મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ. 192 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ખાતે 485 મીટરની લંબાઈની નવી જેટી રૂ. 192 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે.
ભારત સરકાર દ્વારા આ હેતુસર નવેમ્બર-20માં પર્યાવરણ અને CRZ મંજૂરીઓ પણ રાજ્ય સરકારને મળી ગઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નવલખી બંદર પર 485 મીટરની જેટી નિર્માણના અંદાજિત રૂ. 192 કરોડના કામોની જે મંજૂરી આપી છે તેમાં 100 મીટર લંબાઇ જેટીના કોસ્ટલ કાર્ગો માટે ઉપયોગમાં લેવા મીકેનાઇઝ્ડ સિસ્ટમ સાથેના અંદાજિત રૂ. 108 કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે.
નવલખી સૌરાષ્ટ્ર ના સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે. આ બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા 8 મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને 20 મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
આ માલ પરિવહન ક્ષમતામાં થનારા સંભવિત વધારાને પરિણામે રાજ્ય સરકારને પ્રતિવર્ષ લગભગ રૂ. 50 કરોડની વધુ આવક થશે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારની સાગરમાલા યોજના અન્વયે આ જેટીના કામો માટે રૂ. 41. 30 કરોડની સહાય મંજૂર કરવામાં આવેલી છે.
આ સૂચિત 485 મીટરની લંબાઇની જેટીના કામો પૂર્ણ થતાં નવલખી બંદરની માલ પરિવહન ક્ષમતા લગભગ 16 મીલીયન મેટ્રિક ટન પ્રતિવર્ષ થવા પામશે એટલે કે, આ બંદરની વાર્ષિક માલ પરિવહન ક્ષમતામાં 8 મિલિયન મેટ્રિક ટનનો વધારો થવાનો અંદાજ છે. તદઅનુસાર 2. 5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ મીઠાનો વધુ કાર્ગો, 4. 5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ કોલસાનો વધારાનો કાર્ગો અને 1. 0 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ સિરામીક, ચિનાઇ માટી તથા મશીનરી ઉદ્યોગો જેવા અન્ય વધારાના કાર્ગોના માલ પરિવહનનો અંદાજિત વધારો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…