડે.

કેટલીક વખત અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે જેમાં તંત્રની નબળાઈ સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગતી હોય છે. ઘણી વખત સરકારો દ્વારા લેવામાં આવતા તદ્દન ખોટા નિર્ણયો ઉપર ખૂબ ગુસ્સો આવતો હોય છે. આવા સંજોગોમાં રાજકારણમાં જંપલાવવાનો અને કઈક નક્કર કામગીરી કરી બતાવવાનો વિચાર થોડીક ક્ષણો માટે હાવી થઈ જતો હોય છે. પરંતુ થોડા સમય બાદ એ તરંગ મગજ પરથી પસાર થઈ જતા અને વાસ્તવિક સ્થિતિ અંગેનો વિચાર આવતા જ રાજકારણમાં જવાનું ભૂત ઉતરી જતું હોય છે. કદાચ આપનામાથી પણ કેટલાય મિત્રોની સાથે આવું થતું હશે.

હવે આપણે ખરેખર એ જાણવાની જરૂર છે કે સારા અને કાબેલ માણસો શા માટે રાજકારણથી દૂર રહે છે ? વર્ષ 1980 માં બિહારના પુર્ણિયા જીલ્લામાં અજિત સરકાર નામના એક સજ્જન અને લોકસેવક વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી. પબ્લિકે એમને ખોબલે ખોબલે મત આપ્યા અને તેઓ આ વિસ્તારમાં સત્તત ચાર વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા. તેમણે ક્યારેય પોતાનો ચુંટણી પ્રચાર કર્યો નથી. તેઓ હંમેશા એવું કહેતા કે આપણે કરેલું કામ જ આપણો ચૂંટણી પ્રચાર છે. આજે તેઓ હયાત નથી પરંતુ આ વિસ્તારના લોકો આજેપણ એમને સન્માનપૂર્વક યાદ કરે છે. 14 જૂન 1998 ના દિવસે અજિત સરકારને ભરબજારમાં કુલ 107 ગોળીઓ મારીને તેમની હત્યા કરવામાં આવી. નવાઇ ત્યાં લાગશે મિત્રો કે અજિત સરકારની હત્યા કરાવનાર અને તેમની સામે 1985 ની ચુંટણી હારી જનાર ત્યાના પૂર્વ સાંસદ પપ્પુ યાદવને 17 વર્ષ સુધી કેસ ચલાવ્યા બાદ હાઈકોર્ટે બાઈજ્જત છોડી મૂક્યો.

અજિત સરકારની ભૂલ માત્ર એટલી હતી કે તેઓ લોકપ્રિય હતા. તેઓ પૈસા બનાવવા નહીં પણ ખરેખર લોકહિતના કાર્યો કરવા માટે જ રાજકારણમાં આવ્યા હતા. ગરીબ લોકોને તેમના હકની જમીનો ભૂમાફિયાઓ પાસેથી પરત અપાવવાનું એમને પરિણામ ભોગવવું પડ્યું હતું. એક શ્રેષ્ઠ લીડર બનીને નિસ્વાર્થભાવે કામ કરી બતાવવાનું એમને આ ફળ મળ્યું હતું. જ્યારે તમે નિષ્ઠાપૂર્વક તમારી ફરજ કે જવાબદારી નિભાવી રહ્યા છો ત્યારે કેટલાય ખોટા માણસોને તમે આંખમાં કણાની જેમ ખૂંચવા લાગો છો એ વાસ્તવિકતા છે. આથી વિરુદ્ધ મધ્યપ્રદેશનો એક કિસ્સો એવો છે કે ત્યાંના એક ધારાસભ્ય ઉપર અલગ અલગ પ્રકારના લગભગ 115 ક્રિમિનલ કેસ દાખલ થયેલા હતા. જાતે દિવસે તેમની ઇમેજ વધારે પડતી ખરાબ હોવાના કારણે રાજકીય પાર્ટીઓ તેમને સીધી રીતે ટિકિટ આપી શકે તેમ ન હોવાથી આગામી ચુંટણીમાં તેમના ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી અને તે વિજેતા પણ થયા. આમ જેની પાછળ એક સમયે પોલીસ હાથ ધોઈને પડી હતી એ વ્યક્તિને ચુંટણી જીત્યા બાદ પોલીસે સુરક્ષા પૂરી પાડવી પડી.

એક સર્વે મુજબ લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલ ઉમેદવારો જે આપણા સાંસદો તરીકે બિરાજમાન છે તે પૈકીનાં લગભગ 35% નેતાઓ ઉપર આપણી કોર્ટોમાં ક્રિમિનલ કેસ ચાલુ છે. દર વર્ષે આ ટકાવારી ઘટવાને બદલે વધી રહી છે. વર્ષ 2004 માં આ ટકાવારી 23% હતી. ગુજરાતની વાત કરીએ તો અહીના કુલ સાંસદ પૈકીનાં લગભગ 25% ઉપર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. ઉકત આંકડાઓ પૈકી મોટાભાગના સાંસદો ઉપર હત્યા, હત્યા કરવાનો પ્રયત્ન, અપહરણ, લૂંટફાટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ભારત દેશના તમામ રાજયોની વિધાનસભાઓની વાત કરીએ તો લગભગ 39% ધારાસભ્યો ઉપર ક્રિમિનલ કેસ શરૂ છે. આમાં લગભગ તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોનો સમાવેશ થઈ જાય છે. એકપણ પાર્ટી બાકાત નથી કે તેણે ક્રિમિનલ વ્યક્તિને ટિકિટ આપી ન હોય. કેટલીક રાજકીય પાર્ટીઓએ તો બળાત્કાર જેવા ગુનામાં ચાર્જશીટ ફ્રેમ થયું હોય તેવા ઉમેદવારને ટિકિટ ફાળવી હોવાના દાખલાઓ છે.

ધારો કે એક ચુંટણીમાં 3 ઉમેદવારો ઊભા છે. જે પૈકી એક સ્વચ્છ ઇમેજ ધરાવતો વ્યક્તિ છે. બીજા ઉપર નાના-મોટા આરોપો છે અને ત્રીજો નામચીન ગુંડો છે… તો આદર્શ રીતે પહેલો ઉમેદવાર કે જેની ઇમેજ એકદમ સ્વચ્છ છે એ ચૂંટાવો જોઈએ. પરંતુ એક રિસર્ચ મુજબ જે ઉમેદવાર ઉપર એકપણ ગુનો નોંધાયેલો ન હોય તેની ચૂંટાવાની શક્યતાઓ માત્ર 7% છે. જેની ઉપર નાનો-મોટો ગુનો નોંધાયેલો હશે તેની જીતવાની શક્યતાઓ 19% છે. જ્યારે જે ઉમેદવાર ઉપર ગંભીર ગુનો નોંધાયેલો છે તેની જીતવાની શક્યતા સૌથી વધારે 25% રહેલી છે. ટૂંકમાં સારા અને હોંશિયાર માણસ કરતાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારની ચુંટણી જીતવાની શકયતા લગભગ ત્રણ ગણી વધારે હોવાનું આ રિસર્ચમાં જાણવા મળ્યું. આ જ કારણે મોટાભાગની રાજકીય પાર્ટીઓ જે-તે વિસ્તારના પૈસાદાર અને બાહુબલી પ્રકારના વ્યકતીને પોતાની પાર્ટીનો ઉમેદવાર બનાવે છે.

મે એવું સંભાળ્યું છે કે આપણે ત્યાં ગુજરાતમાં પણ છેલ્લા થોડા સમયથી ધારાસભ્ય અને સાંસદસભ્ય તરીકે પક્ષમાથી ટિકિટ મળે તે માટેના ખૂબ ઊંચા ભાવ બોલાય છે. ઉમેદવાર બનવા માંગતા વ્યક્તિ પાસે રીતસરનું પાર્ટીફંડ માંગવામાં આવે છે. આ આંકડો હજારો-લાખોમાં નહીં પરંતુ કરોડો રૂપિયામાં હોય છે. ફંડ એ હેતુથી ઉઘરાવવામાં આવે છે કે એ લોકો મતદારોના કિંમતિ મતો મામૂલી કિંમતે ખરીદી શકે. આપણે ત્યાં ચૂંટણીઓમા લગભગ મત‘દાન’ નહીં પણ મત‘વેંચાણ’ ચાલી રહ્યું છે. ગામે-ગામ ઘરે-ઘરે ઓછામાઓછા એક વ્યક્તિને ભાજપે પોતાનો સભ્ય બનાવી દીધેલ છે. આથી પણ સારા માણસને બદલે ભાજપમાથી ઉભેલાને જ ગામલોકોના વધુ મત મળે છે. સરકારના કોઈ નિર્ણયો ખોટા હોય તો એનો વિરોધ પણ એટ્લે જ થતો નથી.

લગભગ મતદારો જાણતા જ હોય છે કે એમના વિસ્તારમાથી ઉમેદવારી કરનાર ફલાણો વ્યક્તિ નાલાયક છે, ગુંડો છે અથવા તો સારો માણસ નથી અથવા તો ખાસ ભણેલ ગણેલ નથી અથવા તો એના કરતાં બીજો ઉમેદવાર વધુ સારો છે. છ્ત્તા પબ્લિક એ ફલાણાભાઈને જ મત આપે છે અને મોટેભાગે એ નાલાયક ઉમેદવાર જ વિજેતા થાય છે. લાયક ઉમેદવારની બિચારાની ડિપોઝીટ પણ જપ્ત થતી હોય છે. આવું બનવા પાછળનું કારણ છે કે આપણે ત્યાં મતદારો વ્યક્તિનું બેકગ્રાઉન્ડ કે એની લાયકાત જોઈને નહીં પણ એની જ્ઞાતિ જોઈને મતનું દાન કરે છે. આપણે ત્યાં ઉમેદવારના કારસ્તાન જોઈને નહીં પણ કેન્દ્ર સરકારમાં રહેલા કોઈ મોટા નેતાની ઊભી કરેલી ભપકાદાર ઇમેજ અને છેતરામણી સ્પીચ સાંભળીને લોકલ નાલાયક ઉમેદવારને મત આપી આવવાની મુર્ખાઈ મતદારો કરી બેસે છે. કેટલાક લોકો એવું માને છે કે બધા જ ઉમેદવારો ચોર છે. તો પછી આપણા વાળાને જ મત અપાય. ક્યારેક આપણને જ કામે લાગશે.

સારો અને હોંશિયાર માણસ હંમેશા પોતાના શોખ ખાતર કે પછી અમુક પરિસ્થિતિને કારણે રાજકારણમાં આવવા પ્રેરાય છે. રાજકારણમાં પ્રવેશવા પાછળનો તેનો હેતુ શુભ હોય છે. જ્યારે મોટાભાગના રાજકારણીઓ પૈસા બનાવવાના હેતુથી કે પછી સત્તા ભોગવવાના હેતુથી કે પછી પેઢી દર પેઢીથી બાપ-દાદાએ સત્તાના જોરે બનાવેલો દબદબો જાળવી રાખવા કે તેમણે ઊભા કરેલા ધંધાઓ સચવાઈ રહે તે હેતુથી રાજકારણમાં આવેલા હોય છે. આવા લાયકાત વગરના બની બેઠેલા નેતાઓ માટે પોતાના અંગત સ્વાર્થથી વિશેષ કઈ હોતું નથી. કોરોના જેવી મહામારીમાં પણ આવા નેતાઓ પોતાના રોટલા શેકવામાં પરોવાયેલા જોવા મળેલ. સારવારના અભાવે લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા હતા, સ્મશાનમાં પણ વેઇટિંગ હતું, ગંગા નદીમાં લાશો તણાઇ આવી એટલા મૃત્યુ થયા પણ આપણા સત્તાલાલચું નેતાઓ પોતાના અંગત ફાયદા માટે લાખો માણસો ભેગા કરીને રેલીઓ અને ભાષણબાજી કરી રહ્યા હતા. લોકો મરે કે જીવે, ભારતની વસ્તી ઓછી થઈ જાય તો એમાં આ જાડી ચામડીના નેતાઓને કઈ ફેર પડે એમ નથી. આ જ તો લક્ષણ છે રાજકીય નેતાઓનું.

હવે વિચારો કે આવા નાલાયક લોકો ક્યારેય પેલા સજ્જન માણસને રાજકારણમાં સ્વીકારશે ? નહીં સ્વીકારે. પરિણામે પક્ષ ગમે તે હોય પણ મેજોરિટી વર્ગ દુર્જન માણસોનો હોવાથી સારો અને હોંશિયાર માણસ એકલો પડી જશે. સામાજિક અને માનસિક રીતે તે મનોચિકિત્સકનો દર્દી બની જશે. કદાચ માની લઈએ કે આવો માણસ કોઈ લોકલ પંચાયત કે પાલિકાની ચુંટણીમાં ચૂંટાઈ ગયો તો પણ તેના જ પક્ષના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેને પસંદ નહીં કરે. કારણકે દરેક વખતે તેની નીતિમત્તા અન્યને નડતરરૂપ થશે. આવો વ્યક્તિ ત્યારે જ સફળ થાય જ્યારે પબ્લિક તેને સપોર્ટ કરે. પરંતુ આપણે ત્યાં લગભગ એવું બનતું નથી. પરિણામે તે એવું વિચારે છે કે હું રાજકારણમાં આવ્યો હતો પ્રજાહિતના કાર્યો કરવા માટે. પણ હવે જ્યારે લોકોને જ કઈ પડી નથી ત્યારે મારે શા માટે કોઇની સાથે અંગત દુશ્મની લેવી ? મારે પૈસા તો કમાવા નથી તો પછી મારે મારા પરિવારને સમય આપવાને બદલે સમાજસેવામાં સમય આપવાની શું જરૂર છે ? હું ભલો અને મારૂ ઘર ભલું, દુનિયા જાય ભાડ માં…

એક સર્વે મુજબ 1970 પછી અપરાધિક બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા લાગ્યા છે. 1970 પહેલા તેઓ કોઈ નેતા માટે બૂથકેપ્ચરિંગ કરવાનું કે લોકોને ડરાવવાનું કે ધમકાવવાનું કામ કરતાં હતા. આવા ગુંડા લોકોની તાકાતને કારણે નેતાજી ચુંટણી જીતવા લાગ્યા અને મોજ કરવા લાગ્યા. ચૂંટણી જીત્યા બાદ તેમાં ખર્ચેલા નાણાં કરતાં અઢળક નાણાં કમાવા લાગ્યા. એ જોઈને ગુંડાઓને થયું કે અમારા દમ ઉપર નેતાજી ચૂંટણી જીતે છે અને જલસા કરે છે તો પછી આપણે પોતે જ શા માટે ઉમેદવાર ન બની જવું જોઈએ ? આમ વિચારીને આગામી ચૂંટણીઓમાં પોતે જ ઉમેદવાર બની ગયા… આમ 1970 પછી અપરાધીઓ, ગુંડાઓ, હત્યારાઓ, ભૂમાફિયાઓ વગેરે ઉમેદવારી કરવા લાગ્યા અને એમની જીતવાની સરેરાશ વધારે આવતી હોવાથી રાજકીય પાર્ટીઓ પણ એમને ટિકિટ આપવા લાગી.

લોકો પોતાનું કામ લઈને સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે. પરંતુ વારંવારના ધક્કાઓ ખાધા બાદ પણ કામ થતું નથી. પોલીસ સ્ટેશનમાં ગયા બાદ અહિયાં ખોટો આવ્યોની લાગણી જન્મે એટલી હદે માણસ હેરાન થાય. ખર્ચાના ખાડામાં ઉતારી જાય. પોતાનું નિયામાનુસારનું કામ કરાવવા માટે પૈસા ખવરાવવા પડે… વગેરે મુસીબતો સામે રજૂઆત કરવા તે પોતાના વિસ્તારના બાહુબલી વ્યક્તિ કે જે રાજકારણમાં પણ જોડાયેલા જ હોય છે એમની પાસે જાય છે અને પોતાના રોદણા રોવે છે. સામેવાળો વ્યક્તિ પોતાના ફાયદા અને નુકસાનની ગણતરી કરીને એકાદ અધિકારીને ફોન કરીને ખીજાય છે અને તે વ્યક્તિનું કામ કરાવી આપે છે. ફરિયાદી માટે એ બાહુબલી વ્યક્તિ મસીહા બની જાય છે અને આગામી ચુંટણીમાં પોતાનો કિંમતિ અને પવિત્ર મત આવા અપવિત્ર માણસને આપી આવે છે. એક નાનકડા કામના બદલામાં તેનો બેશકિંમતિ મત હાંસલ કરીને પછીના 5 વર્ષ તે ભયાનક લૂંટ ચલાવે છે. પણ મતદારને તો માત્ર પોતાનો ટૂંકો ફાયદો જ દેખાય છે. મારી જેવો અધિકારી જે લોકોના કામ ફટાફટ કરી આપે અને લોકો અધિકારીના અને કચેરીના કામથી ખુશ હોય તો એવી પરિસ્થિતી નેતાજીને ગમતી નથી હોતી. કારણકે આવું થવાને કારણે લોકો પોતાની પાસે મદદ માટે આવતા બંધ થઈ જતાં હોય છે. પરિણામે જે-તે અધિકારી પ્રત્યે તે ઓરમાયું વર્તન કરવા લાગે છે અને તેની બદલી કરાવવા માટે તકની રાહ જોવા લાગે છે. તક મળે કે તરત આવા સંનિષ્ઠ અધિકારીની બદલી થઈ જતી હોય છે. અંધભક્તિમાં લીન થયેલી સ્વાર્થી પ્રજા આ બાબતનો વિરોધ કરવાનું ભૂલી ગઈ હોય છે.

લોકો પૈસા લઈને કે ગિફ્ટ લઈને મતદાન કરતાં થઈ ગયા છે. ગામના સરપંચોને પૈસા આપીને મતદારોમાં વહેંચવાની સૂચના આપવામાં આવતી હોય છે. વિવિધ વિસ્તારોના નગરસેવકોની પણ આ મુજબ કરવામાં મદદ લેવામાં આવતી હોય છે. જ્ઞાતિ આગેવાનો કે લીડર લોકોને પણ પૈસા આપીને ખરીદવામાં આવતા હોય છે. દારૂની રેલમછેલ વગર ચુંટણી જીતવી લગભગ અશક્ય હોવાનું તેઓ જણાવે છે. તેઓ જણાવે છે કે ચુંટણીપંચ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિવિધ ટીમો બનાવીને પૈસા અને દારૂની હેરફેર પકડવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે આટલા વર્ષોમાં આજદિન સુધી એકપણ વ્યક્તિ ઉપર કોઈ જ કાર્યવાહી થયેલ નથી. ચુંટણીપંચના એક જાણકાર અધિકારીના કહેવા મુજબ જો તમારે ધારાસભ્ય બનવું હોય તો તમારી પાસે 20 કરોડ રૂપિયા હોવા જોઈએ.

આપણે ત્યાં ગુજરાતની વાત કરીએ તો ઘણાખરા મંત્રીઓ અંગૂઠાછાપ છે. મોટાભાગના ધોરણ 10 સુધી પણ માંડ ભણેલા છે. આપણા મુખ્યપ્રધાનશ્રીને રાષ્ટ્રભાષાના ઉચ્ચારણમાં પણ તકલીફ પડે છે. ત્યારે એવું કેમ ન થાય કે પીએચ.ડી. થયેલો વ્યક્તિ આપણો શિક્ષણપ્રધાન હોય ? એવું કેમ ન થાય કે એલ.એલ.એમ. કરેલ વ્યક્તિ આપણો કાયદામંત્રી હોય ? એવું કેમ ન થાય કે માસ્ટર ઓફ એગ્રીકલ્ચર થયેલો વ્યક્તિ આપણો કૃષિમંત્રી હોય ? એવું કેમ ન થાય કે એમ.બી.એ. કરેલો વ્યક્તિ આપણો ચીફમિનિસ્ટર હોય ? વિચારો કે કોવિડ-19 ની પેન્ડેમિક પરિસ્થિતિમાં કોઈ એમ.ડી. ડોક્ટર આપણા આરોગ્યપ્રધાન તરીકે બિરાજમાન હોત તો આપણને કેટલો ફાયદો થયો હોત ? પણ આપણી પબ્લિકની અણઅવડત કે આપણે આપણા સમાજમાં રહેલા ટેલેન્ટને નેતા તો બનાવવા બહુ દૂરની વાત છે પણ એ લોકો જે પોઝીશનમાં છે ત્યાં પણ આપણે તેમને સાચવી નથી શકતા. ઉદાહરણ છે આર.બી.આઈ. ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન. ઉદાહરણ છે આપણા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ. આપણે ભારત દેશના શ્રેષ્ઠ ઇકોનોમિસ્ટને મૂંગા છે કહીને હોદ્દા પરથી ઉતારી ફેંક્યા અને બહુ બોલનારા (ફેંકનારા) ને આપણા માથે બેસાડી દીધા. હવે આપણે મોંઘવારી વધી ગયાની અને ભારત અન્ય દેશોનું દેવાદાર થઈ ગયાની બૂમો પાડવા લાગ્યા. વિચારો કે આ પરિસ્થિતી માટે જવાબદાર કોણ છે ?

ચુંટણી પ્રચારના મફત ભજીયા ખાઈને, મફતનો દારૂ ઢીચીને કે રોકડા રૂપિયા લઈને પબ્લિકે કરેલ મતદાન ભવિષ્યમાં ખૂબ મોંઘુ સાબિત થાય છે. ઉમેદવાર પણ એવું વિચારે છે કે પબ્લિકે પણ મને રૂપિયા લઈને જ મત આપ્યો છે. તો હવે આપણે પણ પબ્લિકને મૂર્ખ બનાવીને પૈસા બનાવવામા વાંધો નહીં. અને એ નોટ છાપવાનું ચાલુ કરી દે છે. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણને મળેલા હકો માત્ર ભારતીય બંધારણમાં લેખિત સ્વરૂપમાં જ છે. વાસ્તવિક રીતે આપણને કોઈ જ હક પ્રાપ્ત થયેલ નથી. પણ પબ્લિકે એ સમજવું રહ્યું કે સૌથી પ્રાથમિક હક છે મતદાનનો હક. જ્યારે આપણે જ્ઞાતિ જાતિના આધારે કે પૈસા લઈને આપણો પ્રાથમિક હક જ વેંચી દીધો ત્યારે આપણને બંધારણીય મૂળભૂત હકો ક્યાથી ભોગવવા મળે ? આપણે મુખ્યમંત્રીને મોટો માણસ ગણીએ છીએ. પ્રધાનમંત્રીને મહાન ગણવા લાગીએ છીએ. અરે આ બધાને તો આપણે જ ઊભા કર્યા છે. સૌથી મોટી તાકાત છે આપણો મત. પ્રજાતંત્રમાં સૌથી ટોપ ઉપર છે પ્રજા. આપણે તો નેતા અને મંત્રીઓના ખોટા ઊભા કરેલા પ્રભાવ નીચે કચડાઈ ગયા છીએ. અત્યારે અન્યાય વિરુદ્ધમાં લોકો બોલી નથી શકતા એની પાછળનું કારણ પણ આ જ છે કે આપણે જાણીએ છીએ કે આપણે આપણો મત વેંચેલો છે દાન નથી કર્યો. તાકાત સચ્ચાઈ અને ઈમાનદારીમાં હોય છે. અફસોસ કે આપણા પૈકી મોટાભાગના એ સચ્ચાઈ અને ઈમાનદારીથી મતદાન કરતાં નથી. એટ્લે આપણે તંત્રની નબળાઈઓ સામે એકજુથ થઈને લડી શકતા નથી. ભ્રષ્ટ લોકો આપણા હીરો થતાં જાય છે અને ઈમાનદાર માણસોને આપણે મૂર્ખ કહી ધુત્કારીએ છીએ. આવા જ કારણોથી ઈમાનદાર અને કાબેલ માણસો રાજકારણથી દૂર રહેવાનુ પસંદ કરે છે.

ગમે તેવી સરકાર હોય સારી કે ખરાબ, લાંબો સમય એક જ પક્ષ કે એક જ વ્યક્તિના હાથમાં સત્તા આપવી એ મહામૂર્ખાઈ છે. આવું કરવાથી હાલે ઉદભવેલી વિનાશકારી પરિસ્થિતી ઉદભવે છે કે જે લોકશાહી માટે ખૂબ ખતરનાક ગણાય. ચૂંટાયેલા ઉમેદવારોનું ખરીદ-વેંચાણ થવા લાગે અને વિપક્ષ નબળો પડી જાય. મારૂ એવું સ્પષ્ટપણે માનવું છે કે સત્તામાં રહેલો પક્ષ નબળો હશે તો ચાલશે પણ વિપક્ષ મજબૂત હોવો જ જોઈએ. કમનસીબે આપણે ત્યાં વિપક્ષને ગેંગરીન થઈ ગયું છે. જો તંત્રમાં જડમૂળથી ફેરફાર કરવો હશે તો આમ આદમીએ જ સમજવું પડશે. સૌથી પહેલા તો ચૂંટણીના દિવસે દરેકે ફરજિયાત મતદાન કરવા નીકળવું પડશે. એવી રીતે મતદાન કરવું પડશે કે દરેક પક્ષ ઊજળી છબી ધરાવતા અને ભણેલ ગણેલ હોંશિયાર ઉમેદવારને જ ટિકિટ આપતા થાય. જ્ઞાતિ-જાતિના સીમાડાઓ ઓળંગીને વ્યક્તિની આવડત જોઈને મતદાન કરવું જોઇશે. કોઈપણ પક્ષ કે વ્યક્તિ આપણો મત પૈસા કે દારૂથી ખરીદી જવો જોઈએ નહીં. ખાસ તો પક્ષપલટો કરનાર અને વેંચાઈ જનાર નેતાને પ્રજાએ જાકારો આપવાની જરુર છે. જેની પાસે ખૂબ વધારે પૈસા છે એને નહીં પણ જેની પાસે ખૂબ ઉમદા અને પ્રજાલક્ષી વિચારો છે અને જેની પાસે અદમ્ય ઉત્સાહ છે એવા ઉમેદવારને મત આપતા થવું પડશે. ઉપરની વાત જ્યારે દેશનો દરેક મતદાર સમજશે ત્યારે 100% સારા માણસો પણ ચુંટણીમાં જંપલાવશે…. અન્યથા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે – Be Careful ?

Abhayam

ખેડૂતોએ ખાસ જાણવા જેવો કાયદો – ‘મામલતદાર કોર્ટ એક્ટ’

Abhayam

ગીર જંગલના રક્ષકોની દયનીય સ્થિતી…

Abhayam

1 comment

Comments are closed.