Abhayam News
AbhayamDr. Chintan Vaishnav

ગીર જંગલના રક્ષકોની દયનીય સ્થિતી…

🐆 ગુજરાતમાં આવેલ ગીરનું જંગલ આમ પબ્લિકમાં સાસણગીરના નામથી ઓળખાય છે. હકીકતમાં ગીર બહુ મોટો વિસ્તાર છે. ધારી, ખાંભા, વિસાવદર વગેરે આસપાસના વિસ્તારનો ગીરમાં જ સમાવેશ થાય છે. આ પૈકીનાં સાસણ ગામની આસપાસના 1153 ચો.કી.મી. વિસ્તારને સાસણગીર અભ્યારણ્ય અને 258 ચો.કી.મી. વિસ્તારને સાસણગીર રાષ્ટ્રીયઉધાન તરીકે વર્ષ 1965 માં જાહેર કરવામાં આવેલ. ગીરનો વિસ્તાર જુનાગઢ, અમરેલી તેમજ ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાઓમાં પથરાયેલો છે.

🐊 એશિયાઈ સિંહોનું મુખ્ય નિવાસસ્થાન આ ગીરનું જંગલ છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં સિંહ માત્ર બે જગ્યાએ જ આફ્રિકા અને ભારતમાં જોવા મળે છે. ભારતમાં પણ માત્ર ગીરના જંગલમાં જ. પરંતુ ગીરના જંગલનો મતલબ માત્ર સાસણગીર કરવો ભૂલ ભરેલું છે. કારણકે સાસણગીર કરતાં પણ વધારે સિંહો ધારી, ખાંભા, મેંદરડા, વિસાવદર, જુનાગઢ, લીલીયા, રાજુલા વિસ્તારોમાં જોવા મળે છે. આ સિવાય ભાવનગરના જેસર થી લઈને સુત્રાપાડા, માંગરોળ, માધવપુર અને પોરબંદર સુધીની દરિયાઈ પટ્ટી પર પણ સિંહો વસવાટ કરતાં હોય છે. એશિયાટિક લાયનને કારણે દર વર્ષે સાસણગીરની મુલાકાતે લાખો પ્રવાસીઓ આવે છે. પ્રવાસન ઉધોગને કારણે અહી હોટેલ ઉધોગ પણ મોટા પ્રમાણમા વિકસેલો છે. અહીના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજી રોટી મળી રહે છે. સરકારી તંત્રને પણ કરોડો રૂપિયાની આવક દર વર્ષે થાય છે.

🦔 ગીરના જંગલમાં સિંહ ઉપરાંત ઘણા જંગલી પ્રાણીઓ જોવા મળે છે. જંગલમાં એમને વિહરતા જોવા એ પણ એક લ્હાવો છે. લોકો સિંહ ઉપરાંત શરીર પર ટપકા વાળા હરણ, સાંભર, રોઝ, કાળિયાર, દીપડા, શાહુડી, મગર, શિયાળ, ઘોરખોદિયું વગેરે પ્રાણીઓ નિહાળીને પણ આનંદ અનુભવે છે. દેશ અને વિદેશની મોટી મોટી હસ્તીઓ પણ સાસણગીર આવ્યા વગર રહેતી નથી. જંગલી પ્રાણીઓ ઉપરાંત અહી લગભગ 300 થી પણ વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. વૃક્ષો પણ વિવિધ પ્રકારના જોવા મળે છે. આ જંગલોને રક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. આથી અહી પ્રાણીઓના શિકાર પર અને વૃક્ષો કાપવા પર સખત પ્રતિબંધ છે. ગીરની જંગલ સંપતિનું રક્ષણ કરવા માટે જંગલખાતાના વિવિધ રેંકના સિપાહીઓ ટ્રેકર્સ, ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર, રેન્જર વગેરે સત્તત 24 કલાક 365 દિવસ ખડે પગે હોય છે.

🦚 અહી ગીરના જંગલમાં ફરજ બજાવવી એ સહેલી નથી. ફોરેસ્ટ ખાતું આમ જુઓ તો કેન્દ્રયાદિનો વિષય છે. આદર્શ રીતે દરેક રાજયના ક્ષેત્રફળના 33% માં જંગલો હોવા જોઈએ. આપણે ગુજરાતની જ વાત કરીએ તો માત્ર 9% વિસ્તારમાં જ જંગલો આવેલા છે. ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉધાનો તેમજ 22 અભ્યારણ્યો આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છના રણ અને સફેદ ઘૂડખર અભ્યારણ્ય પછી ત્રીજા નંબરે ગીર અભ્યારણ્ય આવે છે. બાકીના પૈકી વાત કરીએ તો ડાંગ, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર વગેરે અભ્યારણ્યોની વાત કરીએ તો ત્યાના જંગલોમાં વન્ય પ્રાણીઓ નહિવત જોવા મળે છે. આથી ગીરની સરખામણીમાં અહી કામકાજ ખૂબ ઓછું રહે છે. જવાબદારીઓ પણ એકંદરે ઓછી રહે છે. જંગલ ખાતાના સામાજિક વનીકરણ વિભાગની વાત કરીએ તો એમણે વૃક્ષો વાવવા, ઉછેરવા, નર્સરીઓનું વ્યવસ્થાપન જોવું, શહેરોમાં અને ગામડાઓમાં ભાગ્યે જ ક્યારેક વન્યપ્રાણી આવી ચડે તો રેસ્ક્યુ કરવું, ખેતરો ફરતે ફેંસિંગ માટે ગ્રાન્ટ વાપરવી, રોઝ અને જંગલી ભૂંડના ત્રાસથી પાક નિષ્ફળ જાય તો સર્વે કરીને વળતર ચૂકવવું વગેરે જેવુ ઓફિસવર્ક લગત કામ વધારે હોય છે. પરંતુ ગીર વિસ્તારમાં ફરજ બજાવનાર સ્ટાફ માટે દરેક દિવસ એક નવી જ ચેલેન્જ લઈને આવે છે.

🐵 ગીરના જંગલોમાં ઘણાખરા એકદમ ઇન્ટરનલ થાણાઑ આવેલા છે. જેવા કે કરમદડી, કમલેશ્વર, લીલાપાણી, કનકાઈ, છોડવડી, બાણેજ, સાપનેસ, ડાભાળા, કેરાંભા, ડેડકડી વગેરે… અહી એકદમ કોર વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓની અવાર જવર પણ વધારે હોય છે. વારંવાર પ્રાણીઓને રેસ્ક્યુ કરવાના પ્રસંગો બનતા હોય છે. જંગલમાથી વનકટાઈ ન થાય એ માટે સતત ચોકી પહેરો કરવો પડતો હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ થાણાઑ ઉપર લાઇટની વ્યવસ્થા પણ નથી હોતી. ભર ઉનાળે આકરા તડકામાં પણ ગીર ફોરેસ્ટના કર્મચારીઓને ફરજ બજાવતા મે નજરે જોયા છે. શિયાળામાં જંગલમાં કેવી જોરદાર ઠંડી પડતી હશે એનું મારે વર્ણન કરવાની જરૂર નથી. કડકડતી ઠંડીમાં પણ મોડીરાત્રે ઇનફાઇટમાં ઘવાયેલા સિંહનું રેસ્ક્યુ કરવું એ કઈ નાનીમાંના ખેલ નથી. ચોમાસામાં જંગલમાં ધોધમાર વરસાદ વરસતો હોય, જંગલના કેડી રસ્તાઓ કાદવ કીચડ વાળા સ્લીપી થઈ ગયા હોય, બાઇક કે જીપ પણ હંકારી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ આ જંગલનું રક્ષણ કરનારા યોદ્ધાઓ પોતાની ફરજ બખૂબી અદા કરતાં હોય છે.

🐺 ઉપર ઉલ્લેખિત થાણાઑ ઉપર ફરજ બજાવવી એ કપરું કામ છે. પણ તમને નવાઈ લાગશે કે મહિલા ફોરેસ્ટ કર્મચારીઓ પણ આવા એકદમ ઇન્ટરનલ પોઇંટ્સ ઉપર કામ કરતાં હોય છે. એક વખત હું બાણેજ ગયો હતો. ત્યાં રસ્તામાં છોડવડી ચેકપોસ્ટ આવે છે. જંગલમાં એકદમ વચ્ચોવચ કે જ્યાં મોબાઇલનું કવરેજ પણ મળે નહીં. અહી મારા એક મિત્રના દીકરી ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ પર હતા. મારા મિત્રે તેને માટે મોકલેલ કેટલીક ખાધ સામગ્રીઓ જેવી કે તેલ, દાળ, ચોખા ,લોટ, નાસ્તો વગેરે મે તેમને તેમના ક્વાર્ટર પર જઈને પહોચાડ્યો. હું ભોચક્કો જ રહી ગયો. કારણકે લગભગ 7 થી 8 પુરુષ સ્ટાફની સાથે માત્ર બે જ મહિલા અહી નિમણૂંક પામેલ. મને જાણવા મળ્યું કે અહી હજૂ સુધી લાઇટની વ્યવસ્થા પણ નથી. સોલાર લાઇટના ટમટમિયા પર જ આખી રાત કાઢવી પડે છે. ઉનાળામાં હાલત વધારે કફોડી થઈ જાય કારણકે અહી પંખો જ હોતો નથી. પાવર હોય તો પંખો ચાલે ને ? પોતાની રસોઈ જાતે જ બનાવવાની. મહિલા કર્મચારીઓ તો ચાલો બનાવી પણ લેશે પરંતુ મારી જેવો પુરુષ કર્મચારી ત્યાં ફરજ પર લાગ્યો હોય તો આપણને તો મેગી નુડલ્સથી વિશેષ કઈ બનાવતા પણ આવડે નહીં. જંગલમાં એક રૂમના ક્વાર્ટરમાં ફરજિયાત પરિવારને સાથે લઈને રહેવું પડે. હવે જો પરિવારમાં નાના બાળકો હોય તો અહી જંગલમાં તેમના અભ્યાસ માટે સ્કૂલની વ્યવસ્થા હોય નહીં. જો એકલા રહે અને પરિવારને નજીકના ગામડે ભાડે રૂમ લઈને રાખે તો સાજે-માંદે ખૂબ ચિંતા રહે કારણકે આકસ્મિક સંજોગોમાં મોબાઈલ જ લાગે નહીં. બીજું એ કે થાણા પર પોતે ક્વાર્ટરમાં રહેતો હોવાથી મકાન ભાડું પણ મળે નહીં. એટલે પોતાના પગારમાથી બિચારાને ગામડે રાખેલ મકાનનું ભાડું ચૂકવવું પડે. આટલું જબ્બર કામ અને મુશ્કેલીમાં રહીને ફરજ બજાવનાર કર્મચારીને એમની કામગીરીના પ્રમાણમા પગાર ચૂકવવામાં પણ તંત્ર અત્યારસુધી નિષ્ફળ રહ્યું છે.

🦌 આ અંતરિયાળ થાણાઑ પર ફરજ બજાવતા કર્મચારી પોતે બીમાર પડે તો તેમણે પોતે જ આ માટે દૌડાદૌડી કરવી પડે છે. આ માટે તંત્ર તરફથી તેમને કોઈ સહાય મળતી નથી. વિચારો કે લીલાપાણી કે બાણેજ જેવા એકદમ અંતરિયાળ થાણા પર ફરજનિષ્ઠ સ્ટાફ પૈકી કોઈને પણ રાત્રે એકાએક જ પથરીનો દુખાવો ઉપડયો તો ડોક્ટર પાસે પહોચવા માટે તેણે ઘોર અંધારા જંગલમાથી કે જ્યાં જંગલી પ્રાણીઓનો પણ ડર રહેલો છે.. ત્યાથી નજીકના ગામે પહોચતા પણ ઓછામાંઓછી 2 કલાકથી વધુ સમય પસાર થઈ જશે. જો ડોક્ટર આપણે ઘેરે આવતા હોય તો પણ પથરીના દુખાવામાં પથારીમાં પડ્યા પડ્યા પણ સમય કેમ નીકળે એ તો જેને જેને પથરીનો અસહ્ય દુખાવો સહન કર્યો હશે એમને ખ્યાલ જ હશે !! યમરાજાના દર્શન થઈ જાય મારી ગેરંટી. હવે વિચારો કે આવો જોરદાર દુખાવો ઉપડયો અને એ વખતે ચોમાસુ હોય અને સ્લીપી રસ્તાઓ ઉપર વાહન જ ચાલી શકે એમ ન હોય કે રસ્તામાં બે કાંઠે નદીઑ વહેતી હોય તો એ કર્મચારી કઈ રીતે ડોક્ટર પાસે પહોંચી શકે ? પોતાની જાતને ફોરેસ્ટ કર્મચારી તરીકે રાખીને વિચારજો…

🐒 આપને જણાવી દઉં કે આવા 70 થી 80% અંતરિયાળ થાણાઑ આખા ગીરમાં આવેલા છે. અહી ફરજ પર રહેલા દરેક સ્ટાફને એકપણ દિવસની રજા મળતી નથી. તેઓ અઠવાડીયાના દરેક દિવસ ડ્યૂટી ઉપર હાજર હોય છે. પ્રસંગોપાત ભાગ્યે જ તેમની રજાઓ મંજૂર થતી હોય છે. અહી નિમણૂંક પામેલ સ્ટાફે દિવાળી, હોળી, નવરાત્રિ, સાતમ-આઠમ જેવા તહેવારો વર્ષોથી પરિવારો સાથે ઉજવ્યા નથી. તેમણે પોતાના બાળકોને પાસે બેસીને ભણાવ્યા પણ નથી. તેમના પરિવારોની મહિલાઓ પણ એકલવીર યોદ્ધા બનીને બાળકોનો ઉછેર અને ઘરની જવાબદારી સંભાળે છે. અરે.. કેટલાય યુવાન કર્મચારીઓની ઉંમર વીતી ગઈ હોવા છ્ત્તા હજુ સુધી લગ્ન થયા નથી. અહી તેમની જિંદગી જેલ જેવી બની ગઈ છે. ગીરના ફોરેસ્ટ સ્ટાફની કોઈ સામાજિક લાઈફ રહેતી જ નથી. વધુમાં જંગલ બચાવવા માટે સ્થાનિક ગામડાઓની કેટલીક ચૌદશો સાથે પણ એમને વારંવાર પનારો પડતો હોય છે. ક્યારેક ક્યારેક સંઘર્ષના બનાવો પણ બનતા હોય છે. થોડા વર્ષ પહેલાની જ આ વાત છે. મારા એક વિધાર્થી કે જે ફોરેસ્ટર હતા એમની સામે એક ઇસમે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરી. તેઓ માત્ર તેમનું કામ કરી રહ્યા હતા. પરંતુ સામેવાળાએ કાયદાનો દુરૂપિયોગ કરીને ફોરેસ્ટર પર ફરિયાદ દાખલ કરી. એ સમયે થોડા સારા અધિકારીઓને બાદ કરતાં ફોરેસ્ટ ડિપાર્ટમેંટ કે તંત્ર તરફથી તેમને કોઈ કરતાં કોઈ પ્રકારની મદદ કરવામાં આવી નહીં. શ્રેષ્ઠ કામગીરી કરનાર મારા એ વિધાર્થીને પોતાના પ્રમોશન માટે કેટલીયે વખત ગાંધીનગરના ધક્કાઓ ખાવા પડ્યા. કેટલાયને ભાઈસાબ બાપા કરવા પડ્યા. કેટલું વ્યાજબી ??

🦉 આટઆટલી મુસીબતો વેઠીને પોતાની ફરજ બજાવનારા ગીરના કર્મચારીઓને કોઈ એક્સ્ટ્રા એલાઉન્સ પણ મળતું નથી. જે પગાર અમદાવાદ કે રાજકોટ કે બરોડા કે મોરબી વગેરે વિકસિત શહેરોમા ફરજ બજાવતા ફોરેસ્ટ કર્મચારીને પગાર મળે એ જ પગાર જંગલમાં અંતરિયાળ વિસ્તારમાં કામ કરતાં અને મુશ્કેલી ભોગવતા કર્મચારીને મળે એ વ્યાજબી લાગતું નથી. વળી પાછું આ બધા પોસ્ટિંગને જંગલખાતામાં પનિશમેંટ પોસ્ટિંગ કહેવામા આવે છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે-તે કર્મચારી હેરાન થાય એવા હેતુથી પણ તેનું અહી પોસ્ટિંગ કરવામાં આવે છે. જંગલખાતાના સમગ્ર ગુજરાતનાં લગભગ 85% સ્ટાફને આખી જિંદગી પૂરી થઈ ગઈ અને નિવૃત થઈ ગયા હોવા છ્ત્તા ગીરમાં નિમણૂંક નહીં મળી હોય. ગીર વિસ્તારના સ્ટાફને બાદ કરતાં ગુજરાતનાં મોટાભાગના ફોરેસ્ટ સ્ટાફને સાપ પકડતા કે મગર પકડતા પણ નહીં આવડતું હોય. કારણકે એમણે હાર્ડશિપ ભોગવવી પડે એવા ગીર વિસ્તારમાં કામ જ નથી કર્યું. પાયાની સુવિધાઑ જેવી કે લાઇટ, પાણી અને બળતણ પણ આ કર્મચારીઓને નસીબ નથી. ગેસનો બાટલો નોંધાવવા અને લેવા માટે તેમણે પોતાના સાથી કર્મચારીઓ સાથે ડ્યૂટીનો સમય એડજેસ્ટ કરીને જંગલ ચીરીને જાતે નજીકના ગામે જવું પડે છે.

🦡 આવી પરિસ્થિતિમાં જંગલ અને જંગલી પ્રાણીઓનું રક્ષણ કરતો ગીરનો ઘણોખરો સ્ટાફ જાતે દિવસે ડિપ્રેશનમાં જતો રહે છે. તેમને ફ્રેશ રાખવા કે તણાવમુક્ત કરવા માટે તંત્ર દ્વારા મોટિવેશનલ કાર્યક્રમો, રમત ગમત, હરીફાઈ, સારી કામગીરીનું એવોર્ડ આપી સન્માન કરવું વગેરે જેવા કાર્યક્રમો વખતો વખત આયોજિત કરવા જોઈએ. ગીર એ પાઠશાળા છે આથી ફોરેસ્ટ ખાતામાં વ્યક્તિ જોડાય એટ્લે નોકરીના પહેલા 5 વર્ષમાં એક વર્ષ ફરજિયાતપણે ગીરમાં પોસ્ટિંગ થવું જ જોઈએ. કોઈપણ સંજોગોમાં સતત 2 વર્ષ સુધી ગીરના થાણાઑ ઉપર એકને એક કર્મચારીની નિમણૂંક થવી જોઈએ નહીં. અંતરિયાળ થાણાઑ ઉપર કામ કરતાં સ્ટાફ સાથે માનવીય અભિગમ અપનાવવો જોઈએ. એમને અઠવાડિયે એક દિવસ ઓફ આપવો જ જોઈએ.

🐍 અલગ અલગ વિસ્તારોવાઇઝ જંગલખાતાએ જ ડોક્ટરની સગવડતા આપવી જોઈએ. સાજે-માંદે સ્ટાફને જંગલની અંદર જ સારવાર મળી રહે અથવા આકસ્મિક સંજોગોમાં તેમને જંગલમાથી લઈને હોસ્પિટલ પહોચાડી શકાય એના માટે પણ વ્યવસ્થાઓ હોવી જોઈએ. આપણા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી નવું વિમાન કે નવું હેલિકોપ્ટર વસાવસે નહીં તો ચાલશે પણ ગીરમાં કામ કરતાં કર્મચારીઓના પરિવારો માટે સારા ક્વાર્ટર્સ, બેરેક્સ, બાળકોના અભ્યાસની વ્યવસ્થાઓ, થાણા ઉપર વીજળીની સુવિધાઓ, રસોઈ બનાવનાર સ્ટાફની નિમણૂંક વગેરે બાબતો પર ખર્ચ કરવાની જરૂર છે. ખાસ તો ગીરમાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને અલગથી માતબર રકમનું ગીર એલાઉન્સ આપવાની જરૂર છે. ગીરમાં ફરજ બજાવતા સ્ટાફ અને ગીર બહાર ફરજ બજાવતા સ્ટાફના પગારમાં તફાવત તો હોવો જ જોઈએ એવું મારૂ સ્પષ્ટપણે માનવું છે. શક્ય હોય તો એકદમ અંતરિયાળ થાણાઑ ઉપર સ્ત્રી-પુરુષ સ્ટાફનું પ્રમાણ 2:5 રાખવું જોઈએ. અહી ફરજ બજાવતા સ્ટાફ માટે સરકારી અનાજની વ્યવસ્થા થવી જોઈએ. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દરેકને એકીસાથે જંગલમાં જ સરળતાથી ઉપલબ્ધ થવી જોઈએ. સમયાંતરે તબીબી તપાસ તેમજ આકસ્મિક સમયે જરૂર પડે તેવી દવાઓ અને ઈંજેકશનો તંત્ર દ્વારા દરેક થાણે ઉપલબ્ધ કરાવવા જોઈએ.

🐗 તહેવારો દરમિયાન અહી પુષ્કળ પ્રવાસીઓ આવતા હોય આ સમયગાળામાં અહીના સ્ટાફની જવાબદારી અનેક ગણી વધી જતી હોય છે. આપણને તહેવારો દરમિયાન પોતાની ફરજને મહત્વ આપીને ખડેપગે રહેલો પોલીસ કર્મચારી દેખાય છે પરંતુ આ જંગલનું રક્ષણ કરતો સિપાહી દેખાતો નથી. આપણે ગીરમાં ફરવા અને મોજ કરવા 2-3 દિવસ આવીએ છીએ અને જતાં રહીએ છીએ. સિંહ જોવા મળે નહીં તો જંગલ ખાતાને ગાળો ભાંડીએ છીએ. અરે ભાઈઓ બહેનો ગીરનો જંગલખાતાનો સ્ટાફ તો સેલ્યુટ કરવાને લાયક છે. હવે સિંહદર્શન માટે ગીરના મહેમાન બનો તો સૌથી પહેલા અહીના ફોરેસ્ટ સ્ટાફને પણ ઇંડિયન આર્મી જેટલું જ માન આપજો. એમના વખાણ કરજો અને એમને મોટિવેટ કરજો. ગીરને પોતાની મા માનવાવાળા ટ્રેકર્સથી લઈને કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ સુધીના તમામ ફોરેસ્ટ સ્ટાફને હું વંદન કરું છું. તમે લોકો શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો. તમે છો તો ગીરનું જંગલ છે. મને ગર્વ છે કે મારા કેટલાય વિધાર્થીઓ ઉપર કે જે હાલ ગીરના રક્ષકો બનીને ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. હું સલામ કરું છું એ બહેનોને કે જેઓએ આ પોસ્ટની હાડમારી વિષે જાણતા હોવા છ્ત્તા જંગલખાતાના કર્મચારી બનવાનું પસંદ કર્યું.

🌳 પર્યાવરણને બચાવવા માટે કામ કરતી અને વન્ય જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કામ કરનારી સંસ્થાઓ તેમજ એન.જી.ઑ. ને હું નમ્ર નિવેદન કરું છું કે ગીરના સૈનિકો માટે પણ થોડું નક્કર કામ કરવાની તાતી જરૂર છે. જય હિન્દ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

Abhayam

DGPએ કર્યા વખાણ,SP નિર્લિપ્ત રાયે ડ્રોન કેમેરાની મદદથી જુઓ શું પકડ્યું…

Abhayam

વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા

Vivek Radadiya