શેરબજારમાં ઓચિંતાનો કડાકો શેરબજારમાં બુધવારે ભારે ઉથલપાથલ જોવા મળી છે. લીલા નિશાન પર કારોબાર સાથે માર્કેટમાં બંને ઈન્ડેક્સ રોકેટ ગતિથી ઝડપ વધારી અને Sensex-Nifty નવા શિખરે પહોંચી ગયા. પરંતુ છેલ્લા કારોબારમાં બજાર ધરાશાયી થતાં સેન્સેક્સ ઊંધા માથે લગભગ 700થી વધુ પોઈન્ટ પછડાયું છે. આ સાથે કારોબારમાં હાઈ લેવલથી 1 હજાર અંકનો ધબકડો થયો છે. આ સાથે નિફ્ટી50 પણ 200 અંક તૂટીને કારોબાર નીચે પટકાયો છે.
સેન્સેક્સમાં 700 પોઈન્ટનો મોટો ઘટાડો
શેરબજારના આ કારોબારમાં બપોરે 2.40 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 749.45 પોઈન્ટ્સ અથવા 1.05 ટકાના ઘટાડા સાથે 70,678.29 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 210.80 પોઈન્ટ અથવા 1.13 ટકાના ઘટાડા સાથે 21,210.80ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
દિવસભરના હાઈલેવલથી 1000 પોઈન્ટ નીચે સરક્યો
શેરબજારમાં ઉછાળા વચ્ચે સેન્સેક્સે શરૂઆતના વેપારમાં લગભગ 450 પોઈન્ટ્સનો ઉછાળો નોંધાવતા 71,913 પોઈન્ટના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો અને હાલમાં તેની ઊંચાઈએથી 1000 પોઈન્ટ્સથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીની પણ આવી જ સ્થિતિ હતી અને બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં તે 52 સપ્તાહના ઊંચા સ્તરે કારોબર કરતાં 21,593ના સ્તરે પહોંચી ગયો હતો. એ પછી નિફ્ટી-50 તેના દિવસના ઉચ્ચ સ્તરથી 370 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
BSE પર 30માંથી 29 શેર લાલ નિશાનમાં કારોબાર
સમાચાર લખાય છે ત્યાં સુધી BSEના 30માંથી 29 શેર લાલ નિશાન પર પહોંચી ગયા હતા, જ્યારે માત્ર એક શેર (HDFC બેન્ક શેર) માં થોડો વધારો જોવા મળી રહ્યો હતો. શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા વચ્ચે NTPCનો શેર 2.92 ટકા ઘટીને રૂ. 300.75, HCLTECHનો શેર 2.97 ટકા ઘટીને રૂ. 1443.90, M&Mનો શેર 3.20 ટકા ઘટીને રૂ. 1645.50, TAMOTORSનો શેર 3.26 ટકા ઘટીને રૂ. 705.45 થયો હતો, જ્યારે ટાટા સ્ટીલનો શેર 3.40 ટકા ઘટીને રૂ. 130.80 પર આવી ગયો હતો.