સુરત સીટી બ્રિજ સીટી અને ફ્લાયઓવર સીટી તરીકે જાણીતું છે. ગુજરાતમાં સૌથી વધારે બ્રિજ ધરાવતા શહેર સુરત સાથે બ્રિજની ઘણી રસપ્રદ માહિતી જોડાયેલી છે. જે આજે અમે તમારી સાથે વહેંચવા જઇ રહ્યા છીએ.
બ્રિજ સીટી સુરતમાં સૌથી પહેલો બ્રિજ હતો ઐતિહાસિક હોપ પુલ. શહેરના ચોક અને રાંદેર વિસ્તારને જોડતો તાપી નદી પરનો હોપ પુલ વર્ષ 1877માં નિર્માણ પામ્યો હતો. જ્યારે નહેરુ બ્રિજ જે તે સમયની સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો.પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જો કોઈ પહેલો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, તો તે હતો તાપી નદી પર વર્ષ 1991માં સરદાર પટેલ બ્રિજ. જે અઠવા અને અડાજણ વિસ્તારને જોડતો અને સુરતનો પાયોનિયર બ્રિજ બની ગયો. તે પછી અઠવા જંકશન પર 1997માં ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું.
સુરતમાં બ્રિજની સંખ્યા 114
હાલના સમયમાં સુરતમાં તાપી નદી પર કુલ 13 રિવરબ્રિજ, 28 ફ્લાયઓવર બ્રિજ, 12 રેલવેઓવર/અંડર બ્રિજ તથા શહેરની વિવિધ ખાડીઓ પર 61 ખાડી બ્રિજ મળીને શહેરી વિસ્તારમાં કુલ 114 બ્રિજ આવેલા છે.
હજી બીજા 17 બ્રિજ બનશે
ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં બ્રિજ સેલ દ્વારા 255 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. જેમાં 680.07 કરોડના ખર્ચે બનનાર 7 બ્રિજ નિર્માણઆધિન છે. તથા બીજા 17 બ્રિજ પાઇપલાઇનમાં છે.
સુરતનો સૌથી લાંબો બ્રિજ?
સુરત શહેરમાં વર્ષ 2003માં વરાછા મેઇન રોડ પર આવેલા શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ સુરતનો સૌથી લાંબો બ્રિજ છે. જેની કુલ લંબાઈ 2753 મીટર છે.
સુરતનો સૌથી મોંઘો બ્રિજ?
તાપી નદી લર જીલાની કૉમ્પ્લેક્સથી પાલિયાકોતરને જોડતો શ્રી ચંદ્રશેખર આઝાદ બ્રિજ 227.36 કરોડના ખર્ચે બન્યો છે. આ ઉપરાંત સુરતનો કેબલ બ્રિજ પણ શહેરની ઓળખ સમાન છે. જેની લંબાઈ 918 મીટર છે. બ્રિજની ખાસિયત તેનો 300 મીટર કેબલવાળો સ્પાન છે.
બીજી રસપ્રદ વાત તો એ પણ છે કે આખા દેશમાં સુરત મહાનગરપાલિકા જ પહેલી કોર્પોરેશન બની હતી જેણે 1986માં બ્રિજ સેલ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું હતું. એટલું જ નહીં બનેલા દરેક બ્રિજના હેલ્થ કાર્ડ બનાવવામાં પણ સુરત કોર્પોરેશન પ્રથમ કોર્પોરેશન છે. જે 2017થી બ્રિજના હેલ્થ કાર્ડ બનાવે છે. સમયાંતરે બ્રિજ ચકાસીને તે રીપેર કરવા યોગ્ય છે કે નહીં તેનો રિપોર્ટ હેલ્થ કાર્ડમાં બનાવવામાં આવે છે.
સૌથી ઝડપથી વિકાસ પામતા સુરત શહેરમાં છેલ્લા 20 વર્ષમાં વિવિધ સ્થળે સુગમ પરિવહન હેતુ જે બ્રિજ બન્યા છે તેના કારણે સુરતને બ્રિજ સિટીની ઓળખ મળી છે.