ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે સતત દમ તોડી રહ્યા છે, તો બીજી તરફ મુંબઈના મલાડમાં રહેનાર શાહનવાઝ શેખ લોકોનો મસીહા બન્યો છે. ઓક્સિજન મેન તરીકે ફેમસ થઇ ગયેલ શાહનવાઝ એક ફોન કોલ પર દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. લોકોને તકલીફ ન પડે તે માટે તેણે એક વૉર રૂમ પણ તૈયાર કર્યો છે.
શહનવાઝે લોકોની મદદ કરવા માટે થોડા દિવસ પહેલા પોતાની 22 લાખ રૂપિયાની કાર વેચી છે. પોતાની ફોર્ડ એંડેવરને વેચી દીધા પછી મળેલા રૂપિયાથી શાહનવાઝે 160 ઓક્સિજન સિલિન્ડર ખરીદીને જરૂરિયતમંદો સુધી પહોંચાડ્યા છે. શાહનવાઝે જણાવ્યું કે, ગયા વર્ષે લોકોની મદદ દરમિયાન અમારા પૈસા ખતમ થઇ ગયા, ત્યાર પછી મેં મારી કારને વેચવાનો નિર્ણય કર્યો.
પ્રેરણા ક્યાંથી મળી
શાહનવાઝ શેખે જણાવ્યું કે, સંક્રમણ કાળની શરૂઆતમાં એટલે કે ગયા વર્ષે તેના એક મિત્રની પત્નીએ ઓક્સિજનની અછતના કારણે રિક્શામાં જ દમ તોડ્યો હતો. ત્યાર પછી તેણે નિર્ણય કર્યો કે તે હવે મુંબઈમાં દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાઇનું કામ કરશે. લોકો સુધી સમય પર મદદ પહોંચાડવા માટે શાહનવાઝે એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યો છે અને એક વૉર રૂમ સ્થાપિત કર્યો છે.
પહેલા 50 અને હવે 600 જેટલા કોલ આવે છે
શાહનવાઝ જણાવે છે કે, આ વખતે પહેલાની સરખામણીમાં સ્થિતિ વધુ ગંભીર છે. જાન્યુઆરીમાં જ્યાં ઓક્સિજન માટે 50 ફોન આવતા હતા, તે આજની તારીખમાં 500 થી 600 કોલ પ્રતિ દિન થઇ ગયા છે. સ્થિતિ એવી બની છે કે હવે માત્ર અમે 10 થી 20 ટકા લોકો સુધી જ મદદ પહોંચાડી શકીએ છીએ.
આ રીતે ઘરે સુધી પહોંચાડે છે સિલિન્ડર
શાહનવાઝે જણાવ્યું કે, તેની પાસે હાલમાં 200 ઓક્સિજનના ડ્યૂરા સિલિન્ડર છે. જેમાંથી 40 ભાડેના છે. ફોન કરનારા જરૂરતિયામંદોને પહેલા તે પોતાને ત્યાં બોલાવીને ઓક્સિજન લઇ જવા કહે છે અને જે સક્ષમ હોતાં નથી તેને ઘર સુધી સિલિન્ડર પહોંચાડે છે.
4000થી વધુ લોકોની મદદ કરી ચૂક્યો છે
શાહનવાઝની ટીમના લોકો દર્દીઓને તેના ઉપયોગની રીત સમજાવે છે. સિલિન્ડરનો ઉપયોગ કર્યા પછી મોટાભાગના દર્દીના પરિજનો શાહનવાઝના વૉર રૂમ સુધી ખાલી સિલિન્ડર પહોંચાડી દે છે. શાહનવાઝ અનુસાર, તે ગયા વર્ષથી અત્યાર સુધીમાં 4000થી વધારે લોકોની મદદ કરી ચૂક્યો છે.