ટ્રાફીક સમસ્યાથી ઘેરાયેલા રાજકોટ શહેરમાં હાલ વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ જગ્યાઓ પર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે જેને કારણે ટ્રાફિક સમસ્યા પણ ઉદભવે છે, ત્યારે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગુરૂવારે સાંજે શહેરમાં અચાનક ટ્રાફિક ચેકીંગમાં નીકળ્યા હતાં. શહેરમાં હાલમાં વિકાસના કામો અંતર્ગત જુદા જુદા સ્થળોએ પર નવા બ્રીજના નિર્માણનું કામ ચાલે છે આવા સ્થળોએ ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે જેથી ત્યાં ટ્રાફિક સમસ્યા સતત ઉદ્દભવતી રહે છે.
અલગ અલગ જગ્યાએ છ ટ્રાફિક વોર્ડન ફરજમાં ધ્યાન આપવાને બદલે મોબાઇલ ફોનમાં વ્યસ્ત જોવા મળતા તેને તાકીદે ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા
આવા પોઇન્ટ્સ પર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ વધુ ગંભીરતાથી નિયમનની કામગીરી કરી રહ્યા છે. પોલીસ કમિશનરના ટ્રાફિક ચેકીંગ દરમિયાન અલગ અલગ જગ્યાએ છ ટ્રાફિક વોર્ડન ફરજમાં ધ્યાન આપવાને બદલે મોબાઇલ ફોનમાં વ્યસ્ત જોવા મળતા તેને તાકીદે ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જેમાં મોટા ભાગના પોઇન્ટ્સ ઉપર ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રીગેડ હાજર મળી આવ્યા હતાં અને સુચારૂ રીતે ટ્રાફિક નીયમનની કામગીરી કરતા ફરજ પર એલર્ટ જોવા મળ્યા હતાં પરંતુ કોઇક જગ્યાએ પોઇન્ટો ઉપર ટ્રાફિક બ્રીગેડ ટ્રાફિક નીયમનની કામગીરી કરવાને બદલે મોબાઇલ ફોન ઉપર વ્યસ્ત તથા સાઇડમાં બેઠેલા જોવા મળ્યા હતાં.
શહેર ટ્રાફિક શાખા દ્વારા તેમના પોઇન્ટો ઉપર અધિકારી કર્મચારીઓ દ્વારા યોગ્ય ટ્રાફિક નીયમન કરવામાં આવે છે કે કેમ તે બાબતે ખાનગી વાહનમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી પ્રવિણકુમાર મીણા દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરાયું હતું.
જેમાં શહેરના જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માલવીયા ચોક, ત્રીકોણબાગ, ઢેબર રોડ, બસ સ્ટેશન રીક્ષા સ્ટેન્ડ, ભુતખાના ચોક, કાંતાસ્ત્રી વીકાસ ચોક, નાગરીક બેંક ચોક, મક્કમ ચોક, ગોંડલ રોડ, અમીનમાર્ગ, કોટેચા ચોક, કે.કે.વી. ચોક, બીગબજાર ચોક, ઇન્દીરા સર્કલ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ મહત્વના પોઇન્ટો પર સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આવા છ ટ્રાફિક બ્રીગેડ દ્વારા ફરજમાં બેદરકારી દાખવાઇ હોઇ જેઓને ફરજ પરથી છુટા કરવામાં આવ્યા છે. તેમજ રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ બ્રીજના કામ ચાલુ હોઇ ત્યાં ટ્રાફિકની સમસ્યા ઉદભવે નહી તે માટે ફરજમાં રહેલા ટ્રાફીક અધિકારી કર્મચારીઓને સુચારૂ ટ્રાફિક નીયમન કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…