- રસીના બંને ડોઝ મુકાવનાર પરિવારના 2020- 21 હિસાબી વર્ષના અંતે તમામ વેરા માફ ,મકાન, લાઈટ, પાણી અને સફાઈ વેરો માફ
- બીમાર લોકોને ઘરે ટિફિન પહોચાડાય છે અને વડીલોને ખરીદી માટે બહાર જવા ગાડી અપાય છે.
વિશ્વભરમાં કોરોના સામે વેક્સિન સુરક્ષા આપી રહી છે. તેવા સંજોગોમાં વિદેશમાં વેક્સિન મુકવા લાભ આપવા સમાચાર આવ્યા છે. ગુજરાતના કચ્છના નાનકડા ગામ મોટા આંગિયાએ અનોખી પહેલ કરી છે. ગામમાં જે પરિવાર આખોય વેક્સીન મુકાવશે તેને વેરામાંથી માફી આપવામાં આવશે, અને આ નિર્ણયને પગલે બાજુના ગામ પણ આ દિશામાં પ્રોત્સાહન આપવા વિચારી રહ્યા છે.
પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલા મોટા આંગિયા ગામે કોરોના સંક્રમણને અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા વેરા માફીના પગલાં લઈ સમગ્ર રાજ્યમાં ગામે એક નવો રાહ ચીંધ્યો છે. રાજ્યની ગ્રામ પંચાયતને કોરોના અટકાવ માટે “મારુ ગામ કોરોના મુક્ત ગામ” બનાવવાના પ્રયાસના ભાગરુપે કચ્છના નખત્રાણા તાલુકાના મોટા આંગિયા ગામે નિર્ણય જાહેર કર્યો હતો. અંદાજિત 1500ની વસ્તી ધરાવતા આ ગામની પંચાયત દ્વારા જે પરિવાર કોવેકસીન રસીના બંને ડોઝ મુકાવશે, તે પરિવાર માટે વર્ષ 2020- 21 હિસાબી વર્ષના અંતે તમામ વેરા માફ કરવામાં આવશે. જેના કારણે ગામમાં રસીકરણના કાર્યમાં તેજી આવી ગઈ છે.
મોટા આંગિયા ગામના યુવા સરપંચ ઈકબાલભાઈ ઘાંચીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રસીકરણના પ્રોત્સાહન માટે અમે વેરા માફીનો નિર્ણય જાહેર કર્યો છે. વેરા માફી સિવાય ગામના લોકોને કોરોના કે અન્ય બીમારીના સામાન્ય લક્ષણો પણ જણાય તો તેના ઉકેલ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. તેમજ કોરોના દર્દી, પરિવાર અને બીમાર વ્યક્તિને ઘેર બેઠા જમવાનું મળી રહે તે માટે ટિફિન વ્યવસ્થા પણ ઉભી કરી છે. આ કારણથી ગામમાં કોરોના બીમારીનું પ્રમાણ ઓછું છે. સાથે કોરોના ગાઈડલાઈન ચુસ્તપણે પાલન પણ સારી રીતે થઈ રહ્યું છે.
વેરા માફીથી પંચાયતને કેટલુ નુકસાન જશે ? તેના પ્રત્યુત્તરમાં ઈકબાલભાઈએ કહ્યું કે વાસ્તવમાં આ ફાયદાની વાત છે. જેટલા લોકો રસી લેશે, એટલા ઓછા બીમાર પડશે. બાકી પંચાયતે વિકાસ કાર્યના ફંડમાંથી બચેલી રકમનું સ્વભંડોળ ફંડ રાખેલું છે. તેના દ્વારા ગામના વિકાસ કાર્યો થઈ રહ્યા છે. અને આગામી સમયમાં પણ થતા રહેશે. તેથી સરવાળે પંચાયતને કોઈ નુકશાની જતી નથી. સામાન્યરીતે મકાન, લાઈટ, પાણી અને સફાઈ વેરો મળી એક પરિવાર દીઠ વાર્ષિક 6 હજાર જેટલી રકમ પંચાયતને વેરા સ્વરૂપે મળતી હોય છે . તેથી અંદાજિત વેરા માફીના કારણે એકાદ લાખ જેવી આવક પંચાયત જતી કરશે. જેની સામે ગામની લોકોનું આરોગ્ય સારુ રહેશે. ગામમાં કોરોના વિશે સ્થાનિક લોકોને પૂછતા વેપારી પરેશભાઈ શાહે કહ્યું હતું કે જે રીતની મહામારી હાલ ચાલી રહી છે તે જોતા મોટા આંગિયામાં જે રીતે વિસ્તારોમાં સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. તે અત્યારની પરિસ્થિતિને અનુલક્ષીને ઉત્તમ કાર્ય ગણી શકાય. તેના સિવાય પંચાયત દ્વારા બનાવવામાં આવેલું કોરન્ટાઇન સેન્ટર છે. ખુબ આવકારદાયક છે. ગામના ઉપ સરપંચ કલાભાઈ રબારીએ પણ કોરોના માટે થઈ રહેલી કામગીરીમાં સહયોગ આપવાની વાત કરી હતી. તેમને ગ્રામજનોના લાભાર્થે થતી કામગીરીમાં તમામ લોકો એક સંપથી જોડાયા હોવાની વાત કરી હતી.(સોર્સ : ગુજરાત સમાચાર)