કોરોના વાયરસના કહેરથી સુરતમાં ફક્ત માણસો જ નહીં પણ માનવતા પણ મરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ થોડા સમય પહેલા જ સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સામે આવી છે.
કોરોના વચ્ચે અવાર-નવાર સુરત ન્યુ સિવિલ હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બનતી રહે રહે છે. ત્યારે ફરીએક વખત શરમજનક ઘટના સામે આવી છે. સુરતમાં એક એવો ચોર પકડાયો છે જે પહેલા નવી સિવિલમાં પીપીઈ કીટની ચોરી કરે અને પછી તે પીપીઈ કીટ પહેરીને કોવિડ-19 માટેની કિડની હોસ્પિટલમાં જઈ પેશન્ટની નજર ચુકવી મોબાઇલની ચોરી કરે છે. આ ચોરનો પોલીસે ભાંડો ફોડી નાખ્યો હતો.
ખટોદરા પોલીસે મોબાઇલ ચોર તેજસ ઉર્ફે તેજુ રાજેન્દ્ર રાઠોડ (19)(રહે. રવિનગર સો.સા., પાંડેસરા)ની ધરપકડ કરી છે. ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડી પકડી પડ્યો છે. પોલીસને તપાસ દરમ્યાન તેજુ રાજેન્દ્ર રાઠોડ પાસેથી ચોરીના 5 મોબાઇલ મળી કુલ 21,500ના મુદ્દામાલ કબજે કર્યા હતા. આ ચોર બે મહિના પહેલા નવી સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે કામ કરતો હતો. જેથી તેને તમામ ગતિવિધિઓની ખબર હતી. અગાઉ તે પાંડેસરા પોલીસમાં પણ મોબાઇલ ચોરીમાં પકડાયો હતો.
ચોરીની સમગ્ર ઘટના થઈ સીસી ટીવી માં કેદ થઇ છે. હાલમાં આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાઈરલ થઇ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં તે એક પેશન્ટનો મોબાઇલ ચોરી કરી પીપીઈ કીટની ચેઇન ખોલી ખિસ્સામાં મુકતો દેખાય છે. ખટોદરા પોલીસે સ્ટાફની પૂછપરછ કરતા તેમાં નવી સિવિલના સ્ટાફના ભૂતકાળના રેકોર્ડમાં રીઢાચોરનું નામ સામે આવ્યું હતું.