રાજ્યમાં વધુ એક પેપર લીક થયાની ઘટનાને લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ધોરણ 10 અને 12 પ્રિલિમનરી પરીક્ષાના પેપર લીક મામલે મીડિયામાં પ્રસારિત થયેલા સમાચારનો રદિયો બહાર પાડવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજ્યમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની પ્રિલિમિનરી પરીક્ષા-2022 ના પ્રશ્નપત્રો શાળાઓએ જ કાઢીને યોજવાની સૂચના હોય છે.

જેથી દરેક જિલ્લાઓમાં શાળા વિકાસ સંકુલ અને શાળાના જૂથો દ્વારા પ્રશ્નપત્રનું છાપકામ કરીને પરીક્ષાઓ યોજવાની સૂચના છે. આથી પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નપત્રો જે-તે શાળાઓએ કાઢીને પરીક્ષા યોજવાની રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધુ એક પેપર લીક થયાની ચર્ચા વહેતી થઇ છે. ધોરણ 10 અને 12 પ્રિલિમનરી પરીક્ષાના પેપર લીક થયા છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થયું છે.

યુટ્યુબ પર પેપર લીક કરાયું છે. પેપર લીક કરનારા કૌભાંડીઓને આકરી સજા કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા માટેના પ્રશ્નપત્ર અપાયેલ નથી.
છતાં ઉક્ત ઘટના અંગે અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણાધિકારીઓને તપાસ કરવાના આદેશ અપાયા છે. આ ઘટના સાથે સંકળાયેલ તત્વો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.’
હાલ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પેપર લેવાય તેના બે દિવસ પહેલા પેપર સોશિયલ મીડિયામાં લીક થવુ ચોંકાવનારી ઘટના છે.
યુટ્યબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ પેપર નવનીત પ્રકાશનમાં છપાયા છે. ખુદ નવનીત પ્રકાશન દ્વારા આ પેપર લીકનો ખુલાસો કરાયો છે.

પેપર લીક મુદ્દે નવનીત પ્રકાશને દાવો કર્યો છે કે 2-3 દિવસથી કેટલીક શાળાઓ તરફથી પેપર લીકની ફરિયાદો મળી હતી. કેટલાક લોકો આગલા દિવસે યૂટ્યુબ પર પેપર લીક કરે છે.
અમુક રકમ આપી યૂટ્યુબ સબ્સક્રાઈબ કરી પેપર મેળવવાની ઓફર થઈ. અમે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનને જાણ કરી છે ફરિયાદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમારી ટીમ દ્વારા 8-10 યુટ્યૂબર્સને શોધી કઢાયા છે. અમારી ITની ટીમ પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

નવનીત પબ્લિકેશન પાસેથી પોલીસે લેખિત ફરિયાદની માગ કરી હતી. ગઈ કાલે નવનીત વતી માત્ર મૌખિક જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસ શરૂ કરવા માટે, એફ આઈ આર નોંધવા માટે લેખિત ફરિયાદ જરૂરી છે. આજે આ કેસમાં લેખિત ફરિયાદ થાય એવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…