Abhayam News
Dr. Chintan VaishnavEditorials

ડો.ચિંતન વૈષ્ણવ :: જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત

આજથી 5 વર્ષ પહેલા હું જ્યારે બાબરા મામલતદાર હતો ત્યારે એક દિવસ મને મહેસાણાથી એક પોલીસ કોન્સ્ટેબલનો ફોન આવ્યો. તેણે મને જણાવ્યુ કે આવતીકાલે સવારે 11 વાગે મારે મહેસાણા કોર્ટમાં હાજર થવાનું છે. મે કહ્યું કે ભાઈ તાત્કાલિક તમે જાણ કરો કે આવતીકાલે આવી જવાનું છે તો એવી રીતે શક્ય નથી. તમારે મને થોડા દિવસો પહેલા જાણ કરવી જોઈએ. મે કહ્યું કે કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલો મને મારા વ્હોટ્સએપ પર. તેણે મને સમન્સ મોકલ્યો. મહેસાણા મામલતદાર ઓફિસમાં સમન્સમાં જણાવેલ કેસ બાબતે તપાસ કરતાં મને જાણવા મળ્યું કે વર્ષ 2012 માં એક લૂંટના ગુનાના કામે મે કરેલી ઓળખ પરેડ બાબતે આક્ષેપિતના વકીલશ્રી મારી ઊલટ તપાસ કરવા માંગતા હતા.

હકીકતે ઓળખપરેડ જેવી બાબતમાં મારે અગાઉ ક્યારેય નામદાર કોર્ટમાં હાજર રહેવાનો આ પ્રકારનો સમન્સ આવેલ ન હતો. હવે સમજી શકાય એવી વાત છે કે નામદાર કોર્ટનો આદેશ હોય હાજર રહેવાનો તો જવું પણ પડે. મે તરત મારા અધિક કલેક્ટર સાહેબશ્રીને મોબાઈલ પર સંપર્ક કરીને સમન્સની જાણ કરી. એમણે મને હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપી દીધી. હકીકતે એ મુદ્દતે મહેસાણા જવાની મારી બિલકુલ ઇચ્છા હતી નહીં. કારણકે મુદ્દતના દિવસે મે મારી ઓફિસમાં કેટલાક લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ મળે એ માટે બોલાવેલા હતા. સાથોસાથ સ્કૂલોમાં પ્રવેશ મેળવવાની સિઝન હતી જેના કારણે આવક, જાતિ, ક્રીમીલેયર વગેરે દાખલાઓ પણ પુષ્કળ પ્રમાણમા દરરોજ સહી કરવાના આવતા હતા. મારી પધ્ધતિ એવી હતી કે મે જનસેવા કેન્દ્રમાં સ્પષ્ટ સૂચના જ આપેલ કે રોજનું કામ આપણે રોજ પૂરું કરીને જ ઘેરે જવાનું કે, જેથી કરીને છોકરાઓનો સમય બગડે નહીં.

મે મારા ડ્રાઈવર સાહેબને બોલાવ્યા અને કહ્યું કે ચલો ભઇ તૈયાર થઈ જાવ આપણે વહેલી સવારે 5 વાગે મહેસાણા જવા નીકળવું પડશે. અડધી રાત્રે ઊઠીને વહેલી સવારે અમે બંને મારી પર્સનલ જિપમાં મહેસાણા જવા નીકળ્યા. 11:30 કલાકે અમે મહેસાણા કોર્ટમાં પહોચ્યા અને તરત જ સરકારી વકીલને મળીને જે-તે જજ સાહેબની કોર્ટમાં જઈને સૌથી પહેલા તો હાજરી પુરાવી દીધી. હું કોર્ટમાં બેઠો બેઠો મારો વારો આવે એની રાહ જોવા લાગ્યો. બપોરના 1:30 થવા આવ્યા છ્ત્તા મારો વારો આવ્યો નહીં એટ્લે સરકારી વકીલને મે કહ્યું કે સાહેબને વિનંતી કરો. મારો વારો પહેલા લઈ લે તો હું જલ્દીથી બાબરા ભેગો થાવ. સવારના વહેલા નીકળ્યા છીએ. રાત્રે મોડા પહોંચશુ તો મારો બીજો દિવસ પણ બગડશે. મારી ગણતરી હતી કે આવક, જાતિના દાખલાઓ પણ જો હું વહેલો પહોંચી જાવ તો રાત્રે જ સહી કરી નાંખવા છે કે જેથી કરીને અરજદારોનો સમય બગડે નહીં. સરકારી વકીલ આ સાંભળીને મારી સામું ટગર ટગર જોવા લાગ્યા. મને કહે નામદાર કોર્ટને વારો વહેલો લઈ લ્યો એમ ન કહેવાય. તમે રાહ જુઓ. હમણા વારો આવશે. ધીરજ રાખો.

હું ધીરજ રાખીને બેઠો. રિસેસ પડી. પુષ્કળ કંટાળો આવતો હતો નવરા બેઠા બેઠા. સામે પક્ષે બાબરામા મારા અરજદારો પણ મારી રાહ જોઈને બિચારા ધક્કા ખાઈને પરત જતાં રહ્યા. કચેરીમાં હું હાજર હતો નહીં એટલે સ્ટાફ પણ સ્વતંત્ર થઈ જાય અને રિસેસ પહેલા જતો રહે અને રિસેસ પછી આરામ કરીને નિરાંતે ઓફિસે આવે. સામાન્ય રીતે મોટા ભાગની સરકારી કચેરીઓમાં બપોરે 2 કલાક કાગડા જ ઉડતા હોય છે. રિસેસ પછી ફરીથી કોર્ટ શરૂ થઈ અને જજ સાહેબ પોતાની રાજગાદી પર બિરાજમાન થયા. એક પછી એક કેસ ફરીથી સાંભળવાના શરૂ થયા. હવે 4 વાગી ગયા હતા છ્ત્તા મારો હજુ સુધી વારો આવ્યો નહીં. એટ્લે મે સરકારી વકીલને બાજુ પર રાખીને જજ સાહેબની બાજુમાં બેઠેલા બોર્ડ ક્લાર્કને વાત કરીને વારો લેવા વિનંતી કરી. કારણકે જો હવે વારો ન આવે તો કોર્ટ બીજી મુદ્દત આપે. બીજી મુદ્દત વખતે ફરીથી ધક્કો થાય અને મારી ગેરહાજરીના કારણે મારા બાબરાના અરજદારોના કામ પણ બગડે.

બોર્ડ ક્લાર્ક સારા માણસ હતા. એમણે તરત જ જજ સાહેબને કહીને મારો વારો લેવરાવ્યો. મને કટઘરામાં ઊભો રાખ્યો અને લૂંટના આરોપીના વકીલશ્રી ઊભા થઈને મારી પાસે આવ્યા અને મારા પર પ્રશ્નોનો મારો ચલાવ્યો. વર્ષ 2012 ની ફલાણી તારીખે તમે ક્યાં હતા? પોલીસ ઇન્સ્પેક્ટરે તમને આરોપીની ઓળખ પહેલેથી જ આપી હતી, બોલો હા કે ના? ઓળખ પરેડ કરતાં સમયે ચેમ્બરની બારી ખુલ્લી હતી, બોલો હા કે ના? ઓળખ પરેડમાં બોલાવેલા અન્ય ઇસમો પોલીસ સ્ટાફ જ પોતાની સાથે લાવેલ હતા. બોલો હા કે ના? એ સાચું છે કે ઓળખ પરેડ કરતાં સમયે ચેમ્બરમાં પી.એસ.આઈ. પોતે હાજર હતા? વગેરે….મે કહ્યું અરે વકીલ સાહેબ, આ 2016 નું વર્ષ શરૂ છે. 4 દિવસ પહેલા કયા કલરનો શર્ટ પહેર્યો હતો એ પણ આપણને યાદ નથી હોતું, તો પછી 4 વર્ષ પહેલા કરેલી ઓળખ પરેડ થોડી યાદ હોય? 4 વર્ષ પહેલા ઓળખ પરેડના દિવસે બારી ખુલ્લી હતી કે નહીં એ મને આજે થોડી યાદ હોય? આવા સવાલોથી મને થોડું હસવું પણ આવી ગયું, પરંતુ હું કંટ્રોલ કરી ગયો એટ્લે નામદાર કોર્ટની મર્યાદા સચવાઈ ગઈ.

જ્યારે બીજો કોઈ પુખ્ત પુરાવો ન હોય ત્યારે એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ ઓળખ પરેડ જ એકમાત્ર પુરાવો હોય છે આરોપીને સજા અપાવવા માટે. હકીકતે આરોપીના વકીલશ્રી એવું સાબિત કરવા માંગતા હતા કે મેજિસ્ટ્રેટ તરીકે મે ઓળખ પરેડ બરોબર કરી ન હોવાથી ખોટો વ્યક્તિ આરોપમાં ફસાયો છે. મારી ઊલટ તપાસ પૂરી થઈ અને હું તરત બાબરા જવા રવાના થયો. જતાં જતાં રસ્તામાં મને ઘણા વિચારો આવ્યા. સૌથી પહેલા તો મે એકથી વધારે ઓળખ પરેડ કરેલી હોવાથી મને ભવિષ્યમાં પણ અન્ય જિલ્લાઓમાં ઊલટ તપાસના નામે ધરમ ધક્કાઓ થવાની ચિંતા થવા લાગી. મને લાગ્યું કે લૂંટના એક આરોપી કે જેને ભોગ બનનારે તરત જ ઓળખી બતાવેલ, એવા આરોપીને બચાવવા માટે એક કાળો કોટ માત્ર પોતાની ફી કમાવા માટે ખોટી દલીલો અને ખોટી પ્રશ્નોત્તરી કરવા તેમજ ચેમ્બરની બારી ખુલ્લી હતી કે નહીં એવું જાણવા તાલુકાનાં સૌથી વ્યસ્ત અને જેની તાલુકામાં ગેરહાજરીને કારણે અસંખ્ય લોકોના કામ સમયસર ન થઈ શકે એવા મામલતદાર અને એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીને આટલે દૂરથી કોર્ટમાં બોલાવે એ કેટલે અંશે વ્યાજબી ગણાય? જે અધિકારીએ જે-તે વખતે જ આખી ઓળખ પરેડ જ્યારે કાગળ ઉપર વ્યવસ્થિત લખીને સહી સિક્કા કરીને પંચોની સહી સાથે વર્ષ 2012 માં જ કોર્ટમાં જમા કરાવી આપેલ હોય, તેને છેક 5 થી 6 કલાકનું અંતર કાપીને આખો દિવસ કોર્ટમાં હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવું પડે એ કેટલું વ્યાજબી ગણાય?

અધિકારીને કોર્ટ કચેરીની મુદ્દતે હાજર રહેવા માટે આપવામાં આવતા ટી.એ. અને ડી.એ. કરતાં અનેક ગણું ડીઝલ વપરાતું હોય છે. પોતાના ખર્ચે અને જોખમે તેમણે કોર્ટમાં હાજર રહેવું પડતું હોય છે. મુદ્દતે સામેવાળો વકીલ કે જજ સાહેબ હાજર ન હોય તો બીજી મુદ્દતે ફરીથી ધક્કો ખાવો પડે છે. પોલીસમાં ફરજ બજાવનારને તો હાલતા ને ચાલતા ફરિયાદો દાખલ કરવાની ફરજ પડતી હોય છે. એમણે તો વારંવાર વિવિધ જિલ્લાઓમાં ધક્કા ખાવાના પ્રસંગો બનતા હોય છે. ભ્રષ્ટાચાર વધવા પાછળનું એક કારણ આ પણ છે કે આવી મુદ્દતોમાં હાજર રહેવા માટે થતો ખર્ચો જે-તે અધિકારીને પગાર ઉપરાંતની આવકના માધ્યમથી સરભર કરવાની ફરજ પડતી હોય છે. ખરેખર રૂઢિગત ચાલી આવતી આવી પધ્ધતિઓમાં કઈક ફેરફાર કરવાની ખૂબ જરૂર છે. આખા ગુજરાતમાં આવા અસંખ્ય અધિકારીઓનાં અગત્યના સરકારી કલાકો કોર્ટમાં ધક્કા ખાવામાં બગડી રહ્યા છે. જેના પરિણામે અસંખ્ય માનવ કલાકો બગડી રહી છે. પુષ્કળ પ્રમાણમાં ઊર્જાના પુનઃઅપ્રાપ્ય સ્ત્રોતો પેટ્રોલ અને ડીઝલનો વ્યય થઈ રહ્યો છે. સરકારી કચેરીઓમાં કામની પેનડેન્સી વધવા પાછળનું એક કારણ આ પણ છે. મજબૂરી એ છે એ નામદાર કોર્ટને આ બાબતે કોઈ સામેચાલીને સૂચન કરવા માંગતુ નથી. પરંતુ હું પૂરા આદર અને સન્માન સાથે જ્યુડિશિયલ ડિપાર્ટમેંટને આ લેખના મધ્યમથી ઉક્ત બાબતે યોગ્ય પ્રણાલી ઘડી કાઢવા અપીલ કરું છું. (વધુ આવતા અંકે…)

ઉકત વિષય બાબતે આપના અનુભવો અને વિચારો મને નીચે WhatsApp માં જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વૃક્ષોની આવી હાલત જોઈને મને જે પીડા થઈ રહી છે એ પીડા બીજા કેટલાક લોકોને પણ અનુભવાશે જ. ~ વિરલ દેસાઈ

Abhayam

અત્યારે જો હું ભારત દેશનો પ્રધાનમંત્રી હોઉ તો…

Abhayam

વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ 

Vivek Radadiya

62 comments

Comments are closed.