Abhayam News
AbhayamInspirational

ઈતિહાસ :: ગામડાની એક સવાર

વહેલી પરોઢે હાથથી દળવાની ઘંટીઓનો લયબદ્ધ અવાજ અને એ સંગીતથી મઢાતો.

દળવા બેઠેલી બહેનોના કંઠમાંથી પ્રવાહિત થતો સુર વાતાવરણને અનેરી તાજગી બક્ષી રહ્યો હતો. કેટલાંક ઘરોમાં વલોણાની છાશના છમકારાના તાલબદ્ધ લયને વલોણું વલોવતાં પતિ-પત્ની વલોણાનું નેતરૂં ખેંચી રેલાવતાં હોય,

ઊંડા કૂવેથી ઘસાએલી ધરી પર ઊંજણ વગર કરડાકીભરી સાસુની વહુને કડવી કચકચ કરે, એમ બેસૂરા – ક્યારેક તીખા સુરે ગરગડી પોતાને રિધમમાં ગોઠવવાનો પ્રયત્ન કરતી હોય,

પરોઢની ઝાકળથી ઠુંઠવાતું અને પનિહારીઓના પગરવ તેમજ બોલચાલથી જાગેલું શેરીના નાકે ચોકીદારની અદાથી ટુંટિયું વાળીને માટીની ઉર્જાથી પોતાના શરીરને સંકોરતું એકાદ કૂતરૂં વારે વારે ધીમું ભસતું હોય,

સાંતી જોડી ખેતરે જતા ખેડૂતના બળદને થતા ડચકારા સાંતી જોડેલા કિચુડિયાના કિચુડાટમાં તાલ પુરાવતા હોય,

મેઘરવો (ઝાકળ) વરસવાથી જમીન પર ઉપસી આવેલો ક્ષાર અને પરોઢની આ ચહલપહલથી પાદરની સળવળતી રજોટીની સોડમ જેણે માણી હોય, એ જ જીવનની ધન્યતા!

ગામડાંની સવાર વહેલી ઊગે છે. સવાર ઊગે તે પહેલાં તકાજો કરીને ખેડૂતપતિને ખેતરે જવા ક્યારેક પ્રોત્સાહિત ને ક્યારેક મજબૂર કરતી ખેડુતપત્નીની ચણભણ ઊગતી સવારની નિરવતાને ઝાટકી નાખતી હોય તેમ ગામની પરવાળે વાડામાં ગાયો દોહતા રબારીઓના વાસણમાં થતા,

મંદિરની આરતીમાં કાંસાની પ્લેટ પર લાકડાની હથોડીથી નીકળતા લયની જેમ ‘ચૈળ ચૂ… ચૈળ ચૂ…’ ના નાદને છેદતા હોય, એને ગાયના વાછરડાનો ભાંભરવાનો અવાજ કર્ણરમ્ય બનાવી દે છે!

સમય અને પાણીને અભાવે ચાર દિવસ નાહ્યા વગરનાં કામગરાં લોકોના પરસેવાથી ભીંજાએલાં શરીર અને કપડાંની ગંધ જ્યારે ગ્રામ્ય વાતાવરણમાં ભળે છે,

એ હવાપાણીથી પાકેલાં ધાનના રોટલાની મીઠાશ તો જેનાં તન-મન પ્રસ્વેદબિંદુથી તરબતર થયાં હોય, વરસાદ ગયા પછી ખીચાખીચ દાણાથી ભરાએલા ડુંડાવાળા માથાઢંક બાજરાનો વાઢ પડ્યો હોય, ચારે બાજુથી પવનની લહેરખી રોકાઈ ગઈ હોય ને માથે ભાદરવાનો તડકો વરસતો હોય,

એક હાથમાં દાતરડું ને બીજા હાથે પરસેવાના રેલાને આડી હથેળીએ કપાળ પરથી લૂછતા પસીનાદારને એનાં મોલ અને સ્વાદ હોય, બાકી આપણે તો આ વાંચતાં વાંચતાં એ સમયની કલ્પના જ કરવાની!

ગામડાંમાં સવાર વહેલી ઊગે છે, તેમ સાંજ મોડી આથમે છે! આખો દિવસ આવા વાતાવરણમાં કામ કરી દિવસ આથમ્યે માથા પર બે મણ ઘાસની ગાંસડી લઈ ઘરે આવતી સ્ત્રીઓના પગમાં અનેરૂં જોમ ઉભરાઈ આવે છે!

ઉગમણે સુરજ રતુંબડો થઈને દેખા દે, એ સમયે માથે શિરામણને કાખમાં દાતરડું ને ઘાસ બાંધવાનું ચારીયું લઈ પોતાના છ-આઠ માસના નાનકાને પટાવી-ફોસલાવી નીકળેલી એક માની મમતા જાગે છે,

એ માથે ઘાસની ગાંસડીનું વજન હોવા છતાં ઉતાવળે ડગલાં ભરતી ઘરે પહોંચી એક ખૂણામાં માથા પરની ગાંસડી પછાડી માને જોઈ સામે ભાંખોડીયે પડી આવવા મથતા નાનકાને તેડી લઈ વહાલથી નવડાવી નાખે છે.

આવી રોજ નવી સવાર ઊગે છે ને સાંજ મોડી આથમે છે.

Related posts

797 કરોડની આ મહત્વપૂર્ણ યોજનાને CM આપી મંજૂરી, જાણો કોને મળશે લાભ..

Abhayam

સુરત :- ભાજપના કોર્પોરેટરના ભત્રીજાના લગ્ન રાત્રી કર્ફ્યૂમાં પછી થયું કે …..

Abhayam

સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam

70 comments

Comments are closed.