દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કામાં ગુરુવારે ૧૧ જિલ્લામાં ૫૮ બેઠકો પર ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું, જે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ૩.૩૩ ટકા ઓછું હતું.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ૨૦૧૭માં પહેલા તબક્કામાં ૬૩.૫ ટકા મતદાન થયું હતું. દરમિયાન લોકોને મતદાનની અપીલ કરનારા સપાના સાથી પક્ષ અને રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી પોતે મતદાન કરી શક્યા નહોતા. તેમનું મતદાન ક્ષેત્ર મથુરા હતું, જ્યારે તેઓ બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ગુરુવારે પહેલા તબક્કામાં ૬૦.૧૭ ટકા મતદાન થયું હતું. કોરોના પ્રોટોકોલના કારણે મતદાન માટે એક કલાકનો સમય લંબાવાયો હતો, જે સાંજે છ વાગ્યો પૂરો થયો હતો. મુઝફ્ફરનગર, હાપુડ, મથુરા, આગરા સહિત અનેક મતદાન કેન્દ્રો પર સવારથી જ લોકોની ભીડ જોવા મળી હતી. આ વિસ્તાર ગયા વર્ષે ખેડૂત આંદોલનનો ગઢ હતો.
ઉત્તર પ્રદેશના ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો ઉપર ૬૨૩ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૭૩ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં યોગી સરકારના મંત્રી શ્રીકાંત શર્મા, સુરેશ રાણા, સંદીપ સિંહ, કપિલ દેવ અગ્રવાલ, અતુલ ગર્ગ અને ચૌધરી લક્ષ્મી નારાયણનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે.
અધિક ચૂંટણી અધિકારી બી.ડી. રામ તિવારીએ જણાવ્યું કે, કેટલીક જગ્યાએ ઈવીએમમાં ટેકનિકલ ખામીના અહેવાલો સામે આવ્યા હતા. બીજીબાજુ સમાજવાદી પક્ષે અનેક મતદાન કેન્દ્રમો પર ગડબડનો આક્ષેપ કર્યો હતો.
સપાના ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે ગરીબ મતદારને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા દેવાયો નહોતો.
આગરામાં એક વૃદ્ધ સાઈકલને મત આપવા માગતા હતા, પરંતુ ચૂંટણી કર્મચારીઓએ કમળ પર મત નંખાવી દીધો. સપાએ અનેક બૂથો પર ગડબડની ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
ઉત્તર પ્રદેશની ૫૮ બેઠકોમાં ગુરુવારે સૌથી વધુ શામલીમાં ૬૯.૪૨ ટકા મતાદન અને સૌથી ઓછું ગાઝિયાબાદમાં ૫૪.૭૭ ટકા મતદાન થયું હતું.
દરમિયાન ચૂંટણી પંચે મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે.
નવા કાર્યક્રમ મુજબ મણિપુરમાં હવે પહેલા તબક્કામાં ૨૮મી ફેબુ્રઆરીએ અને બીજા તબક્કામાં ૫મી માર્ચે મતદાન થશે. અગાઉ ચૂંટણી પંચે પહેલા તબક્કા માટે ૨૭મી ફેબુ્રઆરી અને બીજા તબક્કા માટે ૩જી માર્ચની તારીખ નિશ્ચિત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…