Abhayam News
AbhayamSocial Activity

સુરત:-માનવતા હજુ મરી પરવારી નથી:-વાંચો સમગ્ર અહેવાલ તમે પણ ચોકી જશો..

સુરતનો અંકિત પડશાલા જ્યારે ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું. નાના ભાઈ બહેન સહિતના પરિવારની જવાબદારી આ ૧૭ વર્ષના છોકરા પર આવી. અંકિતના પિતા મહિને ૪૦૦૦ જેવું કમાતા એટલે બચત તો નહોતી ઉલટાનું એક વર્ષનું મકાન ભાડું પણ ભરવાનું બાકી હતું. અંકિતે હિમત હાર્યા વગર ઘરની જવાબદારીઓ સંભાળી લીધી અને પરિવારના ગુજરાન માટે અભ્યાસની સાથે સાથે સુરતના જુદા જુદા વિસ્તારોમાં ૮-૧૦ જગ્યાએ સાયકલ પર જઈને ટ્યુશન આપવાનું ચાલુ કર્યું.

આ વર્ષે આ છોકરાએ ભારતની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરી. ઇન્ટરવ્યુની તૈયારી માટે એ દિલ્હી હતો ત્યારે અહી સુરતમાં મમ્મી અને નાના ભાઈને કોરોના થયો એટલે અંકિત સુરત પરત આવી ગયો. થોડા દિવસમાં બહેન અને પોતાના સહીત આખો પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયો. ઘરે જ સારવાર લઈને બધા સાજા થયા.

એકદિવસ અંકિત એના પિતરાઈ ભાઈના ગોડાઉન પર ગયો હતો. સુરતના વેલંજા વિસ્તારમાં આવેલા ગોડાઉન પરથી પરત આવતી વખતે ગોડાઉનની સામેની જ દુકાનને જ ઘર બનાવીને રહેતા લગભગ ૪૫ વર્ષના એક ભાઈને ધ્રુજતા જોયા. અંકિત એની પાસે ગયો અને પૂછપરછ કરી એટલે ખબર પડી કે એ ભાઈ વોચમેન તરીકે કામ કરે છે એમના પત્ની સાથે ભાડાની દુકાનમાં જ રહે છે. કોરોનાના કારણે પત્નીને વતનમાં મોકલી આપેલા એટલે એ ભાઈ એકલા જ રહેતા હતા. બે દિવસથી તાવ જેવું હતું પરંતુ આજે ટાઢ પણ ચડી હતી એટલે ધ્રુજતા હતા.

અંકિતને સમજાય ગયું કે આ કોરોનાના જ લક્ષણો છે. જેની સાથે કોઈ જ પરિચય નહોતો એવા એ ભાઈને અંકિત પોતાના વાહનમાં બેસાડીને નજીકમાં કતારગામની એક હોસ્પિટલમાં લઇ ગયો. બધા ટેસ્ટ થયા તો ખબર પડી કે એ ભાઈ પોઝીટીવ છે. બીજી કોઈ તકલીફ નહોતી એટલે જરૂરી દવાઓ લઈને અંકિત એ ભાઈને એના રૂમ પર મૂકી આવ્યો અને પોતાના ઘરેથી જમવાનું ટીફીન પણ પહોંચાડી દીધું. બીજા દિવસે પણ ટિફિન લઈને એ ભાઈને જમાડવા માટે ગયો. કઈ દવા ક્યારે લેવાની એ બધું સમજાવ્યું. એ ભાઈને બહુ ખબર નહોતી પડતી એટલે જુદા જુદા સમયની દવાઓ અલગ પાડીને જુદા જુદા ખાનાઓમાં મૂકી અને ક્યાં સમયે ક્યાં ખાનામાંથી દવા લેવાની એ સમજાવ્યું.

અંકિત જ્યારે એ ભાઈ માટે ટીફીન લઈને જાય ત્યારે પોતાની સાથે ઓકસીમીટર પણ લઇ જાય અને એમનું ઓક્સિજન પણ ચેક કરે. બે દિવસ પછી ઓક્સિજન લેવલ ઘટવા માંડયું એટલે અંકિત એ ભાઈને લઈને સુરતના સેવા ગ્રુપ દ્વારા ચાલતા આઇસોલેશન સેન્ટર પર પહોંચ્યો અને ત્યાં દાખલ કર્યા. દર્દીને કંઈ થાય તો સંપર્ક કરવા માટે રીલેટિવનાં નંબર લખાવવાના હતા. અંકિતે કહ્યું, ‘અત્યારે તો હું જ એનો રીલેટિવ છું. મારા નંબર લખી લો.’

એકદિવસ રાત્રે અંકિતના મોબાઈલ પર કોલ આવ્યો કે તમારા સંબંધીની હાલત ખરાબ છે તમે તાત્કાલિક આવી જાવ. અંકિત અડધી રાતે અઈસોલેશન સેન્ટર પર પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો ભાઈની તબિયત વધુ ખરાબ હતી એટલે એની તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવા પડે તેમ હતા. અંકિતે એમના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને એ ભાઈને લઈને એક ખાનગી હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલ વાળાએ ડીપોઝીટ જમા કરાવવાનું કહ્યું એટલે અંકિતે તુરત જ પોતાનું ક્રેડીટ કાર્ડ સ્વેપ કરાવીને ડીપોઝીટ જમા કરાવી.

જેની સાથે આંખની પણ ઓળખાણ ન હતી એવા માણસને બચાવવા માટે અંકિત બધું જ કરવા તૈયાર હતો. ડોકટરે કહ્યું કે કદાચ આ ભાઈને વેન્ટીલેટર પર લેવા પડશે એટલે એની તૈયારી રાખજો. અંકિતે વિચાર્યું કે વેન્ટીલેટરનો ખર્ચ તો હું નહિ ઉપાડી શકું એટલે આ કાકાને વેન્ટીલેટરની જરૂર જ ન પડે એવી કસરત કરાવું. અંકિત ૨૪ કલાકમાંથી ૨૧ કલાક એ હોસ્પિટલમાં જ રહેતો અને કસરત કરાવતો માત્ર ન્હાવા માટે અને ફ્રેશ થવા માટે ૩ કલાક ઘરે જતો. માનવીય હુંફ અને સારવારને લીધે એ ભાઈની તબિયત સુધારવા માંડી. હવે આઇસોલેશન સેન્ટરમાં રહીને પણ સારવાર થઇ શકશે એવું લાગતા હોસ્પિટલમાંથી રજા લીધી.

હોસ્પિટલ મેનેજમેન્ટે ૧,૪૧,૮૨૦નું બિલ આપ્યું. અંકિતની આ બિલ ભરવાની કોઈ હેસિયત જ નહોતી એટલે એની બીજા લોકોનો સંપર્ક કરીને પોતે ભરેલી ડીપોઝીટ સહીત ૧ લાખ જેવી વ્યવસ્થા કરી દીધી. આ ભાઈ એના કોઈ સગા નથી પરંતુ માત્ર માનવતાના નાતે મારાથી જે મદદ થાય એ મેં કરી છે એવી વાત હોસ્પિટલને સમજાવવાનો પ્રયાસ કર્યો તો હોસ્પિટલે કહ્યું કે બિલ તો પૂરે પૂરું ભરવું જ પડશે. જે વ્યવસ્થા કરવી હોય એ કરો, જરૂર પડે તો તમારી મિલકત વેંચો પણ બિલ નહિ ભરો ત્યાં સુધી દર્દીને રજા નહિ મળે. અંકિતે ભરતભાઈ માંગુકિયા નામના સેવાભાવી યુવાનનો સંપર્ક કર્યો અને એમણે મદદ કરી એનાથી હોસ્પિટલનું પૂરે પૂરું બિલ પણ ભરી આપ્યું.

અત્યારે એ ભાઈની તબિયત એકદમ સારી છે અને આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે. એમના પત્નીને પણ ગામડેથી બોલાવી લીધા જેથી એમને ટેકો રહે.

જેની સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નથી એવા અજાણ્યા માણસ માટે સંતાનથી પણ વિશેષ સેવા કરનાર અંકિત પડશાલાને નતમસ્તક વંદન. આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે અંકિત યુપીએસસીનાં ઈન્ટરવ્યુમાં પાસ થઇ જાય કારણ કે વહીવટીતંત્રને આવા સંવેદનશીલ અધિકારીઓની બહુ જરૂર છે.

શૈલેશ સગપરીયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ઓટોમેશનની દુનિયામાં USની નવી સફળતા:હેલિકોપ્ટર પાયલોટ વિના ઉડ્યું…

Abhayam

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં લાગુ થયું 7 દિવસનું લોકડાઉન….

Abhayam

સુરત ભાજપના ધારાસભ્યે કોવિડ ગાઇડલાઇનના ધાજગરા.

Abhayam