ગુજરાતના તમામ મહાનગરોની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ગાંધીનગર પાલિકાની ચૂંટણીના પડઘમ હવે વાગી ચૂક્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પણ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જોકે ગાંધીનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રિકોણીયો જંગ જામશે. જેમાં ભાજપને પાલિકામાં સત્તા મળશે કે કેમ તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
ભલે કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં રાજધાની દિલ્હીમાં ભાજપનું શાસન નથી તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર હોવા છતાં ગાંધીનગરમાં ભાજપનું શાસન આવશે કે કેમ તેને લઈને ઘણી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. તેની પાછળ કારણ છે કે, ગાંધીનગરમાં મોટાભાગે શિક્ષિત વર્ગ રહે છે. જે નેતાઓની લોભામણી જાહેરાતોથી લલચાય એમ નથી. બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ જે ખુમારી બતાવી છે અને ભાજપને બેકફૂટ પર લાવી દીધી છે તે જોતા એવું લાગે છે કે ગાંધીનગર ના લોકો આમ આદમી પાર્ટીને પણ એક તક આપી શકે છે.
સુરત મહાનગરપાલિકાના ગઇકાલના ઓનલાઇન બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો દ્વારા ભાજપ શાસિત પાલિકાના 300 કરોડના કૌભાંડ ના આક્ષેપ થયા તે જોતા એવું લાગે છે કે સુરતના પડઘા ગાંધીનગરમાં પણ પડી શકે છે. જોકે સુરતમાં 27 કોર્પોરેટરો એ કરેલી ધારદાર રજૂઆતો ને લઈને ભાજપના શાસકોએ ન ઇચ્છવા છતાં પણ લોકોને મિલકતવેરામાં રાહત આપવી પડી હતી. સી આર પાટીલે પણ ક્રેડીટ આમ આદમી પાર્ટી ન લઇ જાય તે માટે લેટર લખીને પોતાની પ્રસીધીધી મેળળવા પ્રયાસ કર્યો હતો. ટૂંકમાં ભાજપ બેકફૂટ પર આવી ગયું ત્યારે આમ આદમી પાર્ટી ના નગરસેવકોની કામગીરી ઉપસીને સપાટી પર આવી છે અને લોકોને આકર્ષી રહી છે ત્યારે ગાંધીનગર ની ચૂંટણીમાં હવે કોણ બાજી મારશે તે જોવું રહ્યું!
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. તેને લઈને સોશિયલ મીડિયામાં આકરા પ્રહારો કર્યા હતા. ઈટાલિયાએ લખ્યું કે ‘ સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ સભામાં ભાજપનો 300 કરોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને સી.આર.પાટીલના ઈશારે આવી રીતે ટીંગાટોળી કરીને, ઢસડીને, બહેનોને મારીને બહાર કાઢવામાં આવ્યા.’
જોકે, આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના રાજકીય આક્ષેપો અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ રાજકીય આક્ષેપોને બાદ કરતા પોલીસે મહિલાઓ સાથે જે વર્તન કર્યુ તે સુરત શહેરપોલીસની ગરીમાને છાજે તેવું નહોતું. નગરસેવિકાઓને પોલીસે ચારેકોરથી ઘેરી લીધી હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
1 comment
Comments are closed.