Abhayam News
Dr. Chintan VaishnavEditorials

જમીન માપણી અને રી-સર્વે અંગે સરળ સમજૂતી

છેલ્લા ઘણા સમયથી ખેડૂત વર્ગને એક પ્રશ્ન ખૂબ સતાવી રહ્યો છે. એ છે જમીન માપણી અને રી-સર્વે. ઘણા મિત્રોને આ રી-સર્વે શું છે? શા માટે કેટલાયના ખેતરનું ક્ષેત્રફળ ઓછું થઈ ગયું? શા માટે ખેતરના નક્શાઓ ફરી ગયા? વગેરે… જેવા પ્રશ્નો સતાવી રહ્યા છે. રી-સર્વે તેમજ ખેતીની જમીનની માપણી બાબતે કેટલીક આપ સૌએ જાણવા જેવી જરૂરી માહિતી ખૂબ સરળ ભાષામાં અહી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

? જમીન દફ્તર ખાતાનો ઇતિહાસ:-
◆ આપણો દેશ ખેત આધારિત દેશ છે. આથી સ્વાભાવિક છે કે, રાજ્યનો વહીવટ ચલાવવા માટે વેરાઓની જરૂરિયાત રહે.
◆ જમીનમાથી મળતી ઊપજનો કેટલોક હિસ્સો, રાજ્ય વેરા તરીકે વસૂલ કરવામાં આવતું.
◆ બાદશાહ અકબરના જમાનામા તેમના પ્રધાન ટોડરમલે માપણીની શરૂવાત કરેલ અને સૌ પ્રથમ વખત ક્ષેત્રફળ આધારે કર વસૂલવાની શરૂઆત થઈ.
◆ જમીન દફ્તર ખાતાની શરૂઆત ઇ.સ.1884 માં બ્રિટિશ સરકાર વખતે મુંબઈ રાજ્ય વખતે થઈ.
◆ મહેસૂલી અધિકારી એફ.જી.એચ.એન્ડરસન, મી.પ્રિગલે અને કેપ્ટન વીંગેટે શંકુ અને સાંકળ જેવા સાધનોની મદદથી માપણીની શરૂઆત કરીને ક્ષેત્રફળ નક્કી કર્યું.
◆ એકમ અને આકાર નક્કી થયા એટ્લે જમીનનું ક્ષેત્રફળ અને ફળદ્રુપતાને આધારે મહેસૂલ નક્કી કરાયું.

? જિલ્લા જમીન દફ્તર કચેરીની કામગીરી:-
◆ દરેક પ્રકારના સર્વે કરાવવા અને નીચેના સ્ટાફનો ટેસ્ટ લેવો.
◆ સર્વે થઈ આવ્યેથી દુરસ્તી કરાવવી અને રેકર્ડ અધ્યતન રાખવું.
◆ કેજેપી મંજૂર કરાવી ગામે અમલ થવા મોકલવા.
◆ ગામે કમિજાસ્તી પત્રકોનો અમલ થવા મોકલવા.
◆ સર્વે દરમિયાન અરજદારોને અસંતોષ થયો હોય તો તેના પર નિમતાણો લેવો.
◆તલાટી/સર્કલ ઈન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલી હદનિશાનની કામગીરીની સમીક્ષા કરવી.
◆ સમયાંતરે તાલુકાનાં રેકર્ડની તપાસણી કરવી.
◆ કચેરીના, પોતહિસ્સા, રી-સર્વે તથા ગામઠાણ મહેકમમાં થતી કામગીરી પર દેખરેખ રાખવી.
◆ સરકારી જમીનોનો અનધિકૃત ઉપયોગ થતો અટકાવવો.
◆ સર્વેયરો નિયત દૈનિક ધોરણ મુજબની કામગીરી કરે છે તે તપાસવી.

? માપણીના હેતુઓ:-
◆ માપણી કરવાના મુખ્ય 3 હેતુઓ હોય છે.
(1) નાણાકીય હેતુ – ક્ષેત્રફળ આધારે વિવિધ પ્રકારના વેરાઓ નક્કી કરી, વેરાઓ ઉઘરાવી સુવિધાઓ વધારવી.
(2) વહીવટી હેતુ:- ઔધોગીકરણ, રસ્તા કે નહેરો બનાવવા, જંગલો વધારવા વગેરે… તેમજ સરકારી પડતર જમીન કે ગૌચર જમીનોમાં થતાં દબાણો અટકાવવા.
(3) કાયદાકીય હેતુ:- નકશા તથા રેકર્ડ ઓફ રાઇટ(હક્ક પત્રક) તૈયાર થતાં હોવાથી લોકોનું જમીન પરના પોતાના મિલકતના હકોનું કાયદાકીય રક્ષણ મળે છે. એક ખેતરમાથી બીજા ખેતરમાં આવવા જવાનો હક્ક વગેરે.

? માપણી ક્યારે ક્યારે કરવામાં આવે છે?:-
◆ જ્યારે કોઈ ખેતરની હદ નક્કી કરવાની જરૂર પડે.
જ્યારે ભાઈઓ વચ્ચે કે કુટુંબીજનો વચ્ચે હિસ્સા કરવાના હોય.
◆ કલેક્ટર કે સરકારના કોઈ હુકમથી જમીન ગ્રાન્ટ કરવામાં આવેલ હોય. સાંથણી કરવામાં આવેલ હોય કે સરકારી જમીન કોઈ હેતુ માટે નીમ કરવામાં આવેલ હોય.
◆ હેતુફેર કે બિનખેતી ને મંજૂરી મળી હોય ત્યારે.
જ્યારે કોઈ સરકારી જમીન પૈકી કેટલીક જગ્યા લિઝ પર આપવામાં આવે ત્યારે.
◆ જમીન સંપાદન થાય ત્યારે તથા એકત્રીકરણ મંજૂર થતાં.
◆ ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલીકરણ વખતે તથા પ્રાદેશિક ફેરફાર.
◆ કોર્ટ કમિશન દ્વારા કોઈ કેસમાં સૂચના આપવામાં આવતા.
◆ આ સિવાય પૈકી માપણી, કબ્જા માપણી, પ્લોટ માપણી વગેરે…

? માપણીના પ્રકરણોમાં જોડવાના જરૂરી દસ્તાવેજો:-
◆ અરજદારની અરજીની સાથોસાથ ગામ નમૂના નંબર 7,12 તથા 8(અ), માપણી ફી ભર્યા અંગેનું અસલ ચલણ, માપણી શીટ, કબ્જા પાવતી, હિસ્સા ફોર્મ નંબર-4, રોજકામ, આધાર લીધેલ રેકર્ડ ઉતારાની નકલ/ટ્રેસિંગ.

? એકત્રીકરણ એટ્લે શું?:-
◆ ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972 ના નિયમ 11 અન્વયે જો કોઈ જમીન ધારણ કરનાર એકથી વધુ સર્વે નંબરો કે પેટા વિભાગ એકબીજાની પાસપાસે અડકીને ધારણ કરતો હોય અને તે આવી જમીનો એકત્ર કરતાં ઇચ્છે તો મામલતદાર કચેરીમાં અરજી કરી શકે છે. જો આવી જમીનો લગોલગ આવેલ હોય, એક જ માલિકના નામે હોય અને એકજ સત્તા પ્રકારની જમીનો હોય તો મામલતદાર આવી અરજીને મંજૂરી આપશે.
◆ આવી જમીનો વચ્ચેના શેઢા દૂર કરવામાં આવશે. એકત્ર કરેલા તમામ સર્વે નંબરો પૈકી જે સૌથી નાનો સર્વે નંબર હશે તે નંબરથી એકત્ર થયેલ જમીન ઓળખાશે. સક્ષમ અધિકારીના એકત્રીકરણના હુકમ સાથે ઉપરના મુદ્દામાં જણાવેલા જરૂરી કાગળો જોડી અરજી કરવાથી જમીન માપણી કચેરી દ્વારા માપણી કરવામાં અને રેકર્ડ દુરસ્તી કરવામાં આવશે.

? સર્વે અને રી-સર્વે:-
◆ સ્થળ અથવા જમીન પરની વિગતોને નકશા પર લેવી અથવા નકશા પરની વિગતોને સ્થળ અથવા જમીન પર નિરૂપણ કરવું એટ્લે સર્વેક્ષણ કરવું.
◆ ઇ.સ.1886 થી 1920 દરમિયાન અંગ્રેજો અને રાજવીઓ દ્વારા જમીનોની મોજણી કરાવી અસલ જમીન રેકર્ડ તૈયાર કરવામાં આવેલ હતું.
◆ આ સરવેનો મુખ્ય હેતુ જમીનના જે તે કબજેદાર પાસેથી જમીનના ક્ષેત્રફળ મુજબ મહેસૂલ વસૂલ કરવાનો હતો.
◆ મૂળ સર્વે પછી જમીનોની પુનઃ સર્વે કરી નવેસરથી જમીન રેકર્ડ તૈયાર કરવામાં આવે તેને રી-સર્વે કહેવાય છે.
◆ જમીન મહેસૂલ અધિનિયમ ની કલમ 106 અન્વયે સરકારની મંજૂરી મેળવવા મામલતદારે જરૂરી દરખાસ્ત સંબંધિત જિલ્લા સર્વે સુપ્રિટેન્ડંટ, જમીન રેકર્ડ મારફતે સેટલમેન્ટ કમિશ્નર અને જમીન રેકર્ડ નિયામકને રજૂ કર્યેથી તેમના દ્વારા સરકારને દરખાસ્ત કરવાથી રી-સર્વેની મંજૂરી મળે છે.

? રી-સર્વે શા માટે જરૂરી છે?
◆ રસ્તા/નહેર માટે જમીન સંપાદન.
◆ વહેંચણી-હિસ્સા પાડવા.
◆ જમીન સાંથણીના કિસ્સામાં બાકી માપણી.
◆ કબ્જા હેઠળની જમીનમાં જે તે કબજેદાર દ્વારા જાણે અજાણે ફેરફાર કે દબાણ.
◆ મૂળ સર્વે શંકુ-સાંકળ જેવા જૂના માપણીના સાધનોથી થયેલ હોય માપણીમાં માનવ સહજ ક્ષતિઓ હતી અને માપણી પછી આખરી કરાયેલ ક્ષેત્રફળમાં બાંધછોડ પણ કરવામાં આવેલ હોવાના કારણે રેકર્ડ એકદમ ચોક્કસ નથી.
◆ મૂળ રેકર્ડમાં અને નકશામાં સ્થળ સ્થિતિમાં ફેરફાર હોવાના કારણે.
◆ વિકાસના કામો માટે પણ અધ્યતન જમીન દફ્તર અનિવાર્ય છે.

? રી-સર્વે ક્યારે કરવામાં આવે છે?
◆ જ્યારે જમીન રેકર્ડ અને તેની સ્થળ સ્થિતિમાં 25% કરતાં વધારે ફેરફાર હોય.
◆ 25% કરતાં વધુ રેકર્ડ નાશ પામેલ હોય કે બરડ થયેલ હોય.
◆ કાયદામાં આ સર્વેની ખાતરી 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે હોવાથી પ્રત્યેક 30 વર્ષ પછી સામાન્ય રીતે રી-સર્વે કરી નવું રેકર્ડ બનાવવું જરૂરી છે.

? રી-સર્વેની વિવિધ પદ્ધતિઓ:-
◆ શંકુ અને સાંકળ સર્વે પદ્ધતિ
◆ પ્લેન ટેબલ સર્વે પદ્ધતિ
◆ ટોટલ સ્ટેશન સર્વે પદ્ધતિ
◆ ડી.જી.પી.એસ. સર્વે પદ્ધતિ (હાલમાં આ લેટેસ્ટ પદ્ધતિથી સર્વે કરવામાં આવે છે.)

? રી-સર્વે કરવાની વિધિઓ:-
◆ રી-સર્વેની કામગીરી શરૂ કરતાં પહેલા સંબંધિત મામલતદારે જે-તે ગામોમાં માપણી સમયે હાજર રહેવાની તથા મજૂરો પૂરા પાડવાની ખેડૂતોને જાણ કરતી નોટિસ જમીન મહેસૂલ અધિનિયમની કલમ 96 અને 97 અન્વયે પ્રસિદ્ધ કરવાની રહે છે.
◆ આ નોટિસની એક નકલ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી તેમજ ગ્રામપંચાયત ના નોટિસબોર્ડ પર લગાવવી જોઈએ અને નોટિસ પ્રસિદ્ધ કર્યા બદલની ખરાઇ કર્યાના રિપોર્ટ મેળવવા જોઈએ.
◆ પ્રમોલગેશન થયા બાદ જો કોઈપણ પ્રકારના વાંધા હોય તો જમીન મહેસૂલ અધિનિયમની કલમ 203 હેઠળ અપીલ કરવાની જોગવાઈ હોય છે પરંતુ એક પરિપત્ર આધારે નિયત નમુનામાં વાંધા અપીલ અરજી જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરને કરવાની છે. જેમાં તમારી દ્રષ્ટિએ થયેલી ભૂલો દર્શાવવાની હોય છે.

જમીન માપણી અને રી-સર્વે કામગીરી, સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામક ના વડપણ હેઠળ કરવામાં આવતી હોય છે. મહેસૂલ ખાતાની ભૂમિકા સુપરવિઝન કરવાની હોય છે. રી-સર્વે દરમિયાન દરેક ખેતરની માપણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે અને ઓનલાઈન પણ મૂકવામાં આવે છે. જ્યારે ખેડૂતો પોતાની જમીનની અલગથી માપણી ફી ભરીને પણ માપણી કરાવી શકે છે પરંતુ આના માટે એમને વિવિધ કામગીરી માટે હેક્ટર દીઠ નિયત કરેલ ફી ભરવાની રહે છે.

Related posts

ડો.ચિંતન વૈષ્ણવ :: જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત

Abhayam

વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ 

Vivek Radadiya

દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે – Be Careful ?

Abhayam