એક તરફ કોરોના અને બીજી તરફ મોંઘવારી. આ બંને વચ્ચે દેશની જનતાને પીસવાનો વારો આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચતા લોકોના ખિસ્સા પર વજન વધ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાંધણ ગેસ, શાકભાજી, દૂધ સહિતના અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં ઘટાડો થવાના બદલે ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે હવે મોંઘવારીના માર સાથે સુરતની જનતા પર વધુ એક મોંઘવારીનો હથોડો પડ્યો છે. સુરતના રેલવે સ્ટેસન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
જેથી હવે NSC-1 કેટેગરીમાં આવતા સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા કરવામાં આવી છે. પહેલા પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા હતી, જેમાં ડાયરેક્ટ 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે. કોરોનાની મહામારી વચ્ચે રેલવે સ્ટેશનના પ્લેફોર્મ પર વધારે લોકો એકઠા થયા નહીં એટલા માટે આ રેટ નક્કી કરવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે, ટિકિટનો ભાવ વધારે હોવાના કારણે રેલવે સ્ટેશન પર ખોટા લોકોના ટોળા એકઠા થશે નહીં અને જરૂરિયાતમંદ યાત્રીઓને આ નિર્ણયથી રાહત થશે.
રિપોર્ટ અનુસાર સુરત ચેમ્બર ઓફ કોમર્સના રેલવે કમિટીના ચેરમેન અને પશ્ચિમ રેલવેના ZRUCC મેમ્બર રાકેશ શાહ દ્વારા મુંબઈ ડિવીઝનના સુરત સહિતના અલગ-અલગ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારા માટે DGM-G, DRM અને સિનિયર DRMને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતએ ધ્યાનમાં લઇને આજથી મુંબઈ ડિવીઝનના સુરત સહિતના અલગ-અલગ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારાને મંજૂરી આપવામાં આવી છે.
આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ ટિકિટનો આ ભાવ વધારો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. અમદાવાદ, વડોદરા, સહિતના બીજા રેલવે સ્ટેશનો પર 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ છે. તો સુરતમાં શા માટે 50 રૂપિયા આ બાબતે રાકેશ શાહે તાત્કાલિક DRMને રજૂઆત કરીને ભાવ તાત્કાલિક ઘટાડવાની માંગણી કરી છે.
NSC-1 કેટેગરીમાં આવતા સુરત રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા કરવામાં આવી છે. NSC-2 કેટેગરીમાં આવતા ઉધના, નવસારી, ભરૂચ, સચિન, મરોલી અને ભેસ્તાન રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હોમ ટાઉન સુરતમાં પ્લેટફોર્મ ટિકિટનો દર 50 રૂપિયા કરવામાં આવતા ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની માગણી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.