મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને કારણે અવસાન પામતા લોકોના શબને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે પ્લાસ્ટિકની બેગમાં પેક કરવામાં મદદ કરવાનું કામ આ હસીનાબેન કરી રહ્યા છે.
હસીનાબેન કોઈ પગારદાર કર્મચારી નથી આમ છતાં પગારદાર કર્મચારી પણ જે કામ કરવામા હીંચકિચાટ અનુભવે એ કામ હસીનાબેન સ્વેચ્છાએ કરે છે. છેલ્લા 10 વર્ષથી હસીનાબેન બિનવારસી મૃતદેહોના નિકાલની સેવા નિસ્વાર્થ ભાવે કોઈ વળતર લીધા વગર કરે છે. કોરોના સમયમાં અત્યાર સુધીમાં 350 કરતા વધુ કોવિડને બોડીને અંતિમસંસ્કાર વિધિ માટે એમણે તૈયાર કરી છે.
થોડા દિવસ પહેલા એક 20-25 વર્ષનાં યુવાનનું ડેડબોડી પેક કરવાનું હતું. હસીનાબેનને ખબર પડી કે આ યુવાનના હજુ લગ્ન પણ બાકી છે તો એમણે પોતાના હાથે એ યુવાનના શબને પીઠી ચોળી આપી પછી પ્લાસ્ટિક બેગમાં પેક કર્યું. હસીનાબેને કહ્યું કે ‘આની માને દીકરાને પરણાવીને ઘરમાં વહુ લાવવાના કેવા કોડ હશે ! કુદરતની કારમી થપાટથી દીકરાના લગ્ન તો રહી ગયા પણ છેલ્લે છેલ્લે એના શરીર પર હું પીઠી તો ચોળી દઉં કારણકે એની મા તો આ શરીરને અડી પણ નહીં શકે.’ આજે સગા-સંબંધીઓ પણ કોવિડથી અવસાન પામેલા વ્યક્તિથી અંતર રાખે છે ત્યારે આ બહેન કોઈપણ જાતના સંબંધ વગર પણ માં જેવું હેત વરસાવે છે.
ખાલી સેવા નહીં, ભીના હૈયે લાગણી સાથે સેવા કરતા હસીનાબેનને સલામ.