Abhayam News
EditorialsInspirational

વૃક્ષોની આવી હાલત જોઈને મને જે પીડા થઈ રહી છે એ પીડા બીજા કેટલાક લોકોને પણ અનુભવાશે જ. ~ વિરલ દેસાઈ

આ લખું છું ત્યારે મનમાં માત્ર વ્યથા જ છે. બીજુ કશું જ નથી. કારણ કે આવું પણ થઈ શકે એ વિચાર મને હજુ વાસ્તવ નથી લાગતો. બરાબર આજના જ દિવસે એક વર્ષ પહેલાં મેં અર્બન ફોરેસ્ટનું મારું સ્વપ્ન સાકાર કર્યું હતું. અને આજે એક વર્ષ પછી ફોરેસ્ટની આ સ્થિતિ છે. અને એ બધામાં વચ્ચેના અગિયાર મહિનાઓમાં જીવબળાપા અને ઝીભાજોડી કરીને વૃક્ષોને સાચવેલા, અત્યંત કાળજીથી ઉધેરેલા, તેમની માવજત માટે અથાક પ્રયત્નો કરેલા અને પોતાના સંતાનના ભવિષ્યના સપનાં જોતા હોય એમ આ વૃક્ષોના મંગળ ભવિષ્યની મનગમતી કલ્પનાઓ કરેલી… એ બધુંય આગમાં હોમાઈ ગયું!

આગને કારણે મોટાભાગના વૃક્ષોને ઝાળ લાગી થઈ હતી. આગ તો ખબર નહીં કેવી રીતે લાગી. પરંતુ મને સવાલ એ થાય છે કે આગ લાગી પછી ઘણા વધુ સમય માટે આગ રહી શું કામ? શું કામ વધુ વૃક્ષો હોમાય એ પહેલાં કોઈ દોડી નહીં ગયું ? આ કંઈ દાવાનળ તો નહોતોને?

અરે, પાછલા મહિનાઓમાં કાયાપલટ થઈ ગઈ હતી આ વિસ્તારમાં. એ વૃક્ષો એટલા બધા ઝડપથી વધી રહ્યા હતા કે ન પૂછો વાત. એ મોટા થતા વૃક્ષોની સાથે જ અનેક પક્ષીઓ પણ ત્યાં આવવા માંડ્યા હતા અને પતંગિયાઓએ પણ ત્યાં આશિયાનો બનાવ્યા હતા. એ વૃક્ષોને કોઈની નજર જ લાગી ગઈ હતી એવું મને લાગે છે, નહીંતર આવું મજાનું ઉપવન કંઈ આમ ઉજ્જડ થાય?

બીજું બધું તો ઠીક આ અર્બન ફોરેસ્ટનું નામ શહીદ સ્મૃતિવન રખાયું હતું. શું આ જ આપણો દેશપ્રેમ છે? કે આપણા દેશના શહીદોને અર્પણ કરાયેલા દેશના પહેલા પ્રાકૃતિક સ્મારકને પણ બળવા દીધું? આનો અર્થ તો એ થયો કે આપણો દેશપ્રેમ પણ માત્ર રાષ્ટ્રગીત ગાવા અને ઝંડા લહેરાવવા પૂરતો જ સીમિત છે.

આ અર્બન ફોરેસ્ટને તૈયાર કર્યા પછી હું તો રહી રહીને હરખાતો હતો કે મારા શહેરની આવનારી પેઢીઓને સ્વસ્થ વાતાવરણ મળશે! પરંતુ મારો એ હરખ પણ આગમાં બળી ગયો!
અત્યંત હેલ્પલેસ ફીલ કરું છું હું. સંતાનની જેમ ઉધેર્યા હતા એ વૃક્ષોને. પોતાના જ સંતાનની આ હાલત થાય ત્યારે પીડા ન થાય તો બીજું શું થાય? મને વ્યથા એ વાતની પણ થાય છે કે આપણી પ્રજાકીય નિસબત ક્યારે કેળવાશે? ક્યારે આપણે પ્રકૃતિનું મરણિયા થઈને જતન કરીશું અને પ્રકૃતિ જતન આપણી પ્રાથમિકતા બનશે?
પણ આશા છે જ કે આ વૃક્ષોની આવી હાલત જોઈને મને જે પીડા થઈ રહી છે એ પીડા બીજા કેટલાક લોકોને પણ અનુભવાશે જ. હશે જ એવા તો થોડા જેઓ પણ વ્યથિત થઈ જશે આ દૃશ્યો જોઈને

Related posts

ગીર ગાય ફક્ત ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે

Vivek Radadiya

નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવું છે તેમના માટે મહત્વની નોટિસ

Vivek Radadiya

એલોન મસ્કે પોતાના પુત્રનું નામ ભારતીય શા માટે રાખ્યુ ?

Vivek Radadiya